ઈસરોએ 'મેક ઈન ઈન્ડિયા'ને ચંદ્ર પર પહોંચાડી દીધું : પીએમ મોદી


- દેશમાં હવે પ્રત્યેક વર્ષે 23 ઑગસ્ટે રાષ્ટ્રિય અંતરિક્ષ દિન ઊજવાશે

- ચંદ્ર પર ચંદ્રયાન-3 ઉતર્યું તે 'શિવશક્તિ' અને ચંદ્રયાન-2એ છાપ છોડી તે 'તિરંગા' પોઈન્ટ તરીકે ઓળખાશે : વડાપ્રધાન

બેંગ્લુરુ : વડાપ્રધાન નેરન્દ્ર મોદી શનિવારે સવારે દક્ષિણ આફ્રિકા અને ગ્રીસના પ્રવાસેથી સીધા જ બેંગ્લુરુ પહોંચ્યા હતા. ઈસરો કમાન્ડ સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને કહ્યું કે ઈસરોએ 'મેક-ઈન ઈન્ડિયા'ને ચંદ્ર પર પહોંચાડી દીધું. પીએમ મોદીએ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જ્યાં ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડરે ઉતરાણ કર્યું તેને 'શિવશક્તિ' અને ચંદ્રયાન-૨એ જ્યાં પદચિહ્ન છોડયા હતા તેને 'તિરંગા' પોઈન્ટ નામ આપ્યું હતું. વધુમાં તેમણે હવેથી પ્રત્યેક વર્ષે ૨૩ ઑગસ્ટે રાષ્ટ્રીય અંતરિક્ષ દિન તરીકે ઊજવવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં તેમના જુસ્સાને સેલ્યુટ કરી હતી.

વડાપ્રધાન મોદી ચંદ્રયાન-૩ની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવા માટે ગ્રીસની રાજધાની એથેન્સથી સીધા જ બેંગ્લુરુ પહોંચ્યા હતા. તેમણે ચંદ્રયાન-૩ મિશન સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોને મળીને તેમને અભિનંદન પાઠવ્યા અને મૂન મિશનની પ્રક્રિયાની માહિતી મેળવી હતી. વડાપ્રધાને ઈસરોના કમાન્ડ સેન્ટરમાં વૈજ્ઞાનિકોને સંબોધન કરતાં કહ્યું કે, ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર જ્યાં આપણું ચંદ્રયાન ઉતર્યું છે તેનું નામ ભારતે 'શિવશક્તિ' પોઈન્ટ રાખવાનો નિર્ણય કર્યો છે. શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ સમાહિત છે. શક્તિથી આપણને એ સંકલ્પો પૂરા કરવાનું બળ મળે છે.

વધુમાં પીએમ મોદીએ ચંદ્રયાન-૨એ જે જગ્યાએ તેના ચિહ્ન છોડયા છે તે જગ્યાને 'તિરંગા' પોઈન્ટ તરીકે ઓળખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ તિરંગા પોઈન્ટ ભારતના દરેક પ્રયત્નોની પ્રેરણા બનશે, આ તિરંગા પોઈન્ટ આપણને સંદેશ આપશે કે કોઈપણ નિષ્ફળતા અંતિમ નથી હોતી.

આ સાથે વડાપ્રધાન મોદીએ હવેથી પ્રત્યેક વર્ષે ૨૩ ઑગસ્ટની રાષ્ટ્રીય અંતરિક્ષ દિન તરીકે ઊજવણી કરવાની પણ જાહેરાત કરી હતી. આ દિવસ આપણને દૃઢ ઈચ્છા શક્તિ હોય તો સફળતા મળીને જ રહેશે તેવો સંદેશો આપતા પ્રેરિત કરશે. વૈજ્ઞાનિકોની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું કે, આજે વેપારથી લઈને ટેક્નોલોજી દરેક ક્ષેત્રમાં ભારતની ગણતરી પ્રથમ હરોળમાં થઈ રહી છે. ભારતને 'ત્રીજી હરોળ'માંથી 'પ્રથમ હરોળ'માં લાવવામાં ઈસરો જેવી સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. ઈસરોએ 'મેક ઈન ઈન્ડિયા'ને ચંદ્ર પર પહોંચાડી દીધું છે.

તેમણે ઉમેર્યું કે, તમે જે સાધના કરી છે, તેની દેશવાસીઓને જાણ હોવી જોઈએ. આ પ્રવાસ સરળ નહોતો. લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે વૈજ્ઞાનિકોએ કૃત્રિમ ચંદ્ર પણ બનાવ્યો હતો. તેના પર વિક્રમ લેન્ડરને ઉતારવાની પૂરી પ્રેક્ટિસ કરવામાં આવી. આટલી બધી પરીક્ષામાંથી પસાર થયા પછી વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ઉતરાણ કર્યું છે.

વૈજ્ઞાનિકોના જુસ્સા અને પરીશ્રમને સેલ્યુટ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત આવીને સૌથી પહેલાં મૂન મિશન પર કામ કરનારી ટીમના દર્શન કરવા માગતો હતો. તમે દેશને જે ઊંચાઈ પર લઈ ગયા છો તે સાધારણ સફળતા નથી. આ અનંત અવકાશમાં ભારતના વૈજ્ઞાનિક સામર્થ્યનો શંકનાદ છે. આપણે ત્યાં પહોંચ્યા, જ્યાં કોઈ નથી પહોંચ્યું. આ આજનું ભારત છે. આજનું ભારત કંઈક નવું અને નવીન રીતે વિચારે છે. તે અંધકારમાં જઈને પ્રકાશના કિરણો પાથરે છે. ૨૧મી સદીના ભારતમાં વિશ્વની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા છે.  

વડાપ્રધાને તેમના સંબોધનમાં નારી શક્તિને પણ યાદ કરી અને મૂન મિશનમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, નિર્માણથી પ્રલય સુધી સમગ્ર સૃષ્ટિનો આધાર નારી શક્તિ છે. આ સાથે પીએમ મોદીએ દેશભરના વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ૧લીથી શરૂ થઈ રહેલી ચંદ્રયાન મિશન પરની ક્વિઝ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે