દેશભરમાં આજે 77માં સ્વતંત્રતા દિનની ઉજવણી, દિલ્હીમાં હાઇએલર્ટ


- ભારે સુરક્ષા વચ્ચે વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજવંદન કરશે

- લાલ કિલ્લા આસપાસ 1000 હજારથી વધુ કેમેરા, એન્ટી ડ્રોન સિસ્ટમ, 10 હજાર જેટલા સુરક્ષા જવાનો તૈનાત

નવી દિલ્હી : આજે ૧૫મી ઓગસ્ટની સમગ્ર દેશમાં ઉજવણી થવા જઇ રહી છે. એવામાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ૧૦મી વખત ૭૭માં સ્વતંત્રતા દિવસનું ભાષણ આપશે. દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદી દેશને સંબોધશે. આ દરમિયાન યોજાનારા કાર્યક્રમમાં આશરે ત્રણ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદી સવારે ૭ વાગ્યે ધ્વજવંદન કરશે. અગાઉની જેમ મોદી પોતાના ભાષણમાં સરકારના રિપોર્ટ કાર્ડને રજુ કરશે, સાથે જ નવી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી શકે છે. દરમિયાન દિલ્હી પોલીસે લાલ કિલ્લાની આસપાસ પાંચથી સાત હજાર પોલીસકર્મીઓને તૈનાત કર્યા છે.  કાર્યક્રમ સ્થળની આસપાસ ૧૬ આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ વાળા કેમેરા પણ લગાવ્યા છે. પોલીસે કાર્યક્રમ પહેલા જ ચાર ડ્રોન સરવે કરી લીધા  છે. ૧૦૦૦ ફેસ રિકગ્નિશન કેમેરા, એંટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરાઇ છે. પોલીસે સાથે જ ચેતવણી આપી છે કે આ કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા માટે કોઇએ નારેબાજી કરી કે ટોળુ એકઠુ કરવાનો પ્રયાસ આ વિસ્તારમાં કર્યો તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હીમાં આમ નાગરિકોને પરેશાનીનો સામનો ના કરવો પડે તે હેતુથી સવારે પાંચ વાગ્યાથી જ દિલ્હીની મેટ્રો ટ્રેનોને શરૂ કરી દેવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરીને બાદમાં લાલ કિલ્લા પર પહોંચશે. તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવશે. બાદમાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. જે બાદ વડાપ્રધાન મોદી લાલ કિલ્લા પર પહોંચશે, અને ધ્વજવંદન કરશે. જે મહેમાનોને આમંત્રીત કરાયા છે તેમાં ૬૬૦ વાઇબ્રંટ ગામના ૪૦૦ સરપંચો સામેલ છે. આ ઉપરાંત ખેડૂત ઉત્પાદન સંગઠનો સાથે જોડાયેલા ૨૫૦ લોકો, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ૫૦-૫૦ લોકો, 

૫૦ શ્રમયોગી કે જેઓએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અને નવા સંસદ ભવનના નિર્માણનું કામ કર્યું હતું તેમને પણ સામેલ કરાશે. આ ઉપરાંત ૫૦ ખાદી કર્મચારી, અમૃત સરોવરોનું નિર્માણ કરનારા ૫૦ કર્મીઓ, હરઘર જળ યોજનામાં કામ કરનારા ૫૦ને પણ આમંત્રણ અપાયું છે. આ ઉપરાંત ૫૦ પ્રાથમિક સ્કૂલના શિક્ષકો, નર્સો, માછીમારોનો પણ સમાવેશ કરાયો છે.  બીજી તરફ વિપક્ષે ટોણો મારતા દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ કિલ્લા પર આ અંતિમ ભાષણ હશે. ટીએમસી વડા મમતા બેનરજીએ કહ્યું હતું કે આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર જશે અને મહાગઠબંધન ઇન્ડિયાની જીત થશે. આ વખતે લાલ કિલ્લા પર મોદી જે ભાષણ આપવા જઇ રહ્યા છે તે તેમનું વડાપ્રધાન તરીકેનું અંતિમ ભાષણ સાબિત થશે કેમ કે કેન્દ્રમાં તેમની સરકાર હવે નહીં બને.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો