ભાજપ કરશે 4 ચૂંટણી રાજ્યોમાં સર્વે, 350 ધારાસભ્યોને સોંપી જવાબદારી, 19 ઓગસ્ટે યોજાશે તાલીમ વર્કશોપ
નવી દિલ્હી, તા.16 ઓગસ્ટ-2023, બુધવાર
આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ ફાઈનલ કરવા માટે ભાજપે મોટો પ્લાન બનાવ્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ અન્ય રાજ્યોના ધારાસભ્યો સાથે ચારેય ચૂંટણી રાજ્યોમાં સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ધારાસભ્યોને પહેલા ભોપાલમાં ટ્રેનિંગ અપાશે. પાર્ટી નેતૃત્વએ આ કામ માટે ભાજપના 350 ધારાસભ્યોના નામ નક્કી કર્યા છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ભાજપના કેટલાક ધારાસભ્યોની યાદી તૈયાર કરાઈ છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે જ્યારે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. તેલંગાણામાં બીઆરએસની સરકાર છે.
અન્ય રાજ્યોમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને નવી જવાબદારી સોંપાઈ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ રાજ્યની ચૂંટણીને લઈને આક્રમક કામગીરીમાં લાગી ગયું છે. કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં હાર બાદ થયા બાદ ભાજપના નેતાઓ 4 ચૂંટણી રાજ્યોમાં ક્યાંય પણ ભૂલ ન થાય તે પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ભાજપ ઉમેદવાર નક્કી કરવા પર વિસેષ ધ્યાન આપી રહ્યું છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હીમાં યોજાઈ ચૂકી છે. હવે અન્ય રાજ્યોમાંથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને નવી જવાબદારી સોંપવામાં આવી રહી છે.
કયા રાજ્યમાંથી કેટલા ધારાસભ્યોના નામ નક્કી કરાયા?
ભાજપના પ્લાન હેઠળ ઉત્તર પ્રદેશમાંથી 160 ધારાસભ્યોના નામ નક્કી કરાયા છે. મહારાષ્ટ્રમાંથી 40, ગુજરાત અને બિહારના 150 જેટલા ધારાસભ્યોની પણ પસંદગી કરાઈ છે. આ તમામ ધારાસભ્યોને 18 ઓગસ્ટ સુધીમાં ભોપાલ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે. અહીં શહેરના કાન્હા ફન સિટીમાં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
19 ઓગસ્ટે તાલીમ વર્કશોપ યોજાશે
ભાજપના ધારાસભ્યો માટે 19 ઓગસ્ટે તાલીમ વર્કશોપનું યોજાશે, જેમાં તેમને જણાવાશે કે, કોણે શું કરવાનું છે ! ભાજપના રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું કે, આ ધારાસભ્યોને 4 રાજ્યોમાં મોકલવામાં આવશે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે. દરેકને એક વિધાનસભા સીટની જવાબદારી સોંપાશે. ભાજપના ધારાસભ્યો એક સપ્તાહ સુધી તે મતવિસ્તારોમાં રહેશે. વિવિધ જ્ઞાતિ સમુદાયના લોકોને મળશે. ચૂંટણીના મુદ્દાઓ અંગે ફિડબેક લેશે ઉપરાંત જે-તે વિસ્તારમાંથી ભાજપની ટિકિટ કોને આપવી ? ભાજપ વિશે લોકોના મનમાં શું છે ? આ ફીડબેકના આધારે તમામ ધારાસભ્યો પોતાનો રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વને આપશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ટીના સહ સંગઠન મહાસચિવ શિવ પ્રકાશને ધારાસભ્યોને તાલીમ આપવાની જવાબદારી સોંપાઈ છે.
Comments
Post a Comment