નોકરીના બદલે જમીન કેસમાં લાલુ-રાબડી સહિત 16ને કોર્ટનું સમન્સ, આ 4 કૌભાંડોમાં પણ લાલુનું નામ

નવી દિલ્હી, તા.27 ફેબ્રુઆરી-2023, સોમવાર

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કથિત ‘નોકરીના બદલે જમીન’ના કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય 14 લોકો સામે સમન્સ જારી કર્યા છે. CBI દ્વારા તેમની સામે દાખલ કરાયેલી ચાર્જશીટને ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપીઓને 15 માર્ચ માટે સમન્સ જારી કર્યા છે.

નોકરીના બદલે જમીન કૌભાંડ શું છે ?

  • ઉલ્લેખનીય છે કે, 2004થી 2009ની વચ્ચે લાલુ પ્રસાદ યાદવ ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી હતા. આરોપ છે કે લાલુ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે રેલ્વે ભરતીમાં ગોટાળો થયો. 
  • કહેવાઈ રહ્યું છે કે, નોકરી મેળવવાને બદલે અરજદારો પાસેથી જમીન અને પ્લોટ લેવાયા હતા. 
  • CBIએ આ મામલે તપાસ કર્યા બાદ લાલુ પ્રસાદ યાદવ અને તેમની પુત્રી મીસા ભારતી વિરુદ્ધ કેસ નોંધ્યો. 
  • આરોપ છે કે જે જમીનો લેવાઈ તે રાબડી દેવી અને મીસા ભારતીના નામે પણ લેવામાં આવી. 
  • ગત વર્ષે સીબીઆઈએ લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ નોકરીના બદલામાં જમીન કૌભાંડમાં એફઆઈઆર દાખલ કરી હતી. 
  • લાલુ યાદવ પર આરોપ છે કે, તેમના રેલ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  
  • સીબીઆઈનો આરોપ છે કે, રેલવેમાં નોકરીના બદલામાં લાલુ યાદવના પરિવારે લાંચ સ્વરૂપે નોકરી ઈચ્છુક વ્યકિતઓ પાસેથી જમીન લીધી હતી. 
  • ઉલ્લેખનીય છે કે, જાહેર સેવક સામે કેસ નોંધતા પહેલા સીબીઆઈએ નિયમ મુજબ મંજૂરી લેવી પડે છે.  
  • આ કૌભાંડ, યુપીએ-1 ના સમયગાળામાં લાલુ યાદવ રેલ મંત્રી હતા તે સમયનું છે. 
  • સીબીઆઈ ઓફિસરોના જણાવ્યા અનુસાર, આ કેસમાં લાલુ યાદવ સિવાય તેમના પુત્ર અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, તેમની પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવ પણ આરોપી છે. ઉત્તર પ્રદેશ સરકારમાં રેલ્વે મંત્રી રહેલા પવન બંસલના ભત્રીજા વિજય સિંગલા પર પણ રેલ્વે ભરતી સાથે જોડાયેલ વધુ એક કૌભાંડનો આરોપ છે. 
  • આ કેસમાં પણ CBIએ વિજય સિંગલા સહિત 10 સામે FIR નોંધી છે. આ કેસમાં વિજય સિંગલા પર મની લોન્ડરિંગનો પણ આરોપ છે.

હથિયાર ખરીદીનો કેસ

લાલુ પ્રસાદ યાદવ જે સમયે બિહારના મુખ્યમંત્રી હતા ,ત્યારે ૧૯૯૭માં એક કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની વિગત મુજબ, શસ્ત્રોના વેપારીએ ફરિયાદ કરી હતી કે, તેમની સાથે છેતરપિંડી કરીને ચોક્કસ વ્યકિતઓએ મોટી માત્રામાં હથિયારો અને કારતૂસ ખરીદ્યા હતાં.જે માણસોને હથિયાર વેચ્યા હતા, તેમાં એક વ્યકિતનું નામ લાલુ યાદવ હતું.  મધ્ય પ્રદેશની એમપી-એમએલએ કોર્ટમાં કેસ ચાલતો હોવાથી તે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિરૂદ્ધ હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ, આ કેસ સાથે જોડાયેલ એક વકીલના જણાવ્યા અનુસાર, ભળતા નામને કારણે ગેરસમજ ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, જે લાલુ યાદવની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, તેના પિતાનું નામ કુંદ્રિકા સિંહ છે. જ્યારે, બિહારના પૂર્વ મુખ્યમંત્રીના પિતાનું નામ કુંદન રાય છે. હાલમાં મળતી માહિતી મુજબ, કુલ ૬ આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં લાલુ યાદવ ભાગેડુ બતાવવામાં આવી રહ્યા છે. પોલીસના આરોપ પત્ર મુજબ, આ કેસમાં આરોપીઓએ કુલ ૩૬ રાઈફલ અને હજારો કારતુસ ખરીદ્યા હતાં.   

રેલ્વે પ્રોજેક્ટની ફાળવણીમાં ભ્રષ્ટાચારનો કેસ

લાલુ પ્રસાદ યાદવ યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન રેલવેમંત્રી હતા અને તે દરમિયાન રેલવે પ્રોજેક્ટની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા 2018માં શરૂ કરવામાં આવી હતી. આ તપાસ મે 2021માં બંધ કરવામાં આવી હતી. ત્યારે સીબીઆઈના સૂત્રોએ કહેવું હતું કે, આરોપોના આધારે હાલ કોઈ કેસ નથી બનતો. આ કેસમાં લાલુ યાદવ ઉપરાંત બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, પુત્રીઓ ચંદા યાદવ અને રાગિણી યાદવને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ મામલામાં આરોપ હતો કે, લાલુ યાદવને DLF ગ્રુપ દ્વારા દક્ષિણ દિલ્હીમાં એક પ્રોપર્ટી લાંચ તરીકે આપવામાં આવી હતી. આ લાંચ મુંબઈના બાંદ્રામાં રેલ લેન્ડ લીઝ પ્રોજેક્ટ અને નવી દિલ્હી રેલવે સ્ટેશનના સુધારણાના રૂપમાં આપવામાં આવી હોવાનો આરોપ છે. આ પ્રોપર્ટી DLF દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ શેલ કંપની દ્વારા માર્કેટ રેટ કરતા ઘણી ઓછી કિંમતે ખરીદવામાં આવી હતી. ત્યારબાદ તેજસ્વી યાદવ વતી આ શેલ કંપની ખરીદવાનો આરોપ છે. આ સોદામાં યાદવ પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ સામેલ હતા. આ ડીલ દ્વારા જ દક્ષિણ દિલ્હી સ્થિત બંગલાની માલિકી યાદવ પરિવાર પાસે ગઈ. સીબીઆઈએ આ તપાસ એવા સમયે ખોલી છે જ્યારે લાલુ યાદવનું તાજેતરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને હાલમાં તેઓ રિકવર થઈ રહ્યા છે.

IRCTC કૌભાંડ

IRCTC કેસ રેલવે ભરતી કૌભાંડથી અલગ છે. IRCTC કૌભાંડનો આરોપ પણ 2004માં લાલુ રેલવે મંત્રી હતા તે સમયનો છે. રેલવે બોર્ડે તે સમયે રેલવે કેટરિંગ અને રેલવે હોટેલ સેવાઓ સંપૂર્ણપણે IRCTCને સોંપી દીધી હતી. આ દરમિયાન રાંચી અને પુરીમાં BNR હોટેલના જાળવણી, સંચાલન અને વિકાસ માટે ચાલી રહેલા ટેન્ડરમાં અનિયમિતતા હોવાના અહેવાલો આવ્યા હતા. આ ટેન્ડર 2006માં એક ખાનગી હોટલ સુજાતા હોટેલને મળ્યું હતું. આરોપ છે કે સુજાતા હોટેલ્સના માલિકોએ તેના બદલે પટનામાં લાલુ યાદવ પરિવારને ત્રણ એકર જમીન આપી, જે બેનામી મિલકત હતી. આ કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત ઘણા લોકો આરોપી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો