રાજ્યમાં કોરોનાના કેસમાં આવી રહ્યો છે ઉછાળો, આજે નોંધાયા 1487 પોઝિટિવ કેસ
અમદાવાદ, તા. 23 નવેમ્બર 2020, સોમવાર
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વિકેન્ડ કરફ્યૂ અને તે બાદ રાત્રી કરફ્યૂ અમલી બનાવવામાં આવ્યો છે તેમ છતાં સંક્રમણ તેજ છે. આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરો વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યૂ અમલી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.
રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1487નવા કેસ નોંધાયા છે. જેની સામે 1234 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 17 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3876 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,81,187 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 73,04,705 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,00,873 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,00,762 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 111 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.
આજે નોંધાયેલા 1487 પોઝિટિવ કેસમાંથી અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 25, સુરત શહેરમાં 217, સુરત જિલ્લામાં 53, વડોદરા શહેરમાં 132, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 59, મહેસાણામાં 46, ગાંધીનગર શહેરમાં 44, ગાંધીનગર જિલ્લામાં 38 કોરોનાના કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 89 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 13,747 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,81,187 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3876 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.09% છે.
અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ
અમદાવાદ શહેરમાં આગામી 7મી ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ અમલી રહેશે. અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું જાહેર કર્યું છે જેમાં આગામી 7મી ડિસેમ્બર સુધી શહેરમાં રાત્રી કરફ્યૂ અમલી રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
Comments
Post a Comment