થાણેની સરકારી હોસ્પિટલમાં 1 જ દિવસમાં 18 દર્દીના મોતથી ખળભળાટ, CMનો તપાસનો આદેશ
image : Twitter |
મહારાષ્ટ્રના થાણે સ્થિત સરકારી હોસ્પિટલ છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થતા ચકચાર મચી જવા પામી છે. સિવિલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે દસ મહિલાઓ અને આઠ પુરુષોના મોત થયા છે. મૃતકોમાં છ થાણે શહેરના, ચાર કલ્યાણના, ત્રણ સાહાપુરના અને એક-એક ભિવંડી, ઉલ્હાસનગર અને ગોવંડી (મુંબઈમાં)ના છે. જ્યારે એક મૃતકની ઓળખ થઈ શકી નથી. મૃત્યુ પામેલા 12 લોકોની ઉંમર 50 વર્ષથી વધુ હતી.
સીએમ એકનાથ શિંદેએ આપ્યા તપાસના આદેશ
અભિજીત બાંગરે કહ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આરોગ્ય સેવા કમિશનર આ સમિતિનું નેતૃત્વ કરી રહ્યા છે. એકસાથે આટલા બધા મોત શા માટે થયા તેની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા દર્દીઓ અનેક ગંભીર બીમારીઓથી પીડાતા હતા. તંત્ર દાવો કરાઈ રહ્યો છે કે તેમાં કિડનીની પથરી, ક્રોનિક પેરાલિસિસ, અલ્સર, ન્યુમોનિયા અને સેપ્ટિસેમિયા જેવી બીમારીઓથી પીડિત હતા. કેરોસીન પીનાર દર્દીનું પણ મોત થયું છે. દર્દીઓના સંબંધીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. કેટલાક સંબંધીઓએ બેદરકારીનો આક્ષેપ કર્યો છે. કમિટી દ્વારા આ એંગલની પણ તપાસ કરવામાં આવશે.
હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવાયો
થાણે ડીસીપી ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે, "હોસ્પિટલ મેનેજમેન્ટે માહિતી આપી છે કે ઘણા દર્દીઓને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. કેટલાક દર્દીઓ વૃદ્ધ હતા. આટલી મોટી સંખ્યામાં મૃત્યુને કારણે કોઈ અપ્રિય ઘટનાથી બધવા માટે હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.
Comments
Post a Comment