હૈદરાબાદમાં કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન શરૂ, ભાજપ ઓવૈસીના ગઢમાં ગાબડું પાડી શકશે ?
- ઓવૈસી વહેલી સવારમાં મત આપી આવ્યા
હૈદરાબાદ તા. 1 ડિસેંબર 2020 મંગળવાર
હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન આજે સવારે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું હતું. આ વિસ્તારના સાંસદ ઓલ ઇન્ડિયા ઇત્તેહાદુન મજલિસ-એ-મુસ્લિમીનના અસદુદ્દીન ઓવૈસી વહેલી સવારમાં મતદાન કરી આવ્યા હતા.
આમ તો આ ચૂંટણીથી રાષ્ટ્રીય રાજકારણમાં કશો ફેર પડવાનો નથી પરંતુ સાઉથમાં પોતાનો પગપેસારો વધારવા ભાજપે આ વખતે કમર કસી હતી અને ટોચના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે હૈદરાબાદ મોકલ્યા હતા. આવા નેતાઓમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થયો હતો.
જો કે તેલંગાણામાં ટીઆરએસ અને ઓવૈસીનું જોર એટલું બધું છે કે અહીં પોતાને વિજય મળવાની શક્યતા સાવ પાંખી છે એ હકીકત ભાજપ બરાબર સમજે છે. પરંતુ પ્રયત્ન કરવામાં શું જાય એ વિચારે તેણે જબરો પુરુષાર્થ કર્યો હતો. એ પણ હકીકત છે કે આ ચૂંટણીમાં ભાજપ જે દેખાવ કરશે એને આધારે એ આવતા વરસે પશ્ચિમ બંગાલમાં થનારી વિધાનસભા ચૂંટણીનો વ્યૂહ ઘડશે.
150 વોર્ડમાં વહેંચાયેલા આ કોર્પોરેશનની બેઠકો માટે 1122 ઉમેદવારો મેદાનમાં છે. ચોથી ડિસેંબરે એનું પરિણામ જાહેર થશે. આજે 44 લાખ ચાર હજાર 260 મતદારો મત આપશે. ટીઆરએસ એક જ પક્ષ એવો છે જેણે બધી બેઠકો માટે ઉમેદવારોને મેદાનમનાં ઊતાર્યા હતા.
Comments
Post a Comment