રાજ્યમાં ચારેકોર 'મેહુલિયો' વરસ્યો, 251માંથી 126 તાલુકામાં બે ઇંચથી વધુ, વિસાવદરમાં સૌથી વધુ 12 ઈંચ ખાબક્યો
રાજ્યમાં શ્રાવણ મહિનો સૂકો રહ્યા બાદ ફરી ભાદરવામાં મેધરાજાની એન્ટ્રી થઇ છે. સમગ્ર ગુજરાતને મેધરાજાએ ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251માંથી 126 તાલુકામાં બે ઇંચથી વધુ, 150 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરના લેવલે 9460 મિલિયન ક્યુબીક મીટર સ્ટોરેજ સાથે 100 ટકા ભરાયો હતો જેને કારણે 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ નોંધાયો.
ક્યા કેટલો વરસાદ
મેંદરડામાં 8 ઇંચ, રાધનપુરમાં 6, વંથલી, ભાભર, બેચરાજી, મહેસાણા, દિઓદર, બગસરામાં પાંચ ઇંચ, જુનાગઢ, ધ્રાંગધ્રા, વડગામ, ડીસા અને હળવદમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો.
617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે ખસેડાયા
રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પરિણામે સરદાર સરોવર પરિયોજનામાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાજ્યમાં એક સ્ટેટ હાઇવે અને 13 પંચાયતના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ બંધ રસ્તાઓ આજે મોડી સાંજ સુધીમાં પૂર્વવત કરી દેવાશે. ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર અને આણંદના વિવિધ વિસ્તારોમાંથી ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધીમાં કુલ 12444 વ્યક્તિઓને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત નર્મદા, ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને આણંદ ખાતેથી આર્મી, એરફોર્સ, એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની વિવિધ ટુકડીઓ દ્વારા 617 વ્યક્તિઓને રેસ્ક્યું કરી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે
રાહત કમિશ્નરે વધુમાં જણાવ્યું કે, રાજ્યના 80 ડેમ 90 ટકાથી ઉપર ભરાઈ ગયેલા છે. મોટા ભાગના વિસ્તારોમાંથી પાણીના લેવલમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી અને ભાવનગર સિવાયના તમામ જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
Comments
Post a Comment