મધ્યપ્રદેશ : ભાજપે ઉતારી સ્ટાર પ્રચારકોની ફોજ... કેન્દ્રીય મંત્રીઓ અને બીજા રાજ્યોના CMને કર્યા સામેલ
નવી દિલ્હી, તા.13 સપ્ટેમ્બર-2023, બુધવાર
મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, આજે INDIA ગઠબંધને સંયુક્તરીતે ભોપાલમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પ્રથમ રેલી યોજવાની જાહેરાત કરી છે, તો બીજીતરફ ભાજપની પણ જન આશિર્વાદ યાત્રા શરૂ થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસ પર હલ્લાબોલ કરવા ઉપરાંત મોદી સરકારની ઉપલબ્ધિઓ પણ લોકો સુધી પહોંચાડાઈ રહી છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી આચારસંહિતા લાગવામાં એક મહિનાનો સમય બાકી છે, તે પહેલા જ ભાજપે જન આશિર્વાદ યાત્રામાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ભાજપ 25 સપ્ટેમ્બર પહેલા 5 રથો પર તમામ વિધાનસભા બેઠકો પર એક રાઉન્ડનો પ્રચાર પૂર્ણ કરી લેશે, ત્યારે આ જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરવાનો કાર્યક્રમ બનાવાયો છે.
આ દિગ્ગજ નેતાઓ જન આશીર્વાદ યાત્રામાં લેશે ભાગ
ભાજપના સ્ટાર પ્રચારકોમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની 16 સપ્ટેમ્બરે સિહોરની યાત્રામાં સામેલ થશે. જ્યારે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી 21 સપ્ટેમ્બરે છતરપુરમાં યોજાનારી યાત્રા માટે આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 17 સપ્ટેમ્બરે પન્ના આવશે. ઉપરાંત આસામના સીએમ હિમંતા બિસ્વા 3 દિવસ જન આશીર્વાદ યાત્રામાં ભાગ લેશે, બિસ્વા 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન કટની, નરસિંહપુર અને હરદાની યાત્રામાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ ગ્વાલિયર અને શિવપુરીમાં યાત્રામાં જોડાશે.
PM મોદી 25મીએ કાર્યકર્તાઓના મહાકુંભને સંબોધન કરશે
ઉલ્લેખનિય છે કે, ભાજપની પાંચેય જન આશિર્વાદ યાત્રાઓ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ભ્રમણ કરશે... યાત્રા દરમિયાન પ્રજા પાસેથી ઘોષણા પત્ર અંગેના સૂચનો પણ મેળવવામાં આવી રહ્યા છે. આ પાંચેય યાત્રા ભોપાલ જઈને સમાપ્ત થશે અને અહીં 25 સપ્ટેમ્બરે ભાજપ કાર્યકર્તાઓનો મહાકુંભ યોજાશે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
Comments
Post a Comment