એલઓસીમાં સતત બીજા દિવસે પાક. સૈન્યનો બેફામ તોપમારોઃ બે જવાન શહીદ
(પીટીઆઈ) જમ્મુ, તા. ૨૭
પાકિસ્તાનના નાપાક સૈન્યએ કાશ્મીર સરહદે સતત બીજા દિવસે પણ અવિરત ગોળીબાર કર્યો હતો, એમાં બે જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાનના ગોળીબારમાં છેલ્લાં ૨૪ કલાકમાં પાંચ જવાનોનો ભોગ લેવાયો હતો. ભારતીય સૈન્યએ પણ આક્રમક જવાબ વાળીને પાક.ની ચોકીઓનો કચ્ચરઘાણ કાઢ્યો હતો.
પાકિસ્તાનના લશ્કરે એલઓસીમાં સતત બીજા દિવસે તોપમારો કર્યો હતો. રાજૌરી જિલ્લામાં થયેલા ફાયરિંગમાં ભારતીય સૈન્યના બે જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાની સૈન્યના તોપમારામાં છેલ્લાં ૨૪ કલાકમાં જ પાંચ જવાનોનો ભોગ લેવાયો હતો.
સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતીય સૈન્યએ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યએ પાક.ની ચોકીઓનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો, જેમાં પાક.ના કેટલાય જવાનો ઘાયલ થયાના અહેવાલો પણ છે.
પાકિસ્તાને વહેલી સવારથી જ ફાયરિંગ શરૃ કર્યું હતું. વિવિધ સેક્ટરમાં અવિરત તોપમારો ચાલ્યો હતો, તેના કારણે સરહદી ગામડાંઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. સરહદી ગામડાઓમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૃ કરાઈ હતી. એલઓસી સરહદે સતત ફાયરિંગ થતાં લોકોએ બંકરોમાં ભરાઈ રહેવું પડયું હતું. રાજૌરી ઉપરાંત પૂંચ સેક્ટરમાં પણ પાકિસ્તાને બેફામ તોપમારો કર્યો હતો.
ભારતીય સૈન્યના જડબાતોડ જવાબ પછી પાકિસ્તાનના સૈનિકોએ પીછેહઠ કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની લશ્કરે ૨૬-૧૧ના હુમલાની ૧૨મી વરસીના દિવસે પણ બેફામ તોપમારો કર્યો હતો.
Comments
Post a Comment