ભારત-ચીન વચ્ચેનું ઘર્ષણ દૂર કરવા માટે મોદી અને જિનપિંગ 'ખડાપગે'


- બ્રિક્સ બેઠક વચ્ચે મોદી-જિનપિંગે ચાલતા-ચાલતા વાત કરી

- પીએમ મોદી-શી જિનપિંગે વહેલી તકે સરહદેથી સૈન્ય પાછું ખેંચી વિવાદ ઉકેલ લાવવા અધિકારીઓને નિર્દેશ આપવા સંમત : વિદેશ સચિવ ક્વાત્રા

જોહાનિસબર્ગ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિક્સ બેઠક વચ્ચે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી અને વાસ્તવિક નિયંત્રણ રેખા પર વણઉકલ્યા મુદ્દાઓ પર ભારતની ચિંતા પર પ્રકાશ પાડયો હતો તેમ ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં બંને નેતા વાસ્તવિક નિયંત્રણ રેખા પરના વિવાદોનો ઝડપથી ઉકેલ લાવવા તેમના અધિકારીઓને નિર્દેશ આપવા સંમત થયા હતા તેમ વિદેશ સચિવે ઉમેર્યું હતું. ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી ચાર દાયકાના સૌથી ખરાબ ઘર્ષણ વચ્ચે વડાપ્રધાન મોદી અને શી જિનપિંગે ગુરુવારે પહેલી વખત વાતચીત કરી હતી.

ભારત અને ચીન વચ્ચે મે ૨૦૨૦થી સતત ઘર્ષણ ચાલી રહ્યું છે ત્યારે દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિ-પક્ષીય બેઠકોની સંભાવના અંગે ચર્ચા ચાલી રહી હતી. આ પૃષ્ઠભૂમિમાં ગુરુવારે દક્ષિણ આફ્રિકાથી બ્રિક્સ બેઠકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પીએમ મોદી અને શી જિનપિંગ બ્રિક્સ નેતાઓની અખબારી મુલાકાતની શરૂઆત પહેલાં ચાલતા-ચાલતા થોડીક વાતચીત કરી હતી. વધુમાં બ્રિક્સ નેતાઓની પ્રેસ મુલાકાત પહેલાં પીએમ મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગે એકબીજાનું અભિવાદન કરતાં હાથ મિલાવ્યા હતા.

પીએમ મોદી અને શી જિનપિંગ મુલાકાત અંગે ભારતના વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સમક્ષ વાસ્તવિક નિયંત્રણ રેખા પર વણઉકલ્યા મુદ્દાઓ પર ભારતની ચિંતાઓ પર પ્રકાશ પાડયો હતો. વડાપ્રધાને ભારત અને ચનના સંબંધોને સામાન્ય બનાવવા માટે એલએસીનો આદર કરવાની આવશ્યક્તા અને સરહદીય વિસ્તારોમાં શાંતિ જાળવવા પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભમાં પૂર્વીય લદ્દાખ સરહદે તૈનાત જવાનોને પાછા બોલાવવા માટેના પ્રયત્નો ઝડપી બનાવવા સીધા જ તેમના સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપવા માટે બંને નેતા સંમત થયા છે.

ભારત અને ચીન વચ્ચે મે-૨૦૨૦માં પૂર્વીય લદ્દાખમાં છેલ્લા ચાર દાયકામાં સૌથી ખરાબ ઘર્ષણ જોવા મળ્યું હતું, જેને પગલે ૩,૪૮૮ કિ.મી. લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે. જૂન ૨૦૨૦માં ગલવાન ખીણમાં બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ પછી પૂર્વીય લદ્દાખમાં સરહદ પર બંને સૈન્યે ૫૦,૦૦૦થી વધુ જવાનો તૈનાત કર્યા છે. આવા સમયમાં બંને નેતાઓની મુલાકાત ઘણી જ મહત્વની છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થયા ત્યારે મીડિયાએ વિદેશ સચિવને ક્વાત્રાને સવાલ પણ કર્યો હતો કે, જોહાનિસબર્ગમાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે કે કેમ? જોકે તેનો તેમણે ગોળ-ગોળ જવાબ આપ્યો હતો.

વડાપ્રધાન મોદીની ચીનના પ્રમુખ સાથે વાતચીત અંગે પહેલાં પણ અનેક પ્રકારની અટકળો ચાલતી હતી. વધુમાં જિનપિંગ સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાનારી જી-૨૦ શિખર બેઠકમાં ભાગ લે તેવી સંભાવનાઓ પણ છે. બ્રિક્સ બેઠકમાં બંને નેતાની હાજરી પહેલાં ૧૩-૧૪ ઑગસ્ટે પૂર્વીય લદ્દાખમાં એલએસી પર બંને દેશના સૈન્ય કમાન્ડરોની ૧૯મા તબક્કાની કોર્સ્પ કમાન્ડર બેઠક થઈ હતી, જેમાં બંને દેશ એલએસી પર નવી કોઈ પોસ્ટ નહીં બનાવવા માટે સંમત થયા હતા અને તેમણે વર્તમાન વિવાદનો વાટાઘાટો મારફત ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. 

આ અગાઉ ગયા વર્ષે નવેમ્બરમાં પણ જી-૨૦ સમિટમાં બાલી ખાતે ઈન્ડોનેશિયાના પ્રમુખ દ્વારા આયોજિત ડીનરમાં પીએમ મોદીએ સામે ચાલીને જિનપિંગનું અભિવાદન કર્યું હતું. વધુ બ્રિક્સ બેઠક પહેલાં ચીને દાવો કર્યો હતો કે ઈન્ડોનેશિયામાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો