વાઇબ્રન્ટ સમિટ વિશ્વ માટે બ્રાન્ડિંગ, મારા માટે સફળ બોન્ડિંગ : મોદી
- એક નાનું બીજ વાવ્યું હતું તે વટવૃક્ષ બની ગયું છે, અહીં આવીને હું 20 વર્ષ નાનો થઇ ગયો
- હું આ માધ્યમથી દરેક રાજ્યોને લાભ પહોંચાડવા માગતો હતો, સાથે સાથે અમે નેશનના વિકાસ કરતા હતા, આગળના ૨૦ વર્ષ મહત્વના છે : PM
- ગુજરાતે ગત વર્ષે બે બિલિયન યુએસ ડોલરની નિકાસ કરી છે : વડાપ્રધાન
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાના સાયન્સ સિટીની ઘરતી પરથી ગર્વ સાથે કહ્યું હતું કે ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ એ દુનિયા માટે બ્રાન્ડીંગ હશે પરંતુ તે મારા માટે સફળ બોન્ડીંગ છે. મેં ૨૦૦૩માં એક બીજ રોપ્યું હતું જે અત્યારે વટવૃક્ષ બની ચૂક્યું છે. અહીં આવીને ભૂતકાળને વાગોળું છું ત્યારે મને લાગે છે કે હું ૨૦ વર્ષ નાનો થઇ ગયો છું. જીવનમાં આનાથી વધારે સંતોષ શું હોઇ શકે છે.
ગુજરાતની મુલાકાતે આવેલા મોદીએ સાયન્સ સિટીમાં વાયબ્રન્ટ સમિટના ૨૦ વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રાજદ્વારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. તેમણે સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ૨૦ વર્ષથી સફળતા પછી રોકાઇ જવાનો આ સમય નથી. આગળના ૨૦ વર્ષ ખૂબ મહત્વના છે. જ્યારે ૪૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે ભારત સ્વતંત્રતાના ૧૦૦ વર્ષની નજીક હશે.
મોદીએ કહ્યું કે વાયબ્રન્ટ સમિટની મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે વિદેશી મહેમાનોને રોકાવા માટેની હોટલો પણ પર્યાપ્ત માત્રામાં ન હતી. ગેસ્ટહાઉસ પણ ફુલ જઇ જતા હતા. ૨૦૦૯માં મેં એવા સમયે વાયબ્રન્ટ સમિટ કરી હતી કે જ્યારે વિશ્વમાં મંદીનો સમય હતો. એ સમયે મને બઘાં કહેતા હતા કે સમિટ રદ કરી દો પરંતુ હું ડગ્યો ન હતો. નિષ્ફળતા મળે તો પણ આદત છૂટવી ન જોઇએ. આજે આ સમિટમાં ૧૩૫ દેશો અને ૪૦ હજારની વધારે ડેલિગેટ્સ જોડાય છે. ૨૦ વર્ષની ઉજવણીમાં સામેલ થતાં ખૂબ ખુશી છે.
વાયબ્રન્ટની સફળતા અંગે તેમણે કહ્યું કે તેની પાછળ આઇડિયા, ઇમેજીનેશન અને ઇમ્પીમેન્ટેશન કામ કરે છે. એક નાના રાજ્યએ ડેવલપ કન્ટ્રીને પાર્ટનર બની દેખાડયું છે. અમદાવાદના ટાગોર હોલથી શરૂ થયેલી સફર અત્યારે મહાત્મા મંદિરમાં પહોંચી છે. હું દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપતો હતો, કે જેથી તેમના રાજ્યનો પણ ઔદ્યોગિક વિકાસ થાય. હું આ માધ્યમથી દરેક રાજ્યને લાભ પહોંચાડવા માગતો હતો. અમે ગુજરાતનો વિકાસ નેશનના વિકાસ સાથે કરતા હતા.
મોદીએ કહ્યું હતું કે એક એવો સમય હતો કે ગુજરાત આપત્તિઓમાં ઝઝૂમતું હતું. ૨૦૦૧ના ધરતીકંપ પછી રાજ્યનો આર્થિક વિકાસ સંકટમાં આવી ગયો હતો. હું પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો ત્યારે નવો હતો. અનુભવ ન હતો. એ સમયે ગોધરાકાંડ જેવી ગંભીર ઘટના બની હતી પરંતુ ગુજરાતના લોકો પ્રત્યે મને ખૂબ ભરોસો હતો. અનેક અડચણો પાર કરીને અમે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ કર્યો છે.
ઉપસ્થિત ઉદ્યોગજૂથના પ્રતિનિધિઓને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે યોગ્ય નિર્ણય પ્રક્રિયા અને ફોક્સ્ડ એપ્રોચથી કેવા બદલાવ આવી શકે છે તે વાયબ્રન્ટ સમિટના માધ્યમથી ગુજરાતે વિશ્વને બતાવ્યું છે. વાયબ્રન્ટ સમિટ ગુજરાતીઓની ક્ષમતા અને વિવિધ સેક્ટર્સમાં રહેલી સંભાવનાઓને વિશ્વ સમક્ષ મુકવાનું એક માધ્યમ બની છે. દેશના ટેલેન્ટનો વિશ્વને પરિચય આપવાનું અને ગુજરાતની દિવ્યતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું માધ્યમ આ વાઇબ્રન્ટ સમિટ બની છે.
આ પ્રસંગે તેમણે ઉપસ્થિત આમંત્રિતો અને દેશ-વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકાસની નવી સંભાવનાઓ સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી શકે એવા સેક્ટર શોધવા અને તે માટેનું વિચાર-મંથન આગામી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં કરવા આહવાન કર્યું છે. તેમણે સ્વામી વિવેકાનંદને યાદ કરતાં કહ્યું કે સારા કાર્યને ઉપહાસ, વિરોધ અને ત્યાર પછી સ્વીકાર એમ ત્રણ તબક્કાઓમાંથી પસાર થવું પડે છે.
તેમણે કહ્યું કે, ૨૦ વર્ષ એક લાંબો સમય છે, આજની યુવા પેઢીને કદાચ ખબર રહી હોય કે ભૂકંપ પછી ગુજરાતની શું સ્થિતિ હતી. ૨૦૦૧ પહેલાંના વર્ષોમાં સતત પાણીનો દુકાળ અને ત્યારબાદ આવેલા ભૂકંપથી હજારો ઘરોની તારાજી લાખો લોકોની બેહાલી અને તકલીફ ભર્યું જીવન હતું. મુશ્કેલ પરિસ્થિતિ અહીં જ અટકી ન હતી, માધવપુરા મર્કન્ટાઇલ બેંક બંધ થવાથી બીજી ૧૩૩ જેટલી સહકારી બેંકોને અસર થઇ હતી. એક રીતે ગુજરાતના આર્થિક જીવનમાં હાહાકાર વ્યાપ્યો હતો.
ગુજરાત વિરોધીઓ એવું કહેતા હતા કે ગુજરાતમાંથી યુવાનો, ઉદ્યોગો, વ્યાપારીઓ બધા જ પલાયન કરશે, ગુજરાત બરબાદ થઈ જશે અને દેશ માટે બોજારૂપ બની જશે. બદનામીના ષડયંત્રો લઈને ચાલનારા લોકોએ નિરાશાનો માહોલ ઊભો કર્યો હતો, તેઓ કહેતા કે ગુજરાત ક્યારેય પગભર નહીં થાય પરંતુ મુસિબતના સમયમાં સંકલ્પ લીધો હતો અને તે પાર પડયો હતો. ૨૦૧૪માં મેં દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન બને તેવો સંકલ્પ કર્યો હતો. દેશ આજે દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા છે.
વડાપ્રધાને કહ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાતે ઓટોમોબાઇલ, મેન્યુફેક્ચરિંગ, કેમિકલ, ડાઈઝ અને ઇન્ટરમીડિયેટ્સ, ફૂડ પ્રોસેસિંગ, મેડિકલ ડિવાઈસ મેન્યફેક્ચરીંગ, પ્રોસેસ્ડ ડાયમંડ, સિરામિક સહિતના ક્ષેત્રોમાં નવા સોપાનો સર કર્યા છે. ગુજરાત દેશનું ટોપ એક્સપોર્ટર રાજ્ય બની ગયું છે. ગુજરાતે ગત વર્ષે લગભગ બે બિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ કર્યું હતું. આવનારા સમયમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ બહુ મોટા ક્ષેત્ર તરીકે ઊભરી આવવાનું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં નવા ઉદ્યોગો આવે, નવી ટેકનોલોજી આવે, નવા રોજગારના અવસરો આવે તેવા વિઝન સાથે બે દાયકા પહેલાં વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટનો વિચાર આપ્યો હતો. તેમણે ૨૦૦૩માં વાવેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે ૨૦ વર્ષે એક વટવૃક્ષ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય હવે સેમિ કન્ડક્ટર્સ, ડિસ્પ્લે ફેબ્સ, ગ્રીન હાઇડ્રોજન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ૫ય્, એડવાન્સ્ડ મટિરિયલ્સ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને ઇ-કોમર્સ જેવા ઊભરતાં ક્ષેત્રોમાં ગુજરાત ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
Comments
Post a Comment