આ સમગ્ર માનવજાતની સિદ્ધિ, હવે આપણું લક્ષ્ય સૂર્ય અને શુક્ર: મોદી


- આ તો વિકસીત ભારતનો શંખનાદ થયો છે

- ઈતિહાસના સાક્ષી તરીકે આપણે ધન્ય બન્યાં : ચાંદા મામાને લગતી કથાઓ હવે કાયમ માટે બદલાઈ જશે

નવી દિલ્હી : ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધાં છે પણ સાથે સાથે આ પગલું સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચન્દ્રયાન-૩એ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉત્તરાણ કર્યા બાદ જણાવ્યું હતું. વડાપ્રધાને જાહેર કર્યું હતું કે હવે શુક્ર તથા સૂર્યનું મિશન આપણું ધ્યેય છે. 

જ્હોનિસબર્ગથથી ઈસરોના વિજ્ઞાનીઓને વર્ચ્યુઅલ સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતં કે ભારતે પૃથ્વી પર એક સંકલ્પ કર્યો હતો અને હવે ચંદ્ર પર પહોંચીને તે પરિપૂર્ણ કર્યો છે. 

આ ક્ષણ આપણે શાશ્વત સમય સુધી વધાવતાં રહેશું એમ કહેતાં વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે ભારત ચંદ્રનાં દક્ષિણ ઘ્રુવપર પહોંચ્યું છે જ્યાં અત્યાર સુધી બીજા કોઈ દેશે ખેડાણ કર્યું નથી. 

તેમણે કહ્યું હતું કે ભારત હવે ચંદ્ર પર છે અને હવે ચંદ્રમાર્ગ પર પ્રયાણ કરવાનો સમય પાકી ગયો છે. ભારતનું સફળ મૂન  મિશન માત્ર ભારતનું નથી. વસુધૈવ કુટુમ્બકમ અને સમગ્ર માનવજાતનાં સમાન ભાવિના આપણા નારાનો સમગ્ર વિશ્વમાં પડઘો પડી રહ્યો છે. મૂન મિશન પણ એજ માનવકેન્દ્રી અભિગમ પર આધારિત છે. આથી, આ  સમગ્ર માનવજાતની સફળતા છે એમ વડાપ્રધાને કહ્યું હતું. વડાપ્રધાને એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આજે ભારત જ્યારે જી૨૦ રાષ્ટ્રસમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે તેવા સમયે જ આ પ્રચંડ સફળતા પ્રાપ્ત થઈ છે. 

તેમણે કહ્યુ ંહતું કે ચન્દ્રયાન-૩ નું ચન્દ્ર પર ઉ્તરાણ એ ઐતિહાસિક ક્ષણ છે અને તે સાથે એક વિકસિત ભારતનો શંખનાદ થયો છે. આપણે ભારતની નવી ઉન્નતિનાં સાક્ષી બની રહ્યાં છીએ. એક નવો ઈતિહાસ આલેખાઈ રહ્યો છે એમ વડાપ્રધાને જણાવ્યું હતું. આપણી સામે આવો ઈતિહાસ રચાઈ રહ્યો હોય ત્યારે આપણું જીવન ધન્ય બની જાય છે. આ ક્ષણ રાષ્ટ્રીય જીવનની ચિરંજીવ ચેતના બની છે. આ ક્ષણ અદભૂત અને અવિશ્વસનીય છે. આ ભારતનાં ઉદયમાન ભાગ્યનું આહ્વવાન છે. ચંદ્રને લગતી બધી કથાઓ હવે બદલાી જવાની છે. આપણે ચંદ્રને ચાંદામામા કહેતા હતા. આપણને કહેવાતું હતું કે ચાંદા મામા બહુ દૂર છે. પરંતુ, ભવિષ્યની પેઢી કહેશે કે ચાંદા મામા તો માત્ર એક ટૂરનાં અંતરે છે. હવે આપણે સૂર્ય પર સંશોધન માટે આદિત્ય વનની તૈયારીઓ કરી રહ્યા છીએ. એ પછી આપણે શુક્ર પર પહોંચવાની તૈયારીઓ પણ કરશું. આપણે ગગનયાન મિશન પણ હાથ ધર્યું છે. 

હાલ પાંચ રાષ્ટ્રોની બ્રિકસ શિખર પરિષદમાં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકાના જ્હોનિસબર્ગ પહોંચેલા વડાપ્રધાને ચન્દ્રયાને ચંદ્રની સપાટીને સ્પર્શ કર્યો તે જ ક્ષણે ત્રિરંગો લહેરાવ્યો હતો. 

તેમણે કહ્યું હતું કે હું અત્યારે સાઉથ આફ્રિકાના આ શહેરમાં છું પરંતુ મારું હૃદય અને આત્મા ત્યાં ભારતમાં છે. 

વડાપ્રધાન ઈસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્કમાં ઉપસ્થિત વિજ્ઞાનીઓ સાથે વર્ચ્યુઅલી સામેલ થયા હતા. તેમણે ઈસરોના વડા સોમનાથને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તમારાં તો નામ સાથે જ ચંદ્ર જોડાયેલો છે. વડાપ્રધાને ઈસરોના વિજ્ઞાનીઓને વચન આપ્યું હતું કે પોતે ભારત પહોંચતાં વેત તેમને બધાને મળીને રૂબરૂ અભિનંદન પાઠવશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો