Valentine Day : પ્રેમી-પંખીડાઓને ચેતવણી સાથે શિવસૈનિકોનો સૂત્રોચ્ચાર ‘જહાં મિલેંગે બિટ્ટૂ સોના, તોડ દેંગે કોના કોના...’
નવી દિલ્હી, તા.13 ફેબ્રુઆરી-2023, સોમવાર
આવતીકાલે 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં પ્રેમનું પર્વ વેલેન્ટાઈન-ડે ઉજવવામાં આવશે. આ પર્વને લઈ યુવાઓમાં પણ થનગનાટ જોવા મળતો હોય છે. આ પ્રેમના પર્વે એકબીજાને પસંદ કરનારાઓ એક બીજાને મળે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. જોકે વેલેન્ટાઈન-ડે પર પ્રેમી-પંખીડાઓ સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. વેલેન્ટાઈડ-ડેની ઉજવણીને લઈને પ્રેમ વ્યક્ત કરનારા પ્રેમી-પંખીડા વિરુદ્ધ શિવ સૈનિકોએ મોર્ચો ખોલ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં શિવસૈનિકોએ સિવિલ લાઈનમાં લાકડીઓને સરસવ અને ચમેલીનું તેલ પીવડાવી પોતાનો ઈરાદો પણ વ્યક્ત કર્યો છે.
મધ્યપ્રદેશના પહેલવાન બાબા મંદિરમાં શિવસૈનિકોએ સંકલ્પ કર્યો
પશ્ચિમી સંસ્કૃતિના તહેવાર વેલેન્ટાઈન ડે સામે શિવસૈનિકોએ મોરચો ખોલ્યો છે. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં સિવિલ લાઈન સ્થિત પહેલવાન બાબા મંદિરમાં શિવસૈનિકોએ વેલેન્ટાઇન-ડે માટે લાકડીના દંડાને તેલ પીવડાવી તૈયાર કર્યો છે. શિવસૈનિકોએ ‘જહાં મિલેંગે બિટ્ટૂ સોના, તોડ દેંગે કોના કોના...’ના સૂત્રોચ્ચાર કર્યા છે. એટલું જ નહીં તેઓ પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લાકડીઓના દંડા પર કેસરિયો રંગ લગાવી અને સરસવનું તેલ પીવડાવી તૈયાર થઈ ગયા છે તેમજ અશ્લિલતા ફેલાવનારા પ્રેમી યુગલોને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો છે.
અશ્લીલતા કરતા પકડાશે તો સ્થળ પર જ લગ્ન કરાવી દેશે
શિવસેનાના નાયબ પ્રદેશ પ્રમુખ પપ્પુ તિવારીએ કહ્યું કે, વેલેન્ટાઈન ડે આપણા ભારતની સંસ્કૃતિ નથી. કેટલાક પ્રેમી યુગલો મૂંઝવણમાં મુકાયા છે, ભટકી ગયા છે જેઓ વેલેન્ટાઈન ડેની આડમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમને પાઠ ભણાવવા માટે આજે આપણે લાકડીઓને સરસવનું તેલ પીવડાવ્યું છે. પપ્પુ તિવારીના કહેવા પ્રમાણે અમે હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી છે કે, અશ્લીલતા ફેલાવનારા કોઈપણ પ્રેમી યુગલને હોટેલ રેસ્ટોરન્ટમાં પ્રવેશવા ન આપે. ચેતવણી આપ્યા બાદ પણ જો હોટલ રેસ્ટોરન્ટમાં પ્રેમી યુગલ અનૈતિક પ્રવૃતિ અને અશ્લીલ હરકતો કરતા પકડાશે તો સ્થળ પર જ લગ્ન કરી દેવાશે અને જો રેસ્ટોરન્ટ હોટલમાં તોડફોડ જેવી કોઈ ઘટના બનશે તો તેના માટે તે પોતે જ જવાબદાર રહેશે.
Comments
Post a Comment