VIDEO : જાપાને સમુદ્રમાં ન્યુક્લિયર પ્લાન્ટનું જીવલેણ પાણી છોડ્યું, 30 વર્ષ સુધી ચાલશે પ્રક્રિયા, ચીન ભડક્યું

ટોક્યો, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર

જાપાનમાં માર્ચ 2011માં આવેલા ભીષણ ભૂકંપ અને સુનામીના કારણે નાશ પામેલ ફુકુશિમા દાયચી પરમાણુ પ્લાન્ટમાંથી સંશોધિત રેડિયોએક્ટિવ પાણીને પ્રશાંત મહાસાગરમાં છોડવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. જાપાન સમાચારોના અહેવાલો મુજબ આજે પ્રથમ દિવસે 2 લાખ પાણી છોડવામાં આવશે... ત્યારબાદ દૈનિક 4.60 લાખ લીટર પાણી છોડાશે.... આગામી 30 વર્ષ સુધી 133 કરોડ લીટર રેડિયોએક્ટિવ પાણી સમુદ્રમાં છોડવાની યોજના છે.

વિદેશીઓ સહિત જાપાનીઓએ પણ કર્યો વિરોધ

વિદેશ સહિત જાપાનના લોકો સંશોધિત પાણીને સમુદ્રમાં છોડવાની યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. જાપાનના માછીમારી સમુદાયે વિરોધ કરતા કહ્યું હતું કે, આમ કરવાથી સીફૂડના બિઝનેસ પર અસર પડશે. ચીન અને દક્ષિણ કોરિયાએ પણ આ યોજનાથી વાંધો ઉઠાવ્યો હતો અને આ બાબતનો રાજકીય અને રાજદ્વારી મુદ્દો બનાવ્યો હતો. જાપાન પેસેફિક મહાસાગરમાં ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાનું છે તેની સામે ઘણા સમયથી પ્રચંડ વિરોધ ચાલી રહ્યો છે. જ્યારથી યુનાઈટેડ નેશન્સે જાપાનને પાણી છોડવાની મંજૂરી આપી છે ત્યારથી ચીન અને દક્ષિણ કોરીયા સહિતનાં દેશો વિરોધ કરી રહ્યા છે. પર્યાવરણની સુરક્ષા માટે લડતાં સંગઠનો પણ આ મંજૂરી સામે વિરોધ નોંધાવ્યો હતો. 

જાપાન સરકારની સ્પષ્ટતા

જાપાન સરકારે તથા યોજના સામેલ ટોક્યો ઈલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું કે, મોટી ઘટનાને ટાળવા તેમજ જગ્યાને સુરક્ષિત કરવા પાણી છોડવું જરૂરી છે. કારણ કે પાણી કેમિકલવાળું તેમજ પાણીમાં રેડિયોએક્ટિવ હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે, પાણીને ટ્રીટ કરવાથી તેમજ પાતળું કરવાથી ગંદુ પાણી આંતરરાષ્ટ્રીય માનકોથી પણ વધુ સુરક્ષિત થઈ જશે અને પર્યાવરણને પણ નહિવત નુકસાન થશે.

UNએ પાણી છોડવાની આપી હતી મંજૂરી

ઉલ્લેખનિય છે કે, અગાઉ જાપાનને ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાની મંજૂરી આપીને યુનાઈટેડ નેશન્સ આખા પેસિફિક મહાસાગરના પાણીને ઝેરીલું કરી નાંખશે તો મોટા પ્રમાણમાં સમુદ્રી જીવોનો નાશ થશે એવી ચેતવણી ચીન સહિતના દેશો તથા સંગઠનો દ્વારા અપાઈ હતી. આ પાણી જે દેશો સુધી પહોંચશે એ દેશોમાં પણ તેની વિનાશક અસર થશે ને કેન્સર સહિતના જીવલેણ રોગો ફેલાશે એવી ચેતવણી અપાઈ રહી છે. ચીને તો ત્યાં સુધી કહ્યું હતું કે, જાપાન પોતાના પરનો ખતરો દુનિયા પર થોપવાની સ્વાર્થીવૃત્તિ બતાવીને માનવજાતના વિનાશની દિશામાં પહેલું કદમ ઉઠાવી રહ્યું છે. 

2011માં ભૂકંપથી ફૂકુશિમા ન્યુક્લીયર પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયેલું

જાપાન આ ચેતવણીને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી રહ્યું છે કેમ કે એ ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટરનો નિકાલ ના કરે તો ભવિષ્યમાં તેના માટે જ મોટો ખતરો ઉભો થાય તેમ છે. જાપાન જે ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાનું શું કર્યું છે એ ફુકુશિમા ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું છે. 2011માં જાપાનમાં આવેલા મહાવિનાશક ભૂકંપના કારણે ફૂકુશિમા ન્યુક્લીયર પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયેલું અને કુલિંગ સિસ્ટમ નાશ પામી તેમાં ન્યુક્લીયર રીએક્ટર્સ ઓગળી ગયેલાં ને રેડિયોએક્ટિલ તત્વો પાણીમાં ભળી ગયેલાં. જાપાને તરત પગલાં લઈને રેડિયોએક્ટિવ તત્વોથી લોકો ના મરે એટલે તેમને ખસેડી નાંખેલાં. આસપાસનાં જંગલ અને વનસ્પતિનો પણ નાશ કરી નાંખેલો. લગભગ ચાર ઈંચ સુધી જમીન પણ ખોદી નાંખેલી કે જેથી જમીનમાં ઝેર ના ફેલાય. જો કે કુલિંગ સિસ્ટમના પાણીમાં ભળેલા રેડિએશનનું જાપાન કંઈ કરી શકે તેમ નહોતું તેથી આ પાણી જાપાને ટેંકોમાં ભરી રાખ્યું હતું. જાપાન આ પાણીને ટ્રીટ કરીને તેમાંથી રેડિયોએક્ટિવ તત્વો દૂર કર્યા કરે છે ને આ રીતે બનેલા ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટરને હજારો ટેંકોમાં ભરી રાખ્યું છે.  હવે આ પાણી ધીરે ધીરે સમુદ્રમાં છોડવાનું શરૂ કરી દીધું છે.

જાપાનના પાણી છોડવાના નિર્ણયને સમર્થકોનું સમર્થન

જાપાન અને તેના સમર્થકોનું કહેવું છે કે, જાપાને પ્રોસેસ કરીને પાણીમાંથી રેડિયોએક્ટિવ તત્વોને મહદ અંશે દૂર કરી નાંખ્યાં છે તેથી સમુદ્રના જીવો પર કોઈ અસર નહીં થાય. જાપાન જે પાણી છોડવાનું છે તેમાં ટ્રિટિયમ નામે રેડિયોએક્ટિવ તત્વ છે કેમ કે ટ્રિટિયમને પાણીથી સંપૂર્ણપણે અલગ કરવું શક્ય જ નથી. જાપાનની દલીલ એવી છે કે, પેસિફિક મહાસાગરના વિશાળ જથ્થમાં ભળ્યા પછી આ ટ્રિટિયમની કોઈ અસર જ નહીં રહે પણ નિષ્ણાતો આ દલીલને સ્વીકારતા નથી. 

પાણીના કારણે કેન્સર થવાનો ખતરો

નિષ્ણાતોનું કહેવું છે કે, એક વાર પાણીમાં રેડિયોએક્ટિવ તત્વો ભળે પછી તેને સંપૂર્ણપણે શુધ્ધ કરવું શક્ય નથી. તેમાં થોડા ઘણા પ્રમાણમાં રેડિયોએક્ટિવ તત્વો રહી જ જાય તેથી આ પાણી લોકોને નુકસાન તો કરે જ. રેડિયોએક્ટિવ તત્વોના કારણે કેન્સર થવાનો ખતરો સૌથી મોટો છે. શ્વસનતંત્રની તકલીફો પણ થતી હોય છે તેથી જાપાનનું ટ્રીટેડ વોટર એવી તકલીફો લોકોને આપશે એવો ખતરો છે. સમુદ્રી જીવોને ભલે તાત્કાલિક રીતે અસર ના થાય પણ તેમના શરીરમાં ઝેર તો જવાનું જ છે. આ સમુદ્રી જીવોને ખાનારા લોકોને તેની ઝેરી અસર થાય જ એ જોતાં ભવિષ્યમાં મોટા પ્રમાણમાં લોકો કેન્સરનો ભોગ બને એ શક્યતાને નકારી શકાય નહીં. હિરોશીમા અને નાગાસાકીમાં પરમાણુ બોમ્બ ફેંકાયો તેના દાયકાઓ પછી પણ તેનાં ખરાબ પરિણામો લોકો ભોગવે છે. યુનાઈટેડ નેશન્સે જાપાનના દબાણ હેઠળ મંજૂરી આપી છે પણ ફુકુશિમામાં પણ એવું જ થવાનું છે. 

ચીને જાપાનના સી ફૂડ પર મૂક્યો પ્રતિબંધ

ચીને લોકો પરના ખતરાને ટાળવા માટે જાપાનના સી ફૂડ પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યારે જે વિસ્તારમાં વોટર છોડાશે તે વિસ્તારમાંથી આવતા સી ફૂડ પર પ્રતિબંધ મૂકાયો છે. ચીન આ વિસ્તારના સી ફૂડનું ટેસ્ટિંગ કરશે પછી પ્રતિબંધ ક્યાં સુધી રાખવો તેનો નિર્ણય લેશે.  જાપાનમાં પણ લોકો ફફડેલાં છે જ ને સી ફૂડનો ઉપાડ ઘટવા માંડયો છે. જાપાનના સી ફૂડ ઉદ્યોગ સાવ બેસી જશે એવી ચેતવણી પણ અપાઈ રહી છે. 

પેસિપિક મહાસાગર કિનારે વસે છે અનેક દેશોના લોકો

જાપાનને ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાની મંજૂરી  એ વાતનો પુરાવો છે કે, યુનાઈટેડ નેશન્સ સહિતની સંસ્થાઓ લોકોનું ભલું વિચારતી નથી પણ મોટા દેશોની જીહજૂરી કરે છે. પેસિફિક મહાસાગર બહુ મોટો છે ને તેના કાંઠે અનેક દેશો વસે છે. ટ્રીટેડ રેડિયોએક્ટિવ વોટર છોડવાની મંજૂરી આપીને યુ.એન.એ તેમના જીવો પર નહીં તો આરોગ્ય પર તો મોટો ખતરો ઉભો કરી જ દીધો છે. કરોડો લોકોને રેડિયોએક્ટિવના કારણે મળનારી યાતનાઓના મોંમાં ધકેલી દીધાં છે. 

રેડિઓએક્ટિવ પાણી માનવજગત માટે ખતરનાક

12 વર્ષ પહેલા જાપાનમાં આવેલા ભયકંર ભૂકંપ અને સુનામીના કારણે ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ અહીંયા 133 કરોડ લીટર રેડિઓએક્ટિવ પાણી જમા થયેલુ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઓલિમ્પક સાઈઝના 500 સ્વિમિંગ પુલ ભરાય જાય તેટલો પાણીનો જથ્થો આ પ્લાન્ટમાં છે. ભૂકંપ અને સુનામીના કારણે ન્યુક્લિયર પ્લાન્ટના રિએકટર બંધ કરી દેવામાં આવ્યા હતા અને પ્લાન્ટને ઠંડો પાડવા માટે જનરેટર શરુ કરી દેવાયા હતા. રિએક્ટરમાં ચેન રિએક્શનને રોકવા માટે કુલ મળીને દરિયાના 133 કરોડ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પાણીમાં રેડિઓએક્ટિવ મટિરિયલ ભળ્યુ હતુ અને પાણી અત્યારે પ્લાન્ટમાં જ ભરાયેલુ છે. રેડિઓએક્ટિવ મટિરિયલ માણસો માટે હાનીકારક છે. જોકે તેમાં રહેલા તત્વોમાંની મોટાભાગની અસર ખતમ થઈ ચુકી છે પણ કાર્બન 14 જેવા કેટલાક તત્વો એવા છે જેની અસર ઓછી થવામાં 5000 વર્ષ જેટલો સમય લાગી શકે છે.

૯.૧ની તીવ્રતાના ભૂકંપ-સુનામીએ ન્યુક્લીયર પ્લાન્ટને તબાહ કરી દીધો

જાપાનમાં ૨૦૧૧માં આવેલા ૯.૧ની તીવ્રતાના વિનાશક ભૂકંપ અને તેના પગલે આવેલી સુનામીના કારણે જાપાનમાં ફુકુશીમા દાઈઈચી ન્યુક્લીયર પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમ સંપૂર્ણપણે નાશ પામી હતી. ઠંડક ના મળતાં ત્રણ ન્યુક્લીયર રીએક્ટર પિગળી ગયાં હતાં અને મોટા પ્રમાણમાં રેડિએશન ફેલાયું હતું. આ રેડિએશન પાણીમાં ભળતાં પાણી પણ જોખમી થઈ ગયું હતું. રેડિએશનના કારણે આસપાસનું પાણી પણ ઝેરી થઈ ગયું હતું. 

જાપાનની સરકારે રેડિએશન ભળતાં ઝેરીલું થઈ ગયેલું રીએક્ટર્સને ઠંડાં રાખવા માટે વપરાતું પાણી મોટી ટેંકોમાં ભર્યું છે. આ સિવાય આસપાસથી રેડિએશન ધરાવતું પાણી પણ ટેંકોમાં ઠલવાઈ રહ્યું છે. આ પાણીને ટ્રીટ કરીને તેમાંથી રેડિયોએક્ટિવ તત્વો કાઢવાની ક્વાયત પણ ચાલી રહી છે. 

આ પાણી જ્યાં રખાયું છે તે ટેંકો ૨૦૨૪ની શરૂઆત સુધીમાં પૂરેપૂરી ભરાઈ જશે તેથી તેમને ખાલી કરવી જરૂરી છે. આ કારણે જાપાનની સરકારે ૨૦૨૧માં જાહેરાત કરેલી કે, આ ટ્રીટેડ પાણીનો ધીરે ધીરે નિકાલ કરાશે. તેની સામે ચીન, દક્ષિણ કોરીયા સહિતના દેશોએ વિરોધ કરેલો પણ યુનાઈટેડ નેશન્સની ન્યુક્લીયર એજન્સીએ જાપાનની યોજનાને મંજૂરી આપી હતી. 

યુએન ન્યુક્લીયર એજન્સીનું કહેવું છે કે, જાપાનની સરકાર આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરી રહી  છે તેથી ટ્રીટેડ વોટર મહાસાગરમાં ઠાલવવામાં કશું ખોટું નથી. ચીન સહિતના દેશોનો આક્ષેપ છે કે, જાપાન અમેરિકાની સાથે હોવાથી યુનાઈટેડ નેશન્સ જાપાનના અપકૃત્ય સામે આંખ આડા કાન કરી રહ્યું છે. 

ફુકુશિમા વિશ્વની બીજા નંબરની સૌથી વિનાશક પરમાણુ દુર્ઘટના

જાપાનના તોહોકુ પ્રાંતમાં પેસિફિક મહાસાગરની અંદર ૧૧ માર્ચ, ૨૦૧૧ના રોજ ૯.૧ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. જાપાનના ઈતિહાસના સૌથી વિનાશક આ ભૂકંપના કારણે સુનામી આવી તેમાં ફુકુશિમામાં આવેલા દાઈઈચી ન્યુક્લીયર પાવર પ્લાન્ટને ભારે નુકસાન થયેલું. મહાસાગરમાં લગભગ ૧૪ મીટર એટલે કે ૪૬ ફૂટ ઉંચાં મોજાં આવેલાં. આ મોજાંની થપાટે ન્યુક્લીયર પાવર પ્લાન્ટમાં ભારે તબાહી મચી ગયેલી. ન્યુક્લીયર પાવર પ્લાન્ટનાં ઈમર્જન્સી ડીઝલ જનરેટર પણ નાશ પામતાં પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો. તેના કારણે કુલિંગ સિસ્ટમ બંધ થતાં ત્રણ ન્યુક્લીયર રીએક્ટર્સ ઓગળી ગયાં હતાં ને રેડિએશન ફેલાઈ ગયું હતું. 

ફુકુશિમા ન્યુક્લીયર એક્સિડંટને રશિયાના ચેર્નોબિલમાં સર્જાયેલી દુર્ઘટના પછીની સૌથી મોટી પરમાણુ દુર્ઘટના માનવામાં આવે છે. વિશ્વમાં ઈન્ટરનેશનલ ન્યુક્લીયર ઈવેન્ટ સ્કેલમાં લેવલ સેવનની ચેર્ર્નોબિલ અને ફુકુશિમા એ બે જ દુર્ઘટના નોંધાઈ છે. ચેર્નોબિલમાં પાંચ લાખ લોકોને અસર થઈ હતી જ્યારે ફુકુશિમામાં ૩ લાખ લોકોને અસર થઈ હતી. ફુકુશિમામાંથી ૧.૬૦ લાખ લોકોનું સ્થળાંતર કરાવવું પડયું હતું.  આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું નથી એવી જાહેરાત કરાઈ હતી પણ જાપાન સરકાર હકીકત છૂપાવતી હોવાના આક્ષેપો પણ થયા છે. ફુકુશિમામાં કેન્સરના કેસો સતત વધી રહ્યા હોવાના પણ રીપોર્ટ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો