દિલ્હીના સરકારી અધિકારીએ 16 વર્ષની બાળકી પર પાંચ મહિના સુધી રેપ કર્યો


- પ્રેમોદય ખાખા મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં ડિપ્યુટી ડાયરેક્ટર 

- બાળકી પ્રેગનન્ટ થતાં અધિકારીએ પત્નીની મદદથી એબોર્શન કરાવ્યું  પતિ-પત્ની સામે પોક્સો હેઠળ કેસ નોંધીને પોલીસે બંનેની ધરપકડ કરી 

નવી દિલ્હી : દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટર એવા ઉચ્ચ અધિકારીએ પત્નીની મદદથી એક ૧૬ વર્ષની બાળકી પર પાંચ મહિના સુધી રેપ કર્યો હતો. રેપથી બાળકી ગર્ભવતી થઈ જતાં પત્નીએ જ તેને દવા આપીને એબોર્શન કરાવ્યું હતું. અધિકારી પતિ બાળકીનું જાતીય શોષણ કરતો હતો એમાં એની પત્નીની સહમતી હતી. પોલીસે પોક્સો હેઠળ પતિ-પત્ની સામે ફરિયાદ દાખલ કરી છે અને બંનેની ધરપકડ કરી લીધી છે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગનું કામ છે મહિલાઓ અને બાળકોનું રક્ષણ કરવું. પણ દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેક્ટરે મહિલા અને બાળકોના રક્ષણને બદલે શોષણ કર્યાનું સામે આવ્યું છે. એક ૧૬ વર્ષની છોકરીનું દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારી પ્રેમોદય ખાખાએ પાંચ મહિના સુધી જાતીય શોષણ કર્યું હતું. એ બાળકીને મદદના બહાને તે ઘરે બોલાવતો હતો અને પછી પત્નીની મદદથી એનું જાતીય શોષણ કરતો હતો.

ફરિયાદ પ્રમાણે દિલ્હી સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગનો ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેમોદય ખાખા ૧૬ વર્ષની બાળકીને મદદના બહાને ઘરે બોલાવતો હતો. એ બાળકી આરોપી અધિકારીના મિત્રની દીકરી હતી. બાળકીના પિતાનું નિધન થયા બાદ એની માતાએ એને આરોપીના ઘરે રહેવા મોકલી હતી. બાળકી આરોપીને મામા કહેતી હતી. ૨૦૨૦થી એ આ અધિકારીના ઘરે રહેતી હતી. 

પોલીસ ફરિયાદમાં નોંધાયું છે એ મુજબ આરોપી અધિકારી બુરાડી સ્થિત ઘરે છેલ્લાં પાંચેક મહિનાથી બાળકીનું જાતીય શોષણ કરતો હતો. એ વાતની તેની પત્નીને પણ જાણકારી હતી. પત્ની એના પતિને બાળકીનું જાતીય શોષણ કરવામાં મદદ કરતી હતી. એટલું જ નહીં, વારંવારના રેપથી બાળકી ગર્ભવતી થઈ ગઈ હતી. એ પછી પત્નીએ જ પતિની કરતૂતો છુપાવવા માટે બાળકીને દવા આપીને તેનું એબોર્શન કરાવ્યું હતું.

વારંવારની રેપની ઘટનાથી બાળકી ટ્રોમામાં હતી. તેની તબિયત વારંવાર બગડી જતી હતી. તે હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે એણે ડોક્ટરોને આપવીતી જણાવી એમાંથી આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી અધિકારીને સસ્પેન્ડ કર્યો હતો અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્ય સચિવ પાસેથી ડિટેઈલ રિપોર્ટ માગ્યો હતો.

દરમિયાન પોલીસે પતિ-પત્ની પર પોક્સો હેઠળ કેસ નોંધીને બંનેની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો