અજિત પવાર સાથેની ખાનગી બેઠક બાદ શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું ‘ભાજપ સાથે ક્યારેય નહીં જાઉં’
મુંબઈ, તા.13 ઓગસ્ટ-2023, રવિવાર
મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે યોજેલી સીક્રેટ બેઠક અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક શુભચિંતકો મને મનાવવા પ્રયાસો કરી રહ્યા છે, જોકે હું ભાજપ સાથે ક્યારેય નહીં જાઉં. અજિત પવાર સાથે મારી મુલાકાત ખાનગી નથી. તેઓ મારા ભત્રીજા છે અને હું પરિવારનો સૌથી વરિષ્ઠ સભ્ય છું.
‘તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ?’
તેમણે કહ્યું કે અમારામાંથી કેટલાકે અલગ વલણ અપનાવ્યું છે. અમારા કેટલાક શુભેચ્છકો એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું અમારા વલણમાં કોઈ ફેરફાર થઈ શકે છે. એટલા માટે તેઓ સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અજિત સાથેની મુલાકાત અંગે શરદ પવારે કહ્યું કે, હું તમને એક હકીકત જણાવવા માંગુ છું કે, તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ? જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
અગાઉ પુણેમાં યોજાઈ હતી અજિત-શરદ પવાર વચ્ચે બેઠક
અગાઉ શરદ પવાર અને એનસીપીના બળવાખોર જૂથના નેતા અજિત પવાર વચ્ચે પુણેમાં યોજાઈ હતી, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું હતું. પુણેની બેઠક અંગે એનસીપીના રાજ્ય એકમના પ્રમુખ જયંત પાટીલે કહ્યું કે, પાર્ટીના સ્થાપક અને તેમના ભત્રીજા વચ્ચે શું થયું તે અંગે તેઓ જાણતા નથી અને તે કોઈ ગુપ્ત બેઠક નહોતી.
અજિત-શરદ પવારની મુલાકાત બાદ રાજકારણ ગરમાયું
ઉલ્લેખનિય છે કે, શનિવારે પુણેમાં શરદ પવાર અને અજિત પવાર વચ્ચે એક બિઝનેસમેનના આવાસ પર મુલાકાત યોજાઈ હતી. સૂત્રો મુજબ શરદ પવાર શનિવારે બપોરે 1 વાગે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં બિઝનેસમેનને ત્યાં પહોંચ્યા હતા અને સાંજે 5 વાગ્યે તેઓ પરત ફર્યા હતા. ત્યારબાદ 2 કલાક બાદ સાંજે પોણા સાત વાગે અજિત પવાર પણ પરિસરમાંથી બહાર નિકળતા જોવા મળ્યા. આ બંનેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાયું હતું. જોકે આ બાબતે શરદ પવારે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તે મારો ભત્રીજો છે. ભત્રીજાને મળવામાં શું ખોટું છે ? જો પરિવારનો કોઈ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.
Comments
Post a Comment