લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન BROના નવા પ્રમુખ બન્યાં, મહત્વપૂર્ણ ઓપરેશનોમાં રહ્યા છે સામેલ
લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસને (New BRO Chief Raghu Srinivasan) 28માં ડાયરેક્ટર જનરલ બોર્ડર રોડ્સ (DGBR) તરીકે ચાર્જ સંભાળી લીધો છે. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીના નિવૃત્ત થયા બાદ તેમણે ચાર્જ સંભાળ્યો હતો. ડીજીબીઆર તરીકે નિયુક્તિ પહેલા રઘુ શ્રીનિવાસન પુણેની કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગમાં કમાન્ડન્ટ તરીકે તહેનાત હતા.
સંરક્ષણ મંત્રાલયે આપી માહિતી
આ માહિતી સંરક્ષણ મંત્રાલય (Ministry of Defence) દ્વારા આપવામાં આવી છે. રઘુ શ્રીનિવાસન ખડકવાસલામાં આવેલી નેશનલ ડિફેન્સ એકેડમી અને દહેરાદૂન ઈન્ડિયન મિલિટરી એકેડમીના પૂર્વ વિદ્યાર્થી છે. તેમણે પોતાની શાનદાર સર્વિસ દરમિયાન ઓપરેશન વિજય, ઓપરેશન રક્ષક અને ઓપરેશન પરાક્રમમાં ભાગ લીધો હતો. તેમને સરહદી વિસ્તારોમાં ખાસ કરીને લદ્દાખ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સેવા આપવાનો સારો એવો અનુભવ છે.
શ્રીનિવાસન સંરક્ષણ સલાહકાર પણ રહી ચૂક્યા છે
તેમણે બે વર્ષ સંરક્ષણ સલાહકાર તરીકે પણ કામ કર્યું છે. રઘુ શ્રીનિવાસને તેમની લાંબી અને પ્રસિદ્ધ કારકિર્દી દરમિયાન પ્રતિષ્ઠિત ડીએસએસી, હાયર કમાન્ડ અને એનડીસી અભ્યાસક્રમમાં મહારત કેળવતાં અનેક મુખ્ય કમાન્ડ અને સ્ટાફની નિમણૂક પર પણ કામ કર્યું હતું. લેફ્ટનન્ટ જનરલ શ્રીનિવાસને ચાર્જ સંભાળ્યા પછી BRO કર્મચારીઓને તેમના સંદેશમાં પડકારજનક પરિસ્થિતિઓમાં જટિલ રસ્તાઓ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવાની સાથે તેના નિર્માણ કરવા માટે તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
BROની સ્થાપના ક્યારે થઈ?
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO- Border Road Organization) ની સ્થાપના 7 મે, 1960ના રોજ ઉત્તર અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ભારતની સરહદોને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. શરૂઆતથી BRO એ 63,000 કિલોમીટરથી વધુ રસ્તાઓ, 976 પુલ, છ ટનલ અને 21 એરફિલ્ડનું નિર્માણ કર્યું અને તેને રાષ્ટ્રને સમર્પિત કર્યાં છે.
Comments
Post a Comment