એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 200નો ઘટાડો
- સરકારની ગીફ્ટથી દેશમાં તહેવારની મોસમમાં બહેનોને રાહત મળશે: મોદી
- ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લાભાર્થીઓ માટે ભાવમાં કુલ રૂ. 400નો ઘટાડો: કુલ 33 કરોડ એલપીજી ગ્રાહકોને લાભ
નવી દિલ્હી : દેશમાં વધતી મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે રક્ષાબંધનથી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં રૂ. ૨૦૦નો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની બધી જ મહિલાઓને આ વિશેષ ભેટ આપી છે. આ સિવાય મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને પણ રૂ. ૨૦૦ની વધારાની છૂટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦નો ઘટાડો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, રક્ષાબંધનના તહેવાર પહેલાં આ ઘટાડો બહેનોને જીવનમાં વધુ રાહત આપશે.
કેન્દ્ર સરકારે મંગળવારે રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયનો અમલ બુધવારે રક્ષાબંધનના દિવસથી જ થઈ જશે, જેને પગલે હવે નવી દિલ્હીમાં એલપીજીના ૧૪.૨ કિલોના સિલિન્ડરનો ભાવ રૂ. ૧,૧૦૩થી ઘટીને રૂ. ૯૦૩ થઈ જશે. વધુમાં ઉજ્જવલા લાભાર્થીઓને હાલ એલપીજી સિલિન્ડર પર રૂ. ૨૦૦ની સબસિડી મળે છે, જેને પગલે તેમને એલપીજી ગેસનો બાટલો પ્રતિ સિલિન્ડર રૂ.૪૦૦ ઘટીને રૂ. ૭૦૩ના ભાવે મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો લાભ અંદાજે ૩૩ કરોડ જેટલા એલપીજી ગ્રાહકોને મળશે.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનોને ભેટ આપવાના આશયથી સરકારે ભાવમાં ઘટાડો કર્યો છે. સરકાર વધુ ૭૫ લાખ ઉજ્જવલા કનેક્શન પૂરા પાડશે, જેથી કુલ પીએમયુવાય લાભાર્થીઓની સંખ્યા ૧૦.૩૫ કરોડ થઈ જશે. હાલ પીએમયુવાય લાભાર્થીઓની સંખ્યા ૯.૬ કરોડ છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (પીએમયુવાય) ૨૦૧૬માં વડાપ્રધાન મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ દેશમાં ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રીની જાહેરાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર કહ્યું કે, રક્ષાબંધનનો તહેવાર પરિવારમાં ખુશીઓ વધારવાનો છે. ગેસના ભવામાં ઘટાડાથી મારા પરિવારમાં બહેનોને વધુ રાહત મળશે અને તેમનું જીવન સરળ બનશે. ઈશ્વર બધી જ બહેનોને સુખી અને સ્વસ્થ રાખે તેવી મારી પ્રાર્થના.
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ૧૫મી ઑગસ્ટે કહ્યું હતું તે સરકારે મોંઘવારીને નિયંત્રિત કરવા અથાગ પ્રયત્નો કર્યા છે. સરકારે લોકોને મોંઘવારીમાંથી રાહત અપાવવા વધુ પગલાં ઉઠાવવા પડશે અને અમે એવું કરીને રહીશું. તેમણે ઉમેર્યું હતું કે ઊંચા ફુગાવા અને યુક્રેન યુદ્ધના કારણે આખી દુનિયા મોંઘવારીનો સામનો કરી રહી છે. પરંતુ આપણી સ્થિતિ થોડીક વધુ સારી છે.
આ પહેલાં ૧ ઑગસ્ટે દેશની ઓઈલ કંપનીઓએ કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો ઘટાડો કર્યો હતો. જોકે, તે સમયે રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. છેલ્લા કેટલાક સમયમાં એલપીજી સિલિન્ડરના ઊંચા ભાવ ચૂંટણી મુદ્દો બન્યો છે.
જોકે, અનુરાગ ઠાકુરે સરકારના નિર્ણયને ચૂંટણી સાથે જોડવાનો ઈનકાર કરતાં કહ્યું કે, ઓણમ અને રક્ષા બંધનના તહેવારોના પ્રસંગે આ મોદી સરકારની બહેનોને ભેટ છે. રાંધણ ગેસના ભાવમાં ઘટાડાની કેટલી અસર પડશે તે અંગે ઠાકુરે કોઈ માહિતી આપી નહોતી ત્યારે માનવામાં આવે છે કે સરકારી માલિકીની ઓઈલ કંપનીઓ બુધવારથી ભાવમાં ઘટાડો કરશે અને સરકાર પાછળથી તેમને આ વળતર ભરપાઈ કરી આપશે.
ઠાકુરે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે છેલ્લા નાણાકીય વર્ષમાં ઉજ્જવલા લાભાર્થીઓને પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦ની સબસિડી પેટે કુલ રૂ. ૭,૬૮૦ કરોડની સહાય પૂરી પાડી છે. સરકારે જૂન ૨૦૨૦થી એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવાનું બંધ કરી દીધું છે. સમગ્ર દેશમાં હવે રાંધણ ગેસ બજાર કિંમતે ઉપલબ્ધ છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં હાલ તેની કિંમત રૂ. ૧,૧૦૩ છે. સરકારે બે વર્ષ સુધી બજાર કિંમત કરતાં નીચા ભાવે રાંધણ ગેસનું વેચાણ કરવા બદલ સરકારી ઓઈલ કંપનીઓને ઑક્ટોબર ૨૦૨૨માં નુકસાન માટે રૂ. ૨૨,૦૦૦ કરોડની એક સમયની ગ્રાન્ટ આપી હતી.
'સોંઘવારી કેટલે... ચૂંટણી આવે એટલે' વિધાનસભા-લોકસભા ચૂંટણીની અસર
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રાંધણ ગેસના ભાવમાં તીવ્ર ઊછાળો વિવિધ ચૂંટણીઓમાં મોટો મુદ્દો બન્યો છે. આવા સમયે કેન્દ્ર સરકારે આ વર્ષના અંતે યોજાનારી વિધાનસભા અને આગામી વર્ષે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાંધણ ગેસના ઊંચા ભાવનો મુદ્દો અસરકારક રીતે ઊછાળ્યો હતો અને ચૂંટણીમાં તેનો લાભ મેળવ્યો હતો. દેશમાં હવે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. વધુમાં તેલંગણામાં પણ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય દેશમાં આગામી વર્ષે જૂન આસપાસ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે કર્ણાટક ચૂંટણીની જેમ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તિસગઢમાં પણ એલપીજી સિલિન્ડર રૂ. ૫૦૦માં આપવાનું ચૂંટણી વચન આપ્યું છે. પરિણામે મોદી સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરીને વિપક્ષના એક ચૂંટણી વચનનો તોડ કાઢ્યો હોવાનું રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે.
'ઈન્ડિયા'ની બે જ મિટિંગમાં સરકારે ભાવ ઘટાડવા પડયા: મમતા
કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો જાહેર કરવાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. મમતા બેનરજીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ રચાયેલા વિપક્ષના જૂથ 'ઈન્ડિયા'ની બે જ બેઠકો થઈ અને સરકારે રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં રૂ. ૨૦૦નો ઘટાડો કરવો પડયો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે બે મહિનામાં 'ઈન્ડિયા' ગંઠબંધનની બે જ બેઠક થઈ છે. ત્યાર પછી અમે જોઈ રહ્યા છીએ કે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૨૦૦નો ઘટાડો થયો છે. આ છે 'ઈન્ડિયા'નું દમ.
Comments
Post a Comment