પેંગોંગમાં ભારતે જગતના સર્વોત્તમ 'માર્કોસ' કમાન્ડો તૈનાત કર્યા


રાજનાથ ત્રણેય પાંખના સ્પેશિયલ કમાન્ડો સંયુક્ત રીતે ઓપરેશનો પાર પાડશે

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2020, શનિવાર

પેંગોગ સરહદે ભારતે નૌકાદળના માર્કોસ કમાન્ડો તૈનાત કરી દીધા છે. આ કમાન્ડોની ગણતરી જગતના સર્વોત્તમ મરીન કમાન્ડોમાં થાય છે. ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખ પાસે પોતપોતાની સ્પેશિયલ ફોર્સ છે. નૌકાદળની સ્પેશિયલ ટુકડી માર્કોસ તરીકે ઓળખાય છે. એરફોર્સની સ્પેશિયલ ફોર્સ ગરૂડ કમાન્ડો તરીકે જાણીતી છે, જ્યારે આર્મીની સ્પેશિયલ ટીમ પેરા કમાન્ડો તરીકે જાણીતી છે.

પેગોંગ સરોવરના કાંઠે હાલ માર્કોસની ટુકડી ઉતારાઈ છે. એરફોર્સના ગરૂડ અને આર્મીના પેરા કમાન્ડો પહેલેથી ત્યાં તૈનાત છે. હવે માર્કોસ તૈનાત થતાં ત્રણેય સ્પેશિયલ કમાન્ડો સાથે મળીને અસાધારણ લશ્કરી ઓપરેશન પાર પાડી શકશે. દરેક સ્પેશિયલ ફોર્સનો ઉદ્દેશ જ ખાસ પ્રકારના અને પહેલી નજરે અશક્ય લાગતા મિશન પાર પાડવાનો હોય છે.

બીજી તરફ એક મુલાકાતમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ હતુ કે ચીનના કોઈ પણ દુ:સાહસને જવાબ આપવા માટે સરહદે તૈનાત સેન્યને છૂટો દોર આપી રાખેલો છે. તેમણે કહ્યું હતું કે છૂટો દોર છે એટલે જ આપણા સૈનિકો ગલવાનમાં ચીનને જડબાતોડ જવાબ આપી શક્યા હતા.

સામાન્ય  રીતે મોટા લશ્કરી ઓપરેશનો સરકારની પરવાનગી વગર આગળ વધી શકતા નથી. જેમ કે સર્જીકલ સ્ટ્રાઈક વખતે દિલ્હીથી મંજૂરી મળ્યા પછી જ આગળ વધી શકાયુ હતું. પરંતુ કેટલાક ઓપરેશન માટે સૈન્યની ત્રણેય પાંખોને સરકારે છૂટ આપી રાખી છે. 

પેંગોગના કાંઠે મરીન કમાન્ડો ગોઠવાયા પછી હવે ટુંક સમયમાં તેમને બોટ સહિતની જરૂરી સામગ્રી પણ ત્યાં પહોંચાડવામાં આવશે. માર્કોસનું કામ સમુદ્ર વચ્ચે જ હોય છે. પરંતુ ચીન સરહદે સમુદ્ર નથી, પણ સમુદ્ર જેવું કહી શકાય એવુ કદાવર પેંગોંગ સરોવર છે. ત્યાં માર્કોસની હાજરીથી ઘણો ફરક પડશે. સરોવર કાંઠે માર્કોસ માટે જરૂરી તમામ અન્ય સુવિધાઓ ઉભી કરવાની કામગીરી આરંભી દેવાઈ છે.

હિન્દ મહાસાગરના વધુ 3 દેશોમાં ભારતના રેડાર સ્થપાશે

હિન્દ મહાસાગર વેપારી જહાજોની દૃષ્ટિએ જગતનો સૌથી મહત્ત્વનો સમુદ્રી વિસ્તાર છે અને ત્યાં ભારતીય નૌકાદળ સૌથી મોટું છે. નૌકાદળના જહાજો અને વિમાનો ઉપરાંત ઠેર ઠેર સ્થપાયેલા રેડાર પણ મહાસાગરની ગતિવિધિ પર નજર રાખે છે. ભારતે પહેલેથી આવા ત્રણ સર્વેલન્સ રેડાર શ્રીલંકા, સેશલ્સ અને માલદિવ્સમાં ગોઠવી દીધા છે. હવે માલદીવ્સ, બાંગ્લાદેશ અને મ્યામાંરમાં વધુ 3 રેડાર ગોઠવાશે. આ ઉપરાંત હિન્દ મહાસાગર ફરતે આવેલા વધુ 12 દેશોમાં પણ રેડાર મથક સ્થાપવાની ભારતની યોજના છે. હિન્દ મહાસાગરમાં ભારતને સહયોગ મળતો રહે એ માટે શનિવારે નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલની શ્રીલંકા અને માલદીવ્સના અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. 

નેપાળના વડાપ્રધાને ચીન સાથે અંતર વધાર્યું

નેપાળના વર્તમાન વડા પ્રધાન કે.પી.શર્મા ઓલી ભારત વિરોધી વલણ ધરાવે છે. તેની પાછળ ચીનનો દોરીસંચાર છે. નેપાળ સ્થિત ચીની મહિલા એમ્બેસેડર હાઉ યાન્કી શર્માની સરકારને પાછળથી ચલાવતા હોવાનું પણ મનાય છે. યાન્કીએ શર્મા સાથે ઘણી નીકટતા કેળવી હતી. દરમિયાન હવે આગામી દિવસોમાં જ ચીની સંરક્ષણ મંત્રી નેપાળની મુલાકાતે આવી રહ્યા છે. એ પહેલા જ શર્માએ એમ્બેસેડર યાન્કીને કહી દીધું છે કે અમારા નિર્ણયમાં તમે દખલ દેશો નહીં, મને દેશ ચલાવતા આવડે છે. ભારતના લશ્કરી વડા જનરલ નરવાણે, ભારતીય  જાસૂસી સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગના ડિરેક્ટર વગેરેની નેપાળ મુલાકાત પછી શર્માનું હૃદય પરિવર્તન થયું હોવાનું મનાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો