'વિશ્વકર્મા યોજના'ને મંજૂરી : 30 લાખ કારીગર પરિવારને લાભ થશે


- વડાપ્રધાનના વડપણ હેઠળની કેબિનેટે કુલ 90 હજાર કરોડથી વધુની ત્રણ યોજનાને લીલીઝંડી આપી

- એસસી, એસટી, ઓબીસીના કારીગરો માટે વિશ્વકર્મા યોજનાનાં 13 હજાર કરોડ, ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટ માટે વધુ 14903 કરોડ ફાળવાયા

- રૂપિયા 57,613 કરોડનાં ખર્ચે દેશના 170થી વધુ શહેરોમાં 10,000 ઇલેક્ટ્રિક બસો દોડાવાશે : કેન્દ્ર

- ગુજરાત સહિત નવ રાજ્યોનાં 35 જિલ્લાઓના રેલવે નેટવર્ક, કાયાકલ્પ માટે રૂ. 32,500 કરોડ ખર્ચ કરાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના માટે ૧૩૦૦૦ કરોડ રૂપિયાને મંજૂરી આપી દીધી છે. જેનાથી પારંગત  કારીગરોને લાભ મળશે. આ યોજનાનો અમલ ૧૭મી સપ્ટેમ્બરના વિશ્વકર્મા પૂજા દિને અને મોદીના જન્મદિને કરાશે. આ ઉપરાંત રેલવેના સાત મલ્ટિ ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે ૩૨૫૦૦ કરોડને પણ મંજૂરી મળી ગઇ છે. રેલવેના આ પ્રોજેક્ટનો ગુજરાત સહિત નવ રાજ્યોને લાભ મળશે. સાથે જ રેલવેના નેટવર્કમાં ૨૩૩૭ કિમીનો પણ વધારો થશે. સરકારના દાવા મુજબ રેલવેના આ પ્રોજેક્ટથી સાત કરોડથી વધુ લોકોને રોજગારી  મળશે. તેવી જ રીતે  ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ માટે પણ ૧૪૯૦૩ કરોડ રૂપિયાને કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ છે. કુલ મળીને આશરે ૯૦ હજાર કરોડથી વધુની વિવિધ યોજનાઓને મંજૂરી અપાઇ છે.  

આ વર્ષે ફેબુ્રઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ રજુ કરતી વખતે વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી, જેનો અમલ હવે આગામી મહિને થવા જઇ રહ્યો છે. કુશળ કારીગરોને ટ્રેનિંગ આપવા, આર્થિક મદદ કરવા, મોડર્ન ટેક્નોલોજીની જાણકારી આપવા, ગ્રીન ટેક્નોલોજી, બ્રાન્ડ પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક માર્કેટ સાથે કેવી રીતે જોડાવું ઉપરાંત ડિજિટલ પેમેન્ટ્સ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ વિશ્વકર્મા યોજનામાં કરાયો છે. આ યોજનાનો લાભ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને આર્થિક રીતે નબળા વર્ગને આપવામાં આવશે. ખાસ કરીને સોના ઘડામણ, મુર્તિકામ, લુહારીકામ, સુધારીકામ વગેરે કારીગરી સાથે સંકળાયેલા ક્ષેત્રોના લોકોને વિશેષ લાભ આપવામાં આવશે. 

જ્યારે રેલવેના કુલ સાત નવા પ્રોજેક્ટ માટે ૩૨૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ રેલવેનું નેટવર્ક વધારવાનો છે. નવ રાજ્યોના ૩૫ જિલ્લાઓને તેનો લાભ મળશે. આ રાજ્યોમાં નવી રેલવે લાઇન નાખવામાં આવશે. જેમાં ગુજરાતના સામખિયાળીથી ગાંધીધામનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં હવે ફોર ટ્રેક રેલવે લાઇન નાખવામાં આવશે. તેથી ઉત્તર ભારત અને કચ્છનો રેલવે ટ્રાફિક સરળ થઇ જશે. જેનાથી મુંદ્રા પોર્ટને પણ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રોજેક્ટ્સ, યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કેબિનેટે સિટી બસોને પ્રોત્સાહન આપવા માટે પીએમ-ઇબસ સેવાને મંજૂરી આપી દીધી છે. જે માટે આશરે ૫૭,૬૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. દેશભરમાં ૧૭૦થી વધુ શહેરોમાં ૧૦,૦૦૦ નવી ઇલેક્ટ્રિક બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણયો એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે કેન્દ્રની ભાજપ સરકાર અને વિપક્ષ કોંગ્રેસ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ઇલેક્ટ્રિક બસોને કારણે અનેક લોકોને રોજગારી મળવાની પણ સરકારે શક્યતાઓ વ્યક્ત કરી છે.

નેવી માટેના 20,000 કરોડના પ્રોજેક્ટને કેન્દ્રની લીલીઝંડી

 કેન્દ્ર સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ નૌકાદળ સાથે જોડાયેલા ૨૦ હજાર કરોડના એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. હિંદુસ્તાન શિપયાર્ડ દ્વારા નૌકાદળ માટે પાંચ સહાયક જહાજોનું નિર્માણ કરવામાં આવશે. આ પરિયોજનાના લીધે નૌકાદળ સાથે જોડાયેલા જુદા-જુદા બેડાઓના યુદ્ધજહાજોને મદદ મળશે, કેમકે સહાયક જહાજ તેમને સમુદ્રમાં કામગીરી દરમિયાન ભોજન, ઇંધણ અને દારુગોળો પૂરો પાડશે. આ પ્રોજેક્ટ હિંદુસ્તાન શિપયાર્ડ માટે પણ ફાયદાકારક હશે, કેમકે તેને આ મેગા ઓર્ડર મળવાનો છે. તેના લીધે નાના અને મધ્યમ સ્તરના ઘણા ઉદ્યોગોના સમર્થન દ્વારા બનાવાશે. આગામી દાયકા સુધીમાં પાંચ જહાજો બનવાની આશા છે. 

કેબિનેટ દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો

પીએમ વિશ્વકર્મા યોજના

* ૩૦ લાખ કારિગરોને યોજનાનો લાભ મળશે.

*  પ્રથમ તબક્કામાં એક લાખ અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયાની લોન મળશે, રોજગાર લક્ષી વિવિધ ક્ષેત્રોમાં કારિગરોને તાલિમ અપાશે.

* તાલિમનો લાભ લેનારાને તાલિમ દરમિયાન મહેનતાણુ પણ આપવામાં આવશે. 

* લોનમાં સરકાર સબસિડી પણ આપશે, વ્યાજદર આશરે પાંચ ટકા જેટલો રહેશે.

* વિશ્વકર્મા સમાજ સાથે સંકળાયેલી ૧૪૦થી વધુ જાતિઓને પણ લાભ મળશે.  

ઇ-બસ સેવા

* પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ૧૬૯ શહેરોમાં ૧૦ હજાર ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરાશે.

*  ગ્રીન મોબિલિટી ઇનિશિએટિવ હેઠળ ૧૮૧ શહેરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં આવશે.

* ઇ-બસ સેવા પાછળ કેન્દ્ર ૨૦ હજાર કરોડ ખર્ચ કરશે, જ્યારે કુલ ખર્ચ ૫૭૬૧૩ કરોડ થશે.  

ડિજિટલ ઇન્ડિયા

* ૨૦૧૫માં લોંચ ડિજિટલ ઇન્ડિયા પ્રોજેક્ટમાં વધુ ૧૪૯૦૩ કરોડ ખર્ચાશે.

*  પાંચ લાખ આઇટી પ્રોફેશન્સની સ્કિલ વધારાશે.

* બે લાખ લોકોને ઇન્ફોર્મેશન સિક્યોરિટીની તાલિમ અપાશે. 

*  સુક્ષ્મ, લઘુ, મધ્ય એન્ટરપ્રાઇઝિસ માટે ડિજિલોકર ઉપલબ્ધ કરાશે. 

* ૧૨ કરોડ લોકોને સાઇબર સિક્યોરિટીની જાણકારી આપવામાં આવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો