સરકારની કિલ્લેબંધીનો ફિયાસ્કો : ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ્યા
પોલીસે ધરતીપુત્રોને અટકાવવા ટ્રકો, મોટા કન્ટેનર, કાંટાના તાર, વોટર કેનન, આંસુ ગેસના શેલ સહિતનો ઉપયોગ કર્યો
ખેડૂતોએ આખા કન્ટેનર ઉથલાવ્યા, ટ્રેક્ટરથી બેરિકેડ્સ હટાવ્યા, પોલીસને પથ્થરમારો કરી ભગાડી
વિશાળ પુલ પર શાંતિથી ઉભેલા ખેડૂતો ઉપર આંસુ ગેસના શેલ ફેંકી પોલીસે જુલમ ગુજાર્યો, અકસ્માતમાં એક ખેડૂતનું મોત
નવી દિલ્હી, તા. 27 નવેમ્બર, 2020, શુક્રવાર
કેન્દ્ર સરકારના કૃષી સંલગ્ન કાયદાઓના વિરોધમાં પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોના હજારો ખેડૂતો દિલ્હી તરફ કુચ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર હસ્તક આવતી દિલ્હી પોલીસે રાજ્યની સરહદો સીલ કરી દીધી છે, વોટર કેનનથી લઇને બેરિકેટ્સ ગોઠવી ભારે કિલ્લેબંધ કરી ખેડૂતોના જુવાળને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતોએ હાર નહોતી માની અને ગમે તેમ કરીને આ કિલ્લેબંધી તોડવામાં સફળ રહ્યા હતા અને દિલ્હીમાં પ્રવેશ કરી લીધો હતો.
ખેડૂતો બપોરના સમયે સાડા ત્રણ વાગ્યાના અરસામાં દિલ્હીના તિકરી બોર્ડર પરથી પ્રવેશ કરવા માગતા હતા, બીજી તરફ ખેડૂતોની હિમ્મત અને સંખ્યા વધતા દિલ્હી પોલીસે પીછેહટ કરવી પડી હતી અને દિલ્હીના સૌથી મોટા મેદાન નિરંકારી ગ્રાઉન્ડમાં ધરણા પ્રદર્શન યોજવાની છુટ આપી હતી. જોકે દિલ્હીના તિકરી બોર્ડર પરથી તો ખેડૂતો પ્રવેશી ગયા હતા પણ સિંઘુ સરહદેથી પ્રવેશ નહોતા કરી શક્યા.
બીજી તરફ શાંતિથી આગેકુચ કરી રહેલા ખેડૂતોનું ટોળુ જ્યારે સરહદે એક વિશાળ પુલ પર એકઠુ થયું હતું ત્યારે પોલીસે ટોળા વચ્ચે આંસુ ગેસના શેલ છોડયા હતા. જેને પગલે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો કેમ કે આખો પુલ ખેડૂતોથી ભરેલો હતો. પોલીસની આ પ્રકારની કાર્યવાહીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે અને કેન્દ્ર તેમજ પોલીસની ભારે ટીકા થઇ રહી છે.
હજારોની સંખ્યામાં આવેલા ખેડૂતોને રોકવા માટે કાંટાળી વાડ, મોટા પથૃથરો, વોટન કેનન, વિશાળ બેરીકેટ્સ, મોટા ટ્રક અને ટેંકરો સહિતની કિલ્લેબંધી પોલીસે કરી રાખી હતી. જોકે તિકરી બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું, જોકે ખેડૂતોએ હિમ્મત સાથે આખા ટ્રક અને ટેંકરોને હટાવી લીધા હતા અને ગમે તેમ કરીને દિલ્હીમાં પ્રવેશ કરી ચલો દિલ્હી કુચને આગળ વધારી હતી.
આ દરમિયાન પોલીસે બહુ જ ઘાતકી રીતે વોટન કેનન, લાઠીચાર્જ અને આંસુ ગેસના શેલનો પ્રયોગ કર્યો હતો. પ્રદર્શનમાં આવેલા એક ખેડૂતે સરકાર અને પોલીસને પડકાર ફેંકતા કહ્યું હતું કે ખેતરોમાં કાંટા વચ્ચે જ મોટા થયા છીએ, સરકારે અમને રોકવા માટે બોર્ડર પર ખડકેલા કાંટાના તારથી ડર નથી લાગતો. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ દુનિયાની કોઇ સરકાર ખેડૂતોને સત્યની આ લડાઇ લડતા અટકાવી નહીં શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત સમજવી પડશે કે ઘમંડ ક્યારેય સત્તાની સામે જીતી નથી શક્યું. દરમિયાન દિલ્હીમાં આદોલન માટે જઇ રહેલા એક ખેડૂતનું મોત નિપજ્યું હતું. ટ્રેક્ટર લઇને જ્યારે આ ખેડૂત દિલ્હી તરફ આવી રહ્યા હતા ત્યારે એક ટ્રકે તેને ટક્કર મારી હતી, જેને પગલે થયેલા અકસ્માતમાં આ ખેડૂતનું મોત નિપજ્યું હતું, જેને બાદમાં અન્ય આંદોલનકારી ખેડૂતોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી હતી.
ઓડિશા વિધાનસભાની બહાર ત્રણ ખેડૂતોનો આત્મદહનનો પ્રયાસ
ઓડિશાના નયાગડમાં બાળકોના માતા-પિતા પછી ત્રણ ખેડૂતોએ વિધાનસભાની સામે આત્મદહનનો પ્રયાસ કર્યો હતોે. જો કે વિધાનસભાની બહાર તૈનાત સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લીધા હતાં. ત્રણેય ખેડૂતોએ પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર કેટલાક અજાણ્યા લોકોએ અમારા નામે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની આઠગડ શાખામાંથી લોન લઇ લીધી હતી. બેંક અમને લોનની રકમ ભરવા માટે દબાણ કરી રહી હતી. અનેક વખત ફરિયાદ કરવા છતાં અધિકારીઓ ધ્યાન આપતા ન હતાં.
કેન્દ્રના કૃષિ કાયદા સામે યુપીમાં ખેડૂતો રસ્તા પર
લખનઉ, તા. 27
માત્ર પંજાબ અને હરિયાણા જ નહીં અન્ય રાજ્યોમાં પણ ખેડૂતો દ્વારા ધરણા પ્રદર્શન શરૂ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશમાં અનેક સૃથળે ખેડૂતોએ રોડ રસ્તાને બ્લોક કરી દીધા હતા. જ્યારે દિલ્હી-દેહરાદુન નેશનલ હાઇવેને બંધ કરી દીધો હતો અને હાઇવે પર જ ધરણા પ્રદર્શન માટે બેસી ગયા હતા. સૃથાનિક ખેડૂતોએ કહ્યું હતું કે અમે ધરપકડ વહોરવા માટે પણ તૈયાર છીએ. બાગપતમાં પણ ભારતીય કિસાન યુનિયનના ખેડૂતોએ રોડ રસ્તા બ્લોક કર્યા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતું અટકાવવા માટે મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દીધી હતી.
Comments
Post a Comment