સરકાર 'એક દેશ, એક ચૂંટણી' બિલ રજૂ કરે તેવી અટકળો


- કેન્દ્ર સરકારે અચાનક સંસદનું 'વિશેષ સત્ર' બોલાવ્યું, 18થી 22મી વચ્ચે 5 બેઠકો થશે

- વિશેષ સત્રનો એજન્ડા અસ્પષ્ટ, પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ અથવા મહિલા અનામત બિલ પણ રજૂ કરાય તેવી સંભાવના

- આગામી સત્ર સંસદની નવી ઈમારતમાં યોજાવાની શક્યતા, નવ વર્ષમાં પહેલી વખત પૂર્ણ સ્તરનું વિશેષ સત્ર યોજાશે

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે ૧૮થી ૨૨ સપ્ટેમ્બર વચ્ચે પાંચ દિવસ માટે સંસદના 'વિશેષ સત્ર'ની જાહેરાત કરી છે. આ સત્રમાં પાંચ બેઠક યોજાશે. મોદી સરકારે નવ વર્ષના શાસનમાં પહેલી વખત પૂર્ણ સ્તરનું 'વિશેષ સત્ર' બોલાવતા રાજકીય વર્તૂળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેમજ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે આ વિશેષ સત્રમાં સરકાર 'એક દેશ-એક ચૂંટણી' અથવા 'સમાન નાગરિક સંહિતા' બિલ રજૂ કરે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. સરકારે વિશેષ સત્રના આયોજન માટે કોઈ એજન્ડા જાહેર કર્યો ન હોવાથી આ અટકળોને બળ મળ્યું છે. વિશેષ સત્ર નવા સંસદ ભવનમાં યોજવામાં આવે તેવી પણ સંભાવનાઓ છે.

સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર (૧૭મી લોકસભાનું ૧૩મુ સત્ર અને રાજ્ય સભાનું ૨૬૧મુ સત્ર) આગામી ૧૮થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. તેમાં પાંચ બેઠક યોજાશે. સામાન્ય રીતે દેશમાં બજેટ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર એમ સંસદના ત્રણ સત્ર યોજાય છે. સંસદનું ચોમાસુ સત્ર ૨૦ જુલાઈએ શરૂ થયું હતું અને ૧૧ ઓગષ્ટે પૂરું થયું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના નવ વર્ષના શાસનમાં પહેલી વખત સંસદનું પાંચ દિવસનું પૂર્ણ સ્તરનું વિશેષ સત્ર બોલાવાશે, જેમાં લોકસભા અને રાજ્યસભા સામાન્ય સત્રોની જેમ અલગ અલગ બેસશે. આ પહેલાં કેન્દ્ર સરકારે ૩૦ જૂન, ૨૦૧૭ના રોજ જીએસટીના અમલ માટે લોકસભા અને રાજ્યસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વિશેષ સત્ર સંસદની નવી ઈમારતમાં યોજવામાં આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૮ મેના રોજ આ ઈમારતનું ઉદ્ધાટન કર્યું હતું. 

કેન્દ્ર સરકારે આ વિશેષ સત્ર માટે કોઈ એજન્ડા જાહેર કર્યો ન હોવાથી રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે, વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' માટે બિલ લાવી શકે છે. આ બિલ હેઠળ દેશમાં એક જ સમયે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા દરખાસ્ત કરવામાં આવે તેવી સંભાવના છે. સંસદીય કાર્યમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આગામી સપ્તાહે જી-૨૦ બેઠક પૂરી થયા પછી વિશેષ સત્રના એજન્ડાને અંતિમરૂપ આપવામાં આવે તેવી શક્યતા છે. આ વિશેષ સત્રમાં કેટલાક મુખ્ય મુદ્દા અને કેટલાક બિલ પર ચર્ચા થવાની સંભાવના છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે આ વિશેષ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ પર વાત નહીં થાય. સરકારે વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો હોવાથી જાહેરાત કરાઈ છે. પરંતુ જી-૨૦ બેઠક પછી એજન્ડા નિશ્ચિત થશે અને ત્યાર પછી સત્તાવાર માહિતી અપાશે. સંસદનું સત્ર બોલાવવાનો નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ લે છે. ત્યાર પછી રાષ્ટ્રપતિની મંજૂરી પછી અધિસૂચના જાહેર કરાય છે.

સૂત્રોએ ઉમેર્યું કે, આ સિવાય 'સમાન નાગરિક સંહિતા - યુસીસી' અને મહિલા અનામત બિલ પણ કેન્દ્ર સરકાર રજૂ કરી શકે છે. વડાપ્રધાન મોદી લાંબા સમયથી દેશમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની ભલામણ કરી રહ્યા છે. પીએમ મોદીએ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, સીધા જ કહી દેવું કે અમે તેની તરફેણમાં નથી તે અયોગ્ય છે. તમે તેના પર ચર્ચા તો કરો. આપણે તેના પર ચર્ચા કરીએ. આપણે કોઈ મુદ્દાને નકારી શા માટે નાંખીએ છીએ. હું માનું છું કે મોટા-મોટા નેતાઓએ વ્યક્તિગત સ્તરે કબૂલ્યું છે કે દેશ વારંવાર ચૂંટણીની બીમારીથી મુક્ત થવો જોઈએ. પાંચ વર્ષમાં એક વખત ચૂંટણી આવે, મહિના-બે મહિના ચૂંટણી ઉત્સવ ચાલે. ત્યાર પછી બધા કામે લાગી જાય. શક્ય છે કે વિપક્ષના નેતાઓને જાહેરમાં સ્ટેન્ડ લેવામાં મુશ્કેલી પડતી હશે. તેમણે કહ્યું કે, હવે સમયની માગ છે કે દેશમાં ઓછામાં ઓછું મતદાર યાદી તો એક થાય. આજે દેશનું દુર્ભાગ્ય છે કે જેટલી વખત ચૂંટણી આવે તેટલી વખત મતદાર યાદી આવે છે.

નોંધનીય છે કે ચોમાસું સત્ર દરમિયાન મણિપુર હિંસા બાબતે અને ત્યાં મહીલાઓ પરના અત્યાચાર મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સત્રનો ઘણો સમય વેડફાઈ ગયો હતો. વધુમાં મણિપુર હિંસા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન આપવા ફરજ પાડવા માટે વિપક્ષે સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મણિપુર મામલે સરકાર ઉપર જોરદાર હુમલો કરવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તે પછી 'વોઇસ-વેટ'માં અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ રહ્યો હતો.

સંસદનું ખાસ સત્ર સરકારની ગભરાટની નિશાની: રાહુલ

આગામી તા. ૧૮થી ૨૨ સપ્ટેમ્બર સુધી સંસદનું ખાસ સત્ર  બોલાવાયું છે તે સૂચવે છે કે સરકારમાં ગભરાટ પેઠો છે એમ રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું. 

રાહુલે કહ્યું હતું કે હું સંસદ ભવનમાં બોલ્યો હતો ત્યારે પણ આવો ગભરાટ જોવાયો હતો. મારું સંસદસભ્ય પદ છિનવી લેવામાં આવ્યું તે પણ સરકારના ગભરાટનો પુરાવો હતો. વડાપ્રધાનના નિકટવર્તીઓની નજીકનો મુદ્દો ઉછળે છે  ત્યારે ત્યારે સરકારમાં આ ગભરાટ જોવા મળે છે.  જ્યારે પણ કોઈ અદાણીનો મુદ્દો ઉછાળે છે ત્યારે વડાપ્રધાન નવર્સ થઈ જાય છે. 

બીજી તરફ ગણેશોત્સવ વખતે જ સંસદનું ખાસ સત્ર બોલાવવાના નિર્ણયનો શિવસેના-યુબીટીના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ગણેશોત્સવ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરના હિંદુઓનો મહત્વનો તહેવાર છે. આમ છતાં પણ  હિંદુઓની લાગણી ઉવેખીને આ ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે