દિલ્હીમાં 20 હજારથી વધુ ખેડૂતો રસ્તા પર, નિરંકારી મેદાન પર જવા ઇનકાર
હરિયાણામાં શાંતિથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાતા અન્નદાતામાં રોષ
ખેડૂતો અમે નક્કી કરેલા દેખાવોના સ્થળે આવી જાય, દરેક બાબતે વાતચીત કરવા માટે તૈયાર છીએ : અમિત શાહ
નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2020, શનિવાર
કેન્દ્ર સરકારના કૃષી બિલોના વિરોધમાં હજારો ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશ કરી લીધો છે અને ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. જ્યારે અનેક ખેડૂતો હજુ પણ દિલ્હી સરહદે પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન સિંધુ બોર્ડર પર ખેડૂતોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક વિશાળ પુતળાને ફૂંક્યું હતું, જ્યારે દિલ્હીના રસ્તા પર આશરે 20 હજાર જેટલા ખેડૂતો ઉતર્યા હતા.
દિલ્હીના રસ્તા પર હજારો ખેડૂતો જોવા મળ્યા હતા, જ્યારે બીજી તરફ સતત ત્રીજા દિવસે પણ દિલ્હીની હરિયાણા, પંજાબ બોર્ડર પર મોટા પ્રમાણમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને પોલીસે સંત નિરંકારી ગ્રાઉન્ડમાં પ્રદર્શન કરવાની છુટ આપી હતી, જોકે ખેડૂતોએ ત્યાં જવાની ના પાડી દીધી છે. જેને પગલે હાલ દિલ્હીમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ફરી ઘર્ષણ થવાના એંધાણ છે.
ઉત્તર રેંજના જોઇન્ટ કમિશનર સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે અમે જે ગ્રાઉન્ડ પર પ્રદર્શનની છુટ આપી છે ત્યાં આશરે 600થી 700 ખેડૂતો પહોંચ્યા છે. શનિવારે સવારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો સિંધુ બોર્ડર પર એકઠા થયા હતા. પંજાબમાંથી દિલ્હીમાં પ્રવેશ માટે સિંધુ એક માત્ર એવો રસ્તો છે કે જેનો ખેડૂતો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે.
એક ખેડૂત નેતાએ કહ્યું હતું કે અમે સિંધુ બોર્ડર પરથી નથી હટવાના, અહીંથી જ અમારા વિરોધ પ્રદર્શનને જારી રાખીશું અને પરત ઘરે પણ નહીં જઇએ. અન્ય એક ખેડૂતે કહ્યું હતું કે પોલીસ અને સરકારે ફાળવેલા ગ્રાઉન્ડ પર અમે નહીં જઇએ. બીજી તરફ કિસાન મઝદૂર સંઘર્ષ કમિટી (કેએમએસસી)ના બેનર હેઠળ બીજા અનેક ખેડૂતો દિલ્હી તરફ આવી રહ્યા છે.
બીજી તરફ હરિયાણા પોલીસે વિવાદિત નિર્ણય લીધો હતો, પોલીસે ભારતીય કિસાન યુનિયનના વડા ગુરનામસિંહ ચુરાની વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ગુરનામસિંહ અને અન્ય ખેડૂતો બહુ જ શાંતિ પૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા. દિલ્હીના સિંધુ અને તિકરી બોર્ડર પર મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થતા ટ્રાફિક જામ થઇ ગયું હતું.
હાલ આ બન્ને બોર્ડરને પોલીસે સીલ કરી દીધી છે અને અન્ય રસ્તાઓ પર અવન જવનની છુટ આપી હતી. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે અમે જે સૃથળ પ્રદર્શન માટે ખેડૂતોને ફાળવ્યું છે ત્યાં આવીને ખેડૂતો એકઠા થાય તો અમે તેમની સાથે દરેક મુદ્દે વાતચીત માટે તૈયાર છીએ.
ખેડૂતોના ધરણામાં ગીતો, ઢોલના તાલે ભાંગડા, સુત્રોચ્ચાર
નવી દિલ્હી, તા. 28
બુરારી બોર્ડ પર એકઠા થયેલા ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. આ દરમિયાન ખેડૂતો નારેબાજી કરી રહ્યા છે, હવામાં ધ્વજ ફરકાવી રહ્યા છે, વિવિધ સંગઠનોના આશરે 400 જેટલા ખેડૂતો દિલ્હીના બુરારી બોર્ડર પર એકઠા થયા હતા.
આ દરમિયાન ખેડૂતોએ નારેબાજી કરી હતી અને કહ્યું હતું કે ધરતી માતા કી જય, નરેન્દ્ર મોદી કિસાન વિરોધી, ઇંકલાબ ઝિંદાબાદ. કેટલાક ખેડૂતો ડ્રમ અને ઢોલના તાલે નાચી રહ્યા હતા અને કેટલાક ગીતો ગાઇ રહ્યા હતા. પ્રદર્શનમાં ખેડૂતોએ સાથે મનોરંજનને પણ જોડી દીધુ હતું અને ઇંકલાબી ગીતો ગાયા હતા. દિલ્હીમાં અનેક મસ્જિદો અને ગુરૂદ્વારા દ્વારા પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે ભોજન સહિતની વ્યવસૃથા કરવામાં આવી હતી.
ખેડૂતોના દિલ્હી ચલો આંદોલન પર એક નજર
નવી દિલ્હી, તા. 28
પ્રથમ દિવસ : પંજાબથી હરિયાણા સુધી હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા, હરિયાણા પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો.
બીજો દિવસ : મોટી સંખ્યામાં હજારો ખેડૂતો દિલ્હીના તિગરી અને સિંધુ બોર્ડર પર પહોંચ્યા, પોલીસે આંસુ ગેસના શેલ છોડયા અને વોટર કેનનનો મારો ચલાવ્યો.
ત્રીજો દિવસ : શનિવારે સવારે બીજા અનેક ખેડૂતો દિલ્હીની બોર્ડર પર પહોંચ્યા, પંજાબ અને હરિયાણાથી બીજા અનેક ખેડૂતો જોડાયા.
ખેડૂતોની કાયદા અંગે દલિલ : કેન્દ્રના ત્રણેય કૃષી કાયદા ખેડૂતોને નુકસાનકારક છે, તેનાથી સંગ્રહ ખોરી વધશે, ટેકાના ભાવ નહીં મળે અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કંપનીઓ મનમાની કરશે.
ખેડૂતોની માગણી : ખેડૂતોની મુખ્ય માગણી છે કે કોઇ પણ સંજોગોમાં કેન્દ્ર સરકાર આ કૃષી કાયદાને પરત લઇ લે, એટલુ જ નહીં ટેકાના ભાવને કોઇ જ અસર નહીં થાય તેની કાયદેસરની ખાતરી સરકાર આપે તેવી પણ માગણી કરી છે.
આંદોલન પાછળ સંગઠનો : ખેડૂતોના વર્તમાન આંદોલનને દિલ્હી ચલો નામ અપાયું છે અને આ આંદોલન પાછળ ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી અને અનેક ખેડૂત સંગઠનો જેવા કે રાષ્ટ્રીય કિસાન મહાસંઘ, ભારતીય કિસાન સંઘ સાથે સંકળાયેલા સંગઠનો વગેરેનો પણ સમાવેશ થાય છે.
Comments
Post a Comment