ગરીબોની પીડા સમજવા મારે પુસ્તકની જરૂર નથી, તેમને ભૂખ્યા ઊંઘવા નહીં દઉં : મોદી
- પીએમ મોદીએ સંત રવિદાસના મંદિરનું ભૂમિ પૂજન કર્યું
- મધ્ય પ્રદેશમાં રૂ. 4,000 કરોડની વિકાસ યોજનાઓની ભેટ આપી : બંગાળની ચૂંટણીમાં ખૂની ખેલ ખેલાયાનો મોદીનો દાવો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મધ્ય પ્રદેશના પ્રવાસે સાગર જિલ્લામાં સંત રવિદાસ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. દેશની આ સંસ્કૃતિને વધુ સમૃદ્ધ કરવા માટે આજે અહીં સંત રવિદાસ સ્મારક અને કળા સંગ્રહાલયનો પાયો નંખાયો છે. અહીં સંત રવિદાસનું મંદિર ભવ્ય અને દિવ્ય હશે. આ સિવાય વડાપ્રધાને મધ્ય પ્રદેશને રૂ. ૪,૦૦૦ કરોડની વિકાસ યોજનાઓની ભેટ આપી હતી. આ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયામ મેં નક્કી કર્યું કે હું કોઈ ગરીબને ભૂખ્યો સુવા નહીં દઉં. તમારી પીડા સમજવા માટે મને કોઈ પુસ્તક શોધવાની જરૂર નથી. અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના શરૂ કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાગરના બડતૂમામાં સંત રવિદાસનું મંદિર રૂ. ૧૦૦ કરોડના ખર્ચે બનશે. ૧૨ એકર ભૂમિમાં બનનારા આ વિશાળ સ્મારકમાં સંગ્રહાલય, પુસ્તકાલય, સંગત સભાખંડ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે. તેમણે ઉમેર્યું કે, કોરોના મહામારી દરમિયાન કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અન્ન યોજના અને ૮૦ કરોડથી વધુ લોકોને મફત રાશન પૂરું પાડવામાં આવ્યું અને આજે આખી દુનિયા અમારા પ્રયત્નોની પ્રશંસા કરી રહી છે.
તેમણે ઉમેર્યું કે, અમૃતકાળમાં અમારી જવાબદારી છે કે આપણે આપણો વારસો આગળ વધારીએ અને ભૂતકાળમાંથી શીખીએ. આજે આઝાદીના અમૃતકાળમાં આપણે દેશને ગરીબી અને ભૂખથી મુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણું ધ્યાન ગરીબોના કલ્યાણ અને સમાજના દરેક વર્ગના સશક્તિકરણ પર છે. વડાપ્રધાને કહ્યું કે, અમારી સરકાર દલિત હોય કે પછાત હોય કે આદિવાસી હોય દરેકને યોગ્ય સન્માન આપી રહી છે.
તેમણે કહ્યું કે, સંત રવિદાસે એવા કાળખંડમાં જન્મ લીધો હતો જ્યારે દેશ પર મુઘલોનું શાસન હતું. સમાજ, અસ્થિરતા, શોષણ અને અત્યાચારનો સામનો કરી રહ્યો હતો. તે સમયે પણ સંત રવિદાસ સમાજને જગાવી રહ્યા હતા. આજે અહીં વડાપ્રધાને કોટા -બિના સેક્શન રેલવે માર્ગના ડબલ ટ્રેક કરવાના કામનું લોકાર્પણ કર્યું હતું. વિકાસના આ કામો સાગર અને આજુબાજુના લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે.
મધ્ય પ્રદેશના સાગરમાં કાર્યક્રમમાં હાજરી આપવા ઉપરાંત વડાપ્રધાન મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સ મારફત પ્રાદેશિક પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે તમે બધા પ્રતિનિધિઓ બંગાળમાં એકત્ર થયા છો. પરંતુ હકીકત એ છે કે હું પક્ષના કાર્યક્રમમાં આવું છું, કાર્યકરોને મળું છું તો મને હંમેશા એક નવી પ્રેરણા અને નવો ઉત્સાહ મળે છે. મારું હંમેશા માનવું છે કે પૂર્વીય ભારતમાં દેશના વિકાસનો મજબૂત સ્તંભ બનવાનું સંપૂર્ણ સામર્થ્ય છે. ભારતે હંમેશા પૂર્વીય ભારતને પ્રાથમિક્તા આપી છે. પરંતુ પંચાયતી ચૂંટણીમાં ભાજપનો રસ્તો રોકવામાં આવ્યો. ચૂંટણીમાં બધા જ ગુંડાને કોન્ટ્રાક્ટ અપાયો.
વડાપ્રધાને કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતાના પ્રેમના કારણે ભાજપના ઉમેદવાર જીતે છે તો તેમને સરઘસ કાઢવા દેવામાં આવતા નથી. તેમના પર હુમલા થાય છે. તાજેતરની પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ખૂની ખેલ ખેલ્યો હતો. બધા જ ગુંડાઓને કોન્ટ્રાક્ટ અપાય છે કે કેટલા પોલિંગ બૂથને કોણ કેપ્ચર કરશે.
સંત રવિદાસના નામે મોદીની નજર 16 ટકા મતો પર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરમાં સંત રવિદાસ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા એકાદ મહિનામાં પીએમ મોદીનો મધ્ય પ્રદેશનો આ બીજો પ્રવાસ છે. આ પહેલાં ભાજપે સંત રવિદાસ સમરસતા યાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા રાજ્યના બાવનમાંથી ૪૬ જિલ્લામાંથી પસાર થઈ હતી. જોકે, સંત રવિદાસના નામે ભાજપની નજર ૧૬ ટકા મતબેન્ક પર છે.
ભાજપ અહીં અનુસૂચિત જાતિના મતોને એકત્ર કરવા દલિતોને સાધવા માગે છે. મધ્ય પ્રદેશમાં કુલ વસતીના ૧૫.૬ ટકા અનુસૂચિત જાતિના છે. એટલે કે રાજ્યમાં કુલ ૧.૧૩ કરોડ દલિતો છે. રાજ્યની ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી ૩૫ એસસી માટે અનામત છે. આમ, રાજ્યમાં દલિત મતબેન્ક ખૂબ જ મહત્વની છે.
Comments
Post a Comment