ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઓક્સિજન શોધી કાઢ્યો


- હેલ્લો પૃથ્વીવાસીઓ, તમને,બહુ જલદી ખુશ ખબર મળશે : પ્રજ્ઞાન રોવર 

- ચંદ્રની ધરતીમાં સલ્ફર, એલ્યુમિનિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ટીટેનિયમ વગેરે ખનિજ તત્ત્વો છે

બેંગલુરુ/મુંબઇ : હેલ્લો પૃથ્વીવાસીઓ, હું ચંદ્રયાન -૩ નું પ્રજ્ઞાન રોવર છું. હું આશા રાખું છું કે આપ સહુ કુશળ હશો. હું આપ સહુને એક ખુશખબર આપવા ઇચ્છું છું કે હું  ચંદ્રનાં રહસ્યોનો તાગ મેળવવા દરરોજ પ્રવાસ કરું છું.આગળ વધું છું.હું,મારા મિત્ર વિક્રમ લેન્ડર સાથે પણ સતત સંપર્કમાં છું. અમે બંને બહુ મજામાં છીએ. તમને,બહુ જલદી  એક ખુશ ખબર મળશે. 

ઇન્ડિયન  સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) આજે મંગળવારે ચંદ્રયાન-૩ના પ્રજ્ઞાન રોવરના નવા અને અતિ મહત્વના સંશોધન દ્વારા ચંદ્રની ધરતીમાં વિવિધ પ્રકારનાં અને બહુ મૂલ્યવાન કહી શકાય તેવાં ખનિજ તત્ત્વોનો જાણે કે ભંડાર હોવાની માહિતી આપી છે.

ખાસ કરીને  રોવરમાંના લેઝર-ઇન્ડયુસ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમીટર (એલઆઇબીએસ) નામના વૈજ્ઞાનિક ઉપકરણે ચંદ્રના દક્ષિણ ધ્રુવની ધરતીમાં સલ્ફર(એસ) નામનું તત્ત્વ હોવાનું નવું અને વિશિષ્ટ સંશોધન કર્યું છે. ઉપરાંત,અમારા  પ્રાથમિક પૃથ્થકરણ  દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ચંદ્રની ધરતીમાં એલ્યુમિનિયમ (એ), સલ્ફર(એસ), કેલ્શિયમ(સીએ), આયર્ન(એફઇ),  ક્રોમિયમ(સીઆર), ટીટેનિમય(ટીઆઇ) વગેરે ખનિજ તત્ત્વો છે. 

ઇસરોનાં સૂત્રોએ તો એવી માહિતી પણ આપી હતી કે પ્રજ્ઞાન રોવરે તેની સંશોધન કામગીરી દ્વારા  ચંદ્રની ધરતીમાં મેંગેનીઝ(એમએન), સિલિકોન(એસઆઇ),   ઓક્સિજનની હાજરી પણ હોવાનું જાણવા મળ્યું છે.ઉપરાંત, ચંદ્ર પર હાઇડ્રોજનનું અસ્તિત્વ છે કે કેમ તે વિશે પણ સંશોધન થઇ રહ્યું છે. 

હાલ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાર્યરત છે.આ બંને વૈજ્ઞાનિક ઉપકરણોપૃથ્વીના એક માત્ર ઉપગ્રહનાં રહસ્યોનો તાગ મેળવવાનો છે. સાથોસાથ, નવી નવી માહિતી પણ મેળવવાની છે. ખાસ કરીને શશી (ચંદ્રનું સંસ્કૃત નામ)ના દક્ષિણ ધ્રુવ પર જળનું  ચોક્કસ  પ્રમાણ(જળના અંશ) કેટલું છે તેનો મહત્વપૂર્ણ સંશોધનાત્મક અભ્યાસ પણ કરવાનો છે.

૨૦૨૩ની ૨૩, ઓગસ્ટના ઐતિહાસિક દિને  ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ૭૦ ડિગ્રી અક્ષાંશ પર સલામતીપૂર્વક ઉતર્યું છે.  ત્યારબાદ પ્રજ્ઞાન રોવરે અને વિક્રમ લેન્ડરે તેમની સંશોધન કામગીરી શરૂ કરી દીધી છે. 

ઇસરોનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ૨૭,ઓગસ્ટ, રવિવારે પ્રજ્ઞાન રોવરના પ્રવાસના માર્ગમાં ચાર મીટર(૧૨ ફૂટ)નો ઘેરાવો ધરાવતો એક મોટો ખાડો(ચંદ્રની ધરતીપરના ખાડાને ખગોળશાસ્ત્રની ભાષામાં ઉલ્કાકુંડ-ક્રેટર) કહેવાય છે) આવી ગયો હતો. જોકે રોવર એ તબક્કે પેલા ખાડાથી ત્રણ મીટર દૂરના અંતરે હતું.બરાબર એ જ સમયે પ્રજ્ઞાન રોવરને ચોક્કસ કમાન્ડ મળ્યો અને તેણે તેનો રસ્તો બદલી નાખ્યો હતો. હાલ પ્રજ્ઞાન રોવર વધુ આગળ વધી રહ્યું છે.

ઇસરોનાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર(એસ.એ.સી.-સેક)ના ડાયરેક્ટર નીલેશ કુમાર દેસાઇએ   એવી ખાસ માહિતી આપી છે કે પ્રજ્ઞાન રોવરે  આજે  ૨૯,ઓગસ્ટ  સુધીમાં ૧૪.૫ (૪૨ ફૂટ કરતાં વધુ ) મીટરનો  પ્રવાસ કર્યો છે. ખરેખર તો અમારા મૂળ અંદાજ મુજબ પ્રજ્ઞાન રોવરે દરરોજ સરેરાશ ૩૦ મીટરનો પ્રવાસ કરવાનો છે.હવે અમારી પાસે ૩, સપ્ટેમ્બરની સાંજ સુધીનો જ સમય છે. અમારા પ્રજ્ઞાન રોવરે કુલ ૧૪ દિવસમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર આશરે ૩૦૦-૪૦૦ મીટરના પ્રવાસનો ચોક્કસ લક્ષ્યાંક પૂરો કરવાનો છે. અમે  આવો લક્ષ્યાંકરાખ્યો છે. અમારો મુખ્ય અને મૂળ ઉદેશ્ય જ પ્રજ્ઞાન રોવ અને વિક્રમ લેન્ડરની સંશોધન કામગીરી છે.

પ્રજ્ઞાન રોવરની કામગીરી  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીને ચંદ્રના વાતાવરણમાંના ઘટકોનો અભ્યાસ કરવાની છે.ઉપરાંત, રોવરમાંનું આલ્ફા પાર્ટિકલ એક્સ -રે નામનું વૈજ્ઞાનિક ઉપકરણ ચંદ્રના દક્ષિણ ધ્રુવની માટીમાં કયાં કયાં કુદરતી તત્ત્વો અને રસાયણો છે તેનો સંશોધનામક અભ્યાસ કરવાની છે.ઉપરાંત, ચંદ્રની ધરતીમાં કયાં કયાં ખનિજ તત્ત્વો છે તેની માહિતી પણ મેળવવાની છે. 

બીજીબાજુ ઇસરોના ઓપરેશન ડાયરેક્ટર એમ.શ્રીકાંતે  એવી માહિતી આપી હતી કે ચંદ્ર પર ૫,સપ્ટેમ્બરે સૂર્યાસ્ત થશે.એટલે કે  ત્યાં ૧૪  રાત્રિનું ચક્ર શરૂ થશે.ત્યારબાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું તાપમાન ઘટીને માઇનસ(-) ૨૦૩ જેટલું અસહ્ય ટાઢુંબોળ થઇ જશે.આવા અત્યાંત ઠંડાગાર વાતાવરણમાં વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંને ટકી રહેશે. જોકે ૧૪ રાતનું ચક્ર પૂરું થયા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીથી સૂર્યોદય થશે.સૂર્યોદયની સાથે જ બંને ઉપકરણને સૂરજની કુદરતી ઉર્જા મળશે એટલે તે ફરીથી કાર્યરત થશે એવી અમને પૂરી આશા છે.

વિક્રમ લેન્ડરની બેટરીની ક્ષમતા  ૬૨.૫ એમ્પેરે-અવરની છે, જ્યારે પ્રજ્ઞાન રોવરની બેટરીની ક્ષમતા ૧૦ એમ્પેરે-અવરની છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો