બંગાળનો ગુજરાતની જેમ વિકાસ કરીશું, ડિસેમ્બરમાં TMCના ટુકડા થઈ જશેઃ ભાજપ
કલકત્તા, તા.29 નવેમ્બર 2020, સોમવાર
પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ઘમાસાણ ઉગ્ર બની રહ્યુ છે.પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ગઢમાં ભાજપે ગાબડુ પાડીને સંખ્યાબંધ નેતાઓને પોતાની તરફ ખેંચ્યા છે.
હવે પશ્ચિમ બંગાળના ભાજપ પ્રમુખ દિલિપ ઘોષે જાહેરાત કરી છે કે, બંગાળને પણ ગુજરાતની જેમ વિકસિત કરીશું અને ડિસેમ્બર મહિનામાં ટીએમસીના એટલે કે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસના ટુકડે ટુકડા થઈ જશે.દુધનુ દુધ અને પાણીનુ પાણી થઈ જશે.
આ પહેલા પણ દિલિપ ઘોષ પશ્ચિમ બંગાળમાં જીત મળે તો ગુજરાત મોડેલ લાગુ કરવાની વાત કરી ચુક્યા છે.જેનો મમતા બેનરજીએ વારંવાર વિરોધ કર્યો છે.દરમિયાન દિલિપ ઘોષે ફરી એક વખત કહ્યુ છે કે, ટીએમસીમાં બળવો કરનારા નેતાઓ પર કાર્યવાહી કરવાનુ સાહસ મમતા બેનરજીની સરકારમાં નથી.કારણકે તેનાથી પાર્ટી તુટી જવાનો ખતરો છે.ટીએમસીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા હોવાથી હવે મમતા બેનરજીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શરુ કરવુ પડ્યુ છે અને તેઓ એક બ્રેકડાઉન રોકવા માટે ઉતાવળા થયા છે.ડિસેમ્બરનો મહિનો ટીએમસી માટે મહત્વનો પૂરવાર થશે.આ મહિનામાં ટીએમસીનુ અસ્તિત્વ ખતમ થઈ જશે.
તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં જે રીતે ઉદ્યોગ, શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો વિકાસ થયો છે તે જ રીતે બંગાળમાં પણ અમે ગુજરાત મોડેલ અપનાવીશું.ગુજરાતમાં લઘુમતી સુરક્ષિત નથી તેવુ કહેવાતુ હતુ અને આ વાત પણ ખોટી પૂરવાર થઈ છે.
Comments
Post a Comment