ખેડૂતો મોદી સરકાર સામે આરપારની લડાઇ માટે મક્કમ
આંદોલનનો છઠ્ઠો દિવસ, અત્યાર સુધીમાં ત્રણ ખેડૂતોના મોતને પગલે આંદોલન ઉગ્ર બનવાની શક્યતા
ખેડૂતોના આંદોલનને પગલે શાકભાજી-દૂધ જેવી વસ્તુઓનો સપ્લાય ઠપ થતા દિલ્હી-આસપાસના રાજ્યોમાં હાલાકી
સરકારે ધરણા માટે ફાળવેલા બુરાડી મેદાનમાં ગયેલા ખેડૂતોને નજર કેદ કરાયા જેવી સ્થિતિ, અનેકે ભૂખ હડતાળ શરૂ કરી
નવી દિલ્હી, તા. 30 નવેમ્બર, 2020, સોમવાર
કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં હજારો ખેડૂતો દિલ્હીમાં ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે. દિલ્હી ચલો આંદોલનને છઠ્ઠો દિવસ છે. ત્યારે ખેડૂતો નેતાઓએ સરકારને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે અમે દિલ્હી આરપારની લડાઇ માટે જ આવ્યા છીએ,
જ્યાં સુધી નવા કૃષિ કાયદા રદ ન થાય ત્યાં સુધી અહીંથી નહીં હટીએ. મન કી બાત કરતા વડા પ્રધાને અમારા પણ મનની વાત સાંભળવી જોઇએ તેવો ખેડૂતોએ નિ:સાસો નાખ્યો હતો.
દિલ્હીના સિંધુ બોર્ડર પર મીડિયાને સંબોધતા ખેડૂત આગેવાનોએ કહ્યું હતું કે જ્યાં સુધી અમારી માગોને પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન જારી રહેશે. કિસાન નેતા જગમોહનસિંહે કહ્યું હતું કે અમારી માગણીઓ સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ અમે નથી કરવાના,
કૃષિ કાયદાઓને રદ કરો તે સિવાય બીજી કોઇ જ વાતચીત નહીં. અમે અહીં આરપારની લડાઇ માટે જ આવ્યા છીએ. દિલ્હી સરહદેથી જ અમે અમારી આગામી રણનીતી તૈયાર કરીશું. ખેડૂતોના મનની વાત પણ સાંભળો તેવું વડા પ્રધાનને કહેવા માટે અમે દિલ્હી આવ્યા છે.
દરમિયાન ખેડૂતોના નેતા યોેગેન્દ્ર યાદવે કહ્યું હતું કે આ આંદોલન કોઇ એક કે બે રાજ્યના ખેડૂતોનું નહીં પણ પુરા દેશના ખેડૂતોનું છે. સરકાર અને તેના મંત્રીઓ એ જુઠ ફેલાવી રહ્યા છે કે આ આંદોલન માત્ર પંજાબના ખેડૂતોનું છે જ્યાર ેવાસ્તવમાં અનેક રાજ્યના ખેડૂતો આ આંદોલનમાં સામેલ થયા છે. બીજી તરફ તમિલનાડુમાં પણ હવે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરૂ થઇ ગયું છે,
હાલ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસૃથાન બાદ હવે તામિલનાડુના ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે અમે ધરણા સૃથળે જ અમારા ઝુંપડા બનાવીને ત્યાં જ રહીશું અને આગામી 26મી જાન્યુઆરી સુધી અહીંથી નહીં હટીએ.
દરમિયાન જ્યારે ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના પર વોટર કેનનનો મારો ચલાવવામાં આવ્યો હતો, ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા થોડાયા હતા. જોકે ખેડૂતો પોલીસથી નારાજ નથી, તેઓ ખેડૂતોને ભોજનને પાણી પણ આપી રહ્યા છે. ધરણા પર બેઠેલા ખેડૂતોએ ગુરૂ નાનક જયંતીએ પોલીસની વચ્ચે જઇને તેમને પ્રસાદ વહેચ્યો હતો.
ખેડૂતોએ ધરણા સૃથળે જ ગુરૂનાનક જયંતીએ પ્રાર્થના કરી હતી. દરમિયાન ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનનો છઠ્ઠો દિવસ છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા ખેડૂતોના મોત નિપજ્યા છે. જ્યારે દિલ્હીના જે બુરાડી ગ્રાઉન્ડમાં ખેડૂતો ધરણા પ્રદર્શન પર બેઠા છે તેમને હવે પ્રશાસન બહાર નથી નીકળવા દેતું,
જેને પગલે આ ખેડૂતોએ ગ્રાઉન્ડ પર જ ભુખ હડતાળ શરૂ કરી દીધી છે. અગાઉ ખેડૂતોએ ભય વ્યક્ત કર્યો હતો કે સરકાર અમને બુરાડી મેદાનમાં જવાનું કહે છે તે સરકારની ચાલ છે કેમ કે આ મેદાન ખુલ્લી જેલ છે અને અમે ત્યાં નહીં જઇએ, જ્યારે કેટલાક ખેડૂતો આ મેદાનમાં પહોંચી ગયા હતા,
જોકે હવે તેમને પોલીસ બહાર નથી નીકળવા દેતી તેથી ખેડૂતો રોષે ભરાયા છે. દિલ્હીમાં ખેડૂતોના આંદોલનને પગલે હાલ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં શાકભાજી, દુધ સહિતની વસ્તુઓનો સપ્લાય પુરવઠો ઠપ થતા મોંઘવારી વધી રહી છે. શાકભાજી હાલ 50થી 100 રૂપિયા કિલો વેચાઇ રહી છે.
Comments
Post a Comment