તવાંગ ઘટના પહેલાં ચીની ડ્રોને ઘૂસણખોરીના પ્રયાસ કરેલા

- પીએમ મોદીએ જિનપિંગ સાથે હાથ મિલાવ્યાના એક જ મહિનામાં ચીને જાત બતાવી
- તવાંગ ઘટના પછી રાજનાથે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી જયશંકર, ડોભાલ, સીડીએસ, ત્રણેય સૈન્યના પ્રમુખ હાજર રહ્યા
- એરફોર્સે ચીની ડ્રોનની ઘૂસણખોરી નિષ્ફળ બનાવી
નવી દિલ્હી : અરૂણાચલ પ્રદેશની સરહદે તવાંગ સેક્ટરના યાંગત્ઝેમાં ભારતીય જવાનોએ ૧૭,૦૦૦ ફૂટની ઊંચાઈ પર ચીની સૈનિકોને દોડાવી દોડાવીને ભગાડયા પછી હવે આકાશી મોરચા પર એરફોર્સે મોરચો સંભાળ્યો છે. અરૂણાચલ પ્રદેશની સરહદે તંગદિલી વધતાં ભારતીય સૈન્યના ફાઈટર વિમાનો એક્ટિવ કોમ્બેટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ પેટ્રોલિંગનો આશય ચીન દ્વારા હવાઈ સરહદના સંભવિત ભંગને રોકવાનો છે. લદ્દાખમાં ઘર્ષણના લગભગ અઢી વર્ષ પછી જી-૨૦ સમિટમાં બાલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ સામે ચાલીને ચીની પ્રમુખ શી જિનપિંગ સાથે હાથ મિલાવતા બંને દેશના સંબંધો સુધરશે તેવી અટકળો વચ્ચે ચીને ફરી એક વખત અવળચંડાઈ કરતા ફરી એક વખત ભારત અને ચીન વચ્ચે તંગદિલી વધી ગઈ છે, જેને પગલે એરફોર્સે પેટ્રોલિંગ વધાર્યું છે.
અરૂણાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક મહિનાથી એલએસી પર ચીની સૈન્યે આક્રમક વલણ અપનાવ્યું હતું. ચીની સૈન્ય તવાંગ સેક્ટરમાં યાંગત્સે વિસ્તારમાંથી ભારતીય પોસ્ટને હટાવવા માગે છે. આ માટે ગયા સપ્તાહે કેટલીક વખત ચીની ડ્રોન્સ આક્રમક રીતે ભારતીય સરહદ તરફ ધસી આવ્યા હતા. પરંતુ સુખોઈ-૩૦ ફાઈટર વિમાનોએ ચીની ડ્રોન્સને ખદેડી મૂક્યા હતા. એટલું જ નહીં એરફોર્સે પણ ડ્રોન્સને એલએસી પર તૈનાત કર્યા હતા.
સૂત્રો મુજબ ચીને ભારતીય પોસ્ટ હટાવવા માટે બધી જ તૈયારી કરી રાખી હતી. તે માત્ર હવામાન પલટાય તેની રાહ જોઈને બેઠું હતું. તાજેતરમાં અહીં હિમવર્ષા થઈ હતી અને વાદળો છવાયા હતા. ચીને આ તકનો લાભ લઈને ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. તવાંગના યાંગત્સે પોઈન્ટ પર એક નાળુ છે. આ નાળાની એક બાજુ ભારતીય જવાનો છે, બીજીબાજુ ચીની સૈનિકો છે. ૮-૯ ડિસેમ્બરની રાતે ૩૦૦-૪૦૦ ચીની સૈનિકો નાળુ પાર કરીને ભારત તરફ આવી ગયા હતા. પરંતુ ભારતીય જવાનોએ દૃઢતાથી તેમને પાછા ખદેડી મૂક્યા હતા.
અરૂણાચલ પ્રદેશમાં એલએસી નજીક તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકોએ ૯મી ડિસેમ્બરના રોજ યથાસ્તિતિ બદલવાનો પ્રયત્ન કરી ભારતીય પ્રદેશમાં ઘૂણખોરી કરી હતી. પરંતુ સજાગ ભારતીય જવાનોએ તેમને દોડાવી દોડાવીને ભગાડયા હતા. આ ઘટના પછી બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો છે. એવામાં મંગળવારે ભારતીય એરફોર્સના ફાઈટર વિમાનોએ 'બે-ત્રણ' વખત પેટ્રોલિંગ કર્યું હતું. અરૂણાચલ પ્રદેશમાં એલએસી નજીક ચીનની હવાઈ પ્રવૃત્તિઓ વધતાં ભારતીય એરફોર્સે પણ તેનો સામનો કરવા તૈયારી કરી લીધી છે. દરમિયાન ભારત અને ચીનના સૈન્ય વચ્ચે મે મહિનામાં પેંગોંગ તળાવની દક્ષિણે પેટ્રોલિંગ મુદ્દે શરૂ થયેલા ઘર્ષણ પછી જૂન ૨૦૨૦માં ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા જ્યારે ચીનના ૪૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. ત્યાર પછી બંને દેશના સૈન્ય વચ્ચે યુદ્ધ જલગભગ અઢી વર્ષમાં સ્થિતિ થાળે પાડવા માટે સૈન્ય વાટાઘાટો થઈ હતી. પરંતુ ચીનની અવળચંડાઈ અટકી નથી અને સરહદે તણાવપૂર્ણ સ્થિતિ યથાવત્ છે.
દરમિયાન ભારતીય સૈન્યના સૂત્રો મુજબ તવાંગ સેક્ટરમાં ભારતીય પોસ્ટ હટાવીને આ વિસ્તાર પર કબજો જમાવવાનો ચીનનો પ્રયત્ન નિષ્ફળ ગયા પછી ભારતીય એરફોર્સના ફાઈટર વિમાન સુખોઈ-૩૦એમકે જેટે પેટ્રોલિંગ વધારી દીધું છે.
ચીનની ચોરી પર સીનાજોરી જેવી નીતિ
ભારતીય જવાનોએ ગેરકાયદે રીતે વિવાદાસ્પદ સરહદ પાર કરી : ચીન
- ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને નિયમિત પેટ્રોલિંગ કરતા રોકતા ઘર્ષણ થયું : વિદેશ મંત્રાલય
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈન્ય અને ભારતીય જવાનો વચ્ચે થયેલી અથડામણ અંગે ૨૨ કલાકે ચીન તરફથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. રાબેતામુજબ ચીને આ અથડામણ માટે ભારતીય સૈન્યને જવાબદાર ગણાવ્યું છે. ચીની સૈન્યે આક્ષેપ કર્યો કે ભારતીય સૈનિકોએ ગેરકાયદે રીતે વિવાદાસ્પદ સરહદ પાર કરી હતી, જેના કારણે અથડામણ થઈ હતી. અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે અથડામણના સમાચારો બહાર આવ્યા પછી મંગળવારે ચીનના સૈન્યના પ્રવક્તાએ આક્ષેપ કરતા કહ્યું કે ભારતીય સૈનિકોએ ગેરકાયદે રીતે સરહદ ઓળંગી હતી અને ચીની સૈનિકોના રસ્તામાં આવ્યા હતા. તેના કારણે બંને તરફ વિવાદ વધી ગયો હતો. ચીની સૈન્યે કહ્યું કે અમે વ્યાવસાયિક રીતે નિશ્ચિત માપદંડો હેઠળ મજબૂત જવાબી કાર્યવાહી કરી ત્યાર પછી સરહદે સ્થિતિ નિયંત્રણમાં આવી છે.
ચીની સૈન્યના વરિષ્ઠ અધિકારી અને પીએલએના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા લોંગ શાઓહુઆએ કહ્યું કે ભારત સરહદ પર તૈનાત તેના સૈનિકોને કડકાઈથી નિયંત્રિત રાખે અને ચીન સાથે મળીને સરહદીય વિસ્તારોમાં શાંતી જાળવે. તેમણે કહ્યું કે ૯મી ડિસેમ્બરે ભારતીય સૈનિકોએ ગેરકાયદે રીતે સરહદ પાર કર્યા પછી રૂટીન પેટ્રોલિંગ કરી રહેલા ચીની સૈનિકોના કામમાં અવરોધો ઊભા કર્યા હતા, ત્યાર પછી આ અથડામણ શરૂ થઈ હતી.
ચીની સૈન્ય પહેલા ચીની વિદેશ મંત્રાલય તરફથી તવાંગમાં થયેલી અથડામણ અંગે સત્તાવાર રીતે નિવેદન જાહેર કરાયું હતું. જોકે, ચીને તેના નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું હતું કે, ક્ષેત્રમાં સ્થિતિ 'સ્થિર' છે. ચીન તરફથી આ અથડામણમાં તેના કેટલા સૈનિકો ઘાયલ થયા તે અંગે કોઈ માહિતી અપાઈ નહોતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે, ચીન અને ભારત સરહદે વર્તમાન સ્થિતિ સ્થિર છે. બંને પક્ષ સરહદ સાથે સંકળાયેલા મુદ્દા પર કૂટનીતિક અને સૈન્ય ચેનલો મારફત વાટાઘાટો કરી રહ્યા છે.
અરૂણાચલમાં ચીન સાથે ઘર્ષણના સંસદમાં પડઘા પડયા
કોઈ જવાન શહીદ નથી થયો કે એક ઈંચ જમીન પર કબજો નથી : રાજનાથ
- મોદી 2014 પછી જિનપિંગને 18 વખત મળ્યા, બંને દેશ વચ્ચે સૈન્ય સ્તરની 16 બેઠક થઈ : ખડગે
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની સૈનિકોએ ૯મી ડિસેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સૈન્યે તેમને પાછા ધકેલી દીધા હતા. જોકે, આ ઘટનાના પ્રત્યાઘાત મંગળવારે સંસદમાં પડયા હતા. વિપક્ષે આ મુદ્દે ચર્ચાની માગ કરી હતી. વિપક્ષના હોબાળા વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંસદમાં આ ઘટના અંગે નિવેદન આપી જતા રહેતા વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.
તવાંગ સેક્ટરમાં ભારત-ચીન સૈન્ય વચ્ચેની અથડામણનો મુદ્દો મંગળવારે સંસદમાં પણ ગાજ્યો હતો. ગૃહની અંદર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જવાબ આપ્યો તો ગૃહની બહાર ગૃહમંત્રી અમિત શાહે મોરચો સંભાળ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે, ચીની સૈનિકોએ ૯મી ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં યાંગ્ત્સે ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવાનો એકતરફી પ્રયત્ન કર્યો હતો, જેનો ભારતના જવાનોએ દૃઢતાથી જવાબ આપ્યો અને તેમને પાછા ફરવા મજબૂર કર્યા. આ ઘર્ષણમાં આપણો એક પણ જવાન શહીદ નથી થયો, તેને ગંભીર ઈજા નથી થઈ કે ચીની સૈનિકો આપણી એક ઈંચ જમીન પર કબજો કરી શક્યા નથી.
રાજનાથે ઉમેર્યું કે, આ મુદ્દાને ચીની સરકાર સમક્ષ કૂટનીતિક સ્તરે પણ ઉઠાવાયો છે અને આ પ્રકારની કાર્યવાહી નહીં કરવા માટે ચેતવણી અપાઈ છે. દરમિયાન વિપક્ષે ચીનના સૈનિકો સાથે ઘર્ષણ મુદ્દે સંસદમાં ચર્ચા કરવાની માગણી કરી હતી, પરંતુ રાજનાથસિંહ વિપક્ષના નેતાઓને જવાબ આપ્યા વિના ગૃહમાંથી રવાના થઈ ગયા હતા, જેને પગલે વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો અને વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના હોબાળાના પગલે ગૃહ મુલતવી રાખવાની ફરજ પડી હતી.
અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીનની તાજા ઘૂસણખોરીના પ્રયાસ અંગે કોંગ્રેસે પીએમ મોદી સહિત કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આક્ષેપ કર્યો કે ચીનના અતિક્રમણથી ભારતની સુરક્ષા અને પ્રાદેશિક અખંડતાને ખુલ્લેઆમ પડકારવામાં આવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર 'મૂકદર્શક' બની છે. પીએમ મોદી વિરુદ્ધ એક પછી એક ટ્વીટ કરતાં ખડગેએ કહ્યું, વડાપ્રધાન મોદી ૨૦૧૪ પછી ૧૮ વખત જિનપિંગને મળ્યા છે. તેમણે ચીનને 'ક્લિન ચીટ' પણ આપી દીધી છે. તેમણે સવાલ કર્યા હતા કે, તમે ૨૦૧૪ પછી ૧૮ વખત શી જિનપિંગને મળ્યા છો. બંને દેશ વચ્ચે ૧૬ વખત સૈન્ય વાટાઘાટો થઈ છે. એ જણાવો કે શું ચીન એપ્રિલ ૨૦૨૦ પહેલાંની યથાસ્થિતિ માનવા તૈયાર નથી ? ક્યારેક ચીને સરહદે ગામ વસાવી લીધું... ક્યારેક દેપસાંગમાં ૨૦૦ સૈનિકો ઘૂસે છે... તેથી દેશ તરફથી અમે ઈચ્છીએ છીએ કે બધી સ્થિતિ સ્પષ્ટ થાય.
યાંગત્સેમાં તાજેતરમાં થયેલી હિમવર્ષા, વાદળછાયા વાતાવરણનો ચીની સૈનિકોએ લાભ ઉઠાવ્યો
પૂર્વીય લદ્દાખમાં ભારે પછડાટ ખાધા બાદ ચીને અરૂણાચલ પ્રદેશમાં આક્રમક વલણની નીતિ અપનાવી હતી, જેના હેઠળ ચીની સૈન્યે ભારતીય હદમાં ઘૂસણખોરી કરીને તેની પોસ્ટ હટાવી દેવાની પૂરી યોજના ઘડી કાઢી હતી. તે માત્ર હવામાનની મદદ મળે તેની રાહ જોઈ રહ્યું હતું. તેને તાજેતરમાં જ આ મદદ મળી ગઈ. તવાંગ સેક્ટરના યાંગત્સેમાં કેટલાક દિવસ પહેલાં જ હિમવર્ષા થઈ હતી અને વાદળછાયું વાતાવરણ થયું હતું. આ વાતાવરણનો લાભ લઈને ચીને ભારતમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સતત સાવધ અને સચેત ભારતીય સૈનિકોએ ૩૦૦થી ૪૦૦ ચીની સૈનિકોને દોડાવી દોડાવીને પાછા કાઢ્યા હતા. કેટલાક કલાક ચાલેલી આ અથડામણમાં બંને પક્ષે ડંડા સહિતની વસ્તુઓ સાથે સૈનિકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી.
Comments
Post a Comment