યુપીમાં 'ગુરુ'ના હોદ્દાને લજવતો મામલો, મહિલા શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થીને અન્ય બાળકોથી માર ખવડાવ્યો
યુપીના મુઝફ્ફરનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્કૂલનું સંચાલન કરતી મહિલા શિક્ષિકા એક મુસ્લિમ વિદ્યાર્થીને ક્લાસના અન્ય બાળકોથી માર ખવડાવી રહી છે. તે એક પછી એક અન્ય વિદ્યાર્થીઓને બોલાવી રહી છે અને તેની બાજુમાં ઊભેલી વિદ્યાર્થીને ગાલ પર થપ્પડ મારવા કહી રહી છે. માર ખાઈ રહેલો મુસ્લિમ વિદ્યાર્થી બાજુમાં ઊભો ઊભો જોર જોરથી રડતો દેખાય છે. પરંતુ તેનાથી એ મહિલા શિક્ષકને કોઈ ફેર પડતો નથી અને તેની સાથે જ તે મુસ્લિમો વિરુદ્ધ અને તેમના બાળકો વિરુદ્ધ ટિપ્પણીઓ કરતાં જરાય ખચકાઈ રહી નથી.
એક પુરુષ પણ બેસેલો જોવા મળી રહ્યો છે
વીડિયોમાં જોઇ શકાય છે કે મહિલા શિક્ષક પાસે એક પુરુષ બેઠો છે. બંને વાત કરી રહ્યા છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાને લઈને રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું છે. તે જ સમયે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસ્લિમ વિદ્યાર્થી સાથે આ પ્રકારની મારપીટનો વીડિયો ટ્વિટ કરીને ઘટનાની આકરી ટીકા કરી હતી.
ક્યાંનો છે મામલો?
ખરેખર તો આ વીડિયો મુઝફ્ફરનગરના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખુબ્બાપુર ગામનો છે. અહીં તૃપ્તા ત્યાગી નામની મહિલા શિક્ષિકા શાળા ચલાવે છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તૃપ્તા ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. તેની પાસે એક વિદ્યાર્થી ઉભો છે. ડઝનબંધ વિદ્યાર્થીઓ નજીકમાં જમીન પર બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારબાદ તૃપ્તા એક પછી એક જમીન પર બેઠેલા વિદ્યાર્થીઓને બોલાવે છે અને પોતાની પાસે ઉભેલા વિદ્યાર્થીના ગાલ પર થપ્પડ મારવાનું કહે છે. અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાંથી આવી રહ્યા છે અને ઉભેલા છોકરાના ગાલ પર થપ્પડ મારી રહ્યા છે. આ દરમિયાન તૃપ્તા નામની આ મહિલા શિક્ષક મુસ્લિમ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ વિરોધાભાષી ટિપ્પણી કરતા સંભળાય છે. તે બાળકોને જોર જોરથી લાફા મારવા પણ ઉશ્કેરી રહી છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે
વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સીઓ ડો.રવિશંકરનું કહેવું છે કે, સ્કુલના અન્ય વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સાથે જ એક મહિલા શિક્ષક દ્વારા ધાર્મિક ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. મંસૂરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું
દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, "માસૂમ બાળકોના મનમાં ભેદભાવનું ઝેર ભરી દેવું, શાળા જેવા પવિત્ર સ્થળને નફરતનું બજાર બનાવવું - એક શિક્ષક દેશ માટે આનાથી વધુ ખરાબ કંઈ કરી શકે નહીં." આ એ જ કેરોસીન છે જે ભાજપ દ્વારા ફેલાવવામાં આવ્યું છે જેણે ભારતના દરેક ખૂણે આગ લગાડી દીધી છે. બાળકો ભારતનું ભવિષ્ય છે - તેમને નફરત ન કરો, આપણે બધાએ સાથે મળીને પ્રેમ શીખવવાનો છે.
Comments
Post a Comment