યુક્રેનને મોટો આંચકો! ટ્રેનિંગ દરમિયાન કીવ નજીક હવામાં અથડાયા બે ફાઈટર જેટ, 3 સૈન્ય પાઈલટનાં મોત
IANS |
યુક્રેનની રાજધાની કીવ નજીક બે એલ-39 ટ્રેઈની વિમાનો હવામાં ટકરાતાં ત્રણ યુક્રેની પાઈલટના મૃત્યુ પામ્યા. યુક્રેનની એરફોર્સે જણાવ્યું કે આ દુર્ઘટના શુક્રવારે ઝિતોમિર ક્ષેત્રમાં બની હતી જે રાજધાની કીવની પશ્ચિમે આવેલ છે. યુક્રેન પશ્ચિમથી મળનારા એફ-16 લડાકૂ વિમાનોને ઉડાડવા માટે તેના હવાઈ કર્મચારીઓને જલદીથી જલદી ટ્રેનિંગ આપવા માટે એક મોટી કવાયત યોજવાની તૈયારીમાં છે. એવામાં ત્રણ પાઈલટના મોત તેના માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.
પશ્ચિમી દેશો યુક્રેનને 61 એફ-16 વિમાન આપવાના છે
આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ત્રણ સૈન્ય પાઇલટોમાં યુક્રેની સેનાના અધિકારી એન્ડ્રી પિલશ્ચિકોવ સામેલ છે જેમણે સંપૂર્ણ લાગણી સાથે દેશની સેવા કરી હતી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પશ્ચિમી દેશોથી મળનારા 61 એફ-16 લડાકૂ વિમાનોને ઉડાડવા માટે યુક્રેની સૈનિકોને ટ્રેનિંગ આપવા પર ભાર મૂકી રહ્યા છે.
યુક્રેનના સૈન્યએ કહ્યું - આ એક અપૂરણીય ક્ષતિ
યુક્રેનની વાયુસેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે અમે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ અમારા માટે અસહનીય અને અપૂરણીય ક્ષતિ છે. દુર્ઘટનાની સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. વાયુસેના અનુસાર મૃતક પાઈલટોમાં જૂસ ઉપનામનો એક પાઈલટ સામેલ જેણે વિદેશી મીડિયાને અનેક ઈન્ટરવ્યૂ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે.
Comments
Post a Comment