કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન
- કોરોના બાદ વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા ગુરુગ્રામની હોસ્પિટલમાં પરોઢીયે ૩.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા
- ઇંદિરા, રાજીવ, સોનિયા ગાંધી ત્રણેયના સૌથી નજીકના નેતા તરીકેનું સ્થાન પામનારા એક માત્ર કોંગ્રેસી
નવી દિલ્હી, તા. 25 નવેમ્બર 2020, બુધવાર
કોંગ્રેસના કદ્દાવર નેતા અને પક્ષમાં ચાણક્ય જેવું સ્થાન ધરાવતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું હતું. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્વાસ્થ્ય કથળ્યું હતું જેથી તેમને ગુરુગ્રામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમણે અંતીમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કોરોનાને કારણે તેમના વિવિધ અંગોએ કામ કરવાનું બંધ કરી દેતા નિધન થયું હતું.
અહેમદ પટેલને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ૧૫મી નવેમ્બરે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર ફૈઝલના જણાવ્યા અનુસાર અહેમદ પટેલનું નિધન પરોઢીયે ૩.૩૦ વાગ્યે નિપજ્યું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વિટ કરીને કહ્યું હતું કે મારા પિતાનો કોરોના રિપોર્ટ એક મહિના પહેલા જ પોઝિટિવ આવ્યો હતો, ત્યારથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ધીરે ધીરે તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. કોરોનાને કારણે તેમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું હતું. હું લોકોને વિનંતી કરું છું કે કોરોનાને ગંભીરતાથી લેવામાં આવે અને સાવચેતી રાખવામાં આવે.
૨૧મી ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ગુજરાતના અંકલેશ્વરના પિરામણમાં જન્મેલા અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનની શરૂઆત નગરપાલિકાથી કરી હતી, પોતાની મહેનતને કારણે તેઓ કોંગ્રેસમાં મોટા નેતા બની ગયા અને પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીના સંપર્કમાં આવ્યા, ૧૯૭૭થી ૧૯૮૨ દરમિયાન તેઓ ગુજરાત યુવા કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા.જ્યારે ૧૯૭૭માં દેશભરમાં ઇંદિરા ગાંધી વિરુદ્ધ દેશમાં માહોલ હતો અને તેઓ લોકસભાની ચૂંટણી પણ હારી ગયા હતા, બીજી તરફ અહેમદ પટેલ આ માહોલમાં પણ ભરુચથી લોકસભાની ચૂંટણી જીતી ગયા હતા અને સાથે જ ગુજરાતમાં કોંગ્રેસને જીત અપાવવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
૧૯૭૭થી તેઓ સતત કેન્દ્રીય રાજકારણમાં સક્રિય રહ્યા. ૧૯૭૭,૧૯૮૦,૧૯૮૪માં લોકસભાની ચૂંટણી તેઓ ભરુચથી જ જીત્યા હતા. તેઓ બાદમાં રાજીવ ગાંધીની નજીક આવતા તેઓએ અહેમદ પટેલને પોતાના સંસદીય સચીવ બનાવ્યા, બાદમાં જ્યારે સોનિયા ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે અહેમદ પટેલે તેમને સાથ આપ્યો. ૨૦૦૪ની લોકસભાની ચૂંટણીમાં જીત માટે બડદા પાછળ રહી મહત્વની ભૂમિકા અદા કરી હતી. ચાર દસકા સુધી રાજકીય જીવન જીવનારા અહેમદ પટેલ ગાંધી પરિવારમાં સૌથી નજીકના નેતા હતા. તેમને ગાંધી પરિવાર પછી સૌથી કદ્દાવર નેતા પણ માનવામાં આવતા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના અનેક મોટા નેતાઓ, સેલિબ્રિટીઓએ અહેમદ પટેલના નિધનને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલી પાઠવી હતી.કોરોનાને કારણે કોંગ્રેસના અન્ય એક વરીષ્ઠ નેતા અને આસામના પૂર્વ મુખ્ય પ્રધાન તરુણ ગોગોઇનું પણ નિધન થયું હતું, જે બાદ કોંગ્રેસે કોરોનાને કારણે અહેમદ પટેલ તરીકે બીજા મોટા નેતા ગુમાવ્યા છે. અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય પણ માનવામાં આવતા, તેઓ સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા તેમજ ગાંધી પરિવાર તેમની પાસેથી અનેક બાબતોની સલાહ રહેતો રહ્યો.
૨૦૦૪માં લોકસભામાં કોંગ્રેસને જીત અપાવવા પડદાપાછળ રહી કામ કર્યું
અહેમદ પટેલ કોંગ્રેસના સંકટમોચક હતા, પક્ષને મોટી ખોટ ઉભી થઇ
૨૦૦૪થી ૨૦૧૪ સુધી કેંન્દ્રમાં કોંગ્રેસની સરકાર ટકાવી રાખવા દરેક પક્ષોને સાથે રાખ્યા, રાજસ્થાનમાં પણ મદદ કરી
કોંગ્રેસે અહેમદ પટેલના રુપમાં એક સંકટમોચકને પણ ગૂમાવ્યા છે. અહેમદ પટેલે કોંગ્રેસને અનેક સંકટોમાંથી બચાવી છે તેથી તેમને પક્ષના સંકટમોચક પણ માનવામાં આવતા હતા. વિરોધીઓના દરેક રાજકીય કાવાદાવાને પારખીને તેઓ વિરોધ કરનારા અહેમદ પટેલના નિધનથી કોંગ્રેસને એક મોટી ખોટ સર્જાઇ છે.
૨૦૦૪માં કોંગ્રેસની લોકસભામાં થયેલી જીત માટે પડદા પાછળ અહેમદ પટેલે ઘણી મહેનત કરી હતી. ૨૦૦૧માં જ તેઓ સોનિયા ગાંધીના સલાહકાર નિમાયા હતા અને અંતિમ શ્વાસ સુધી તેઓ આ પદ પર પણ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને અનેક બાબતોમાં પડદા પાછળ રહીને અહેમદ પટેલે મદદ કરી હતી.
રાજસ્થાન કોંગ્રેસમાં પણ મધ્ય પ્રદેશની જેમ બળવાની સ્થિતિ ઉભી થઇ ગઇ હતી. આ સમયે અહેમદ પટેલ એ નેતા હતા કે જેણે સચિન પાયલટને મનાવી લીધા હતા અને કોંગ્રેસમાં પરત બોલાવી લીધા હતા. જ્યારે પણ કોંગ્રેસમાં સંકટ આવે છે ત્યારે સંકટ મોચક તરીકે અહેમદ પટેલને યાદ કરાતા હતા. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ઘણા પક્ષોને સાથે રાખીને સરકાર બચાવવામાં અહેમદ પટેલની મોટી ભૂમિકા રહી છે. ગુજરાતમાં ૨૦૧૭માં જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે સૌની નજર અહેમદ પટેલ પર હતી, તેઓએ આ ચૂંટણીમાં જીત મેળવી કોંગ્રેસનું સન્માન પણ જાળવી રાખ્યું હતું. તેમના નિધનને પગલે હવે કોંગ્રેસ માટે એક મોટી ખોટ સર્જાઇ છે.
૧૦ જનપથમાં ઓફિસ ધરાવતા એક માત્ર કોંગ્રેસી નેતા
૨૦૧૭માં અહેમદ પટેલે મોદી-શાહની કિલ્લેબંધી તોડી હતી
ભાજપના ઉમેદવાર બળવંતસિંહને હરાવી રાજ્યસભાની ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા
કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું હતું, તેઓ ૨૦૧૭માં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ગુજરાતમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રાજ્યસભાની ચૂંટણી જીતી હતી.
૨૦૧૭માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ રહી હતી ત્યારે પીએમ મોદી અને અમિત શાહે મળીને એક એવો વ્યૂહ રચ્યો હતો જેમાં અહેમદ પટેલ માટે રાજ્યસભાની ચૂંટણી જીતવી અતી મુશ્કેલ માનવામાં આવતી હતી. કોંગ્રેસમાંથી જ ભાજપમાં સામેલ થયેલા બળવંતસિંહ રાજપૂતને અમિત શાહે ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા.
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા હતા. જોકે શક્તિસિંહ ગોહિલની સૂજબૂજને કારણે અહેમદ પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કિલ્લેબંધીને ભેદવામાં સફળ રહ્યા હતા અને રાજ્યસભાની ચૂંટણી જીતી સાંસદ બની ફરી કેન્દ્રમાં સક્રિય થઇ ગયા હતા. ૧૯૯૩થી સતત તેઓ સાંસદ પદ પર રહ્યા. અહેમદ પટેલ એક માત્ર એવા કોંગ્રેસી નેતા હતા કે જેઓની ઓફિસ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ૧૦ જનપથમાં પણ હતી. તેઓ કોંગ્રેસના ગાંધી પરિવાર પછી સૌથી તાકતવર નેતા રહ્યા.
રાજીવ ગાંધીના સંસદીય સચીવ નિમાતા
અમર, અકબર, એન્થનીની ત્રિપૂટીમાં અહેમદ પટેલનું નામ આવતું
રાજીવ ગાંધીની સરકારમાં અરુણસિંહ (અમર), અહેમદ પટેલ (અકબર), ફર્નાંડિસ(એંથની) ગણાતા
અહેમદ પટેલ એવા નેતા હતા કે જેમણે ઇંદિરા, રાજીવ અને સોનિયા ગાંધી સાથે રહીને વર્ષો સુધી કોંગ્રેસને મદદ કરી. ૧૯૮૪માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ ૧૯૮૫માં કમાન સંભાળી ત્યારે અહેમદ પટેલને વડા પ્રધાનના સંસદીય સચીવ બનાવ્યા.
અહેમદ પટેલની સાથે અન્ય બે અરુણસિંહ, ઓસ્કર ફર્નાન્ડિંસને પણ રાજીવ ગાંધીએ પીએમના સંસદ સચીવ બનાવ્યા હતા. જેને પગલે અહેમદ પટેલ, અરુણ સિંહા અને ઓસ્કર ફર્નાંડિસ ત્રણેયને બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ અમર, અકબર, એંથની સાથે પણ જોડીને જોવામાં આવતા હતા.
અમરના રુપમાં અરુણ સિંહ, અકબરના રુપમાં અહેમદ પટેલ અને એંથનીના રુપમાં ઓસ્કર ફર્નાંડિસ જોવામા ંઆવતા હતા. આ ત્રણેયની જોડી ભારે ચર્ચામાં રહી જેમણે રાજીવ ગાંધીને દરેક નિર્ણયોમાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી મદદ કરી હતી. તેઓ રાજીવ ગાંધીના એટલા ખાસ હતા કે તેમના નિધન બાદ સોનિયા ગાંધીએ જ્યારે કોંગ્રેસની કમાન સંભાળી ત્યારે અહેમદ પટેલને પોતાના સલાહકાર બનાવ્યા હતા. ૨૦૦૧થી તેઓએ આ પદ સંભાળ્યું અને અંતિમ શ્વાસ સુધી તેઓ ગાંધી પરિવાર અને કોંગ્રેસને મદદ કરતા રહ્યા.
૨૮ વર્ષની ઉંમરે અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ નાની વયે સાંસદ બન્યા હતા. ૨૧ ઓગસ્ટ ૧૯૪૯ માં ભરૂચ પાસે પીરામણ ગામમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વાર લોકસભા સાંસદ અને ચાર વાર રાજ્યસભાના સંસદ સભ્ય રહી ચૂક્યા હતા.
અહેમદ પટેલ પહેલીવાર ૧૯૭૭માં ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. તે વખતે અહેમદ પટેલ ની ઉંમર ૨૮ વર્ષ ની હતી. લોકસભાની આ ચૂંટણી અહેમદ પટેલ ૬૨ હજાર જેટલા મતોથી જીત્યા હતા. તેઓ ૨૮ વર્ષની વયે સંસદ સભ્ય બન્યા હતા. જો કે, અહેમદ પટેલ વર્ષ ૧૯૮૦માં ભરૂચ બેઠક પર જ ૮૨ હજાર મતોથી વિજયી બન્યા હતા.જ્યારે વર્ષ ૧૯૮૪માં આ જ બેઠક પરથી ૧,૨૩ લાખ મતોથી વિજયી થયા હતા
કોવીડ પ્રોટોકોલ મુજબ અંતિમ વિધિ કરવા તૈયારીઓ
અહેમદ પટેલની અંતિમ વિધિમાં રાહુલ ગાંધી હાજરી આપશે
રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ના અવસાન બાદ કોંગ્રેસમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે મોડી સાંજે અહેમદ પટેલના પાર્થિવ દેહને વિમાનમાર્ગે વડોદરા લવાયો હતો જ્યાં કોંગ્રેસના નેતાઓએ હાજરી આપી હતી. ગુરુવારે સવારે ૧૦-૦૦ વાગે પીરામણ કબ્રસ્તાન ખાતે અહેમદ પટેલ ની દફનવિધિ કરવામાં આવશે. અંતિમવિધિ માં રાહુલ ગાંઘી સહિત કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ હાજરી આપે તેવી શક્યતાઓ છે.
ગુલામનબી આઝાદ, કમલનાથ, રણદીપ સૂરજેવાલા, મુકુલ વાસનીક સહિત નેતાઓ પણ આવશે. કોરોના પ્રોટોકોલ મુજબ અહેમદ પટેલની અંતિમવિધિ કરવા તૈયારી કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અહેમદ પટેલની અંતિમવિધિ માં હાજરી આપવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પીરામણ પહોંચી ચૂક્યા છે. આવતીકાલે સવારે ૧૦-૦૦ વાગે અહેમદ પટેલ દફનવિધિ કરવામાં આવનાર છે ત્યારે રાહુલ ગાંધી વહેલી સવારે સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી બાય રોડ પીરામણ આવશે. રાહુલ ગાંધી ઉપરાંત મુકુલ વાસનિક, ગુલામ નબી આઝાદ ,રાજીવ સાતવ ,કમલનાથ સહિતના કેન્દ્રીય નેતાઓ પણ પીરામણ પહોંચી અહેમદ પટેલની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેશે.
નિષ્ઠાવાન સહિયોગી કોમરેડ અહેમદ પટેલનું સ્થાન કોઇ ન લઇ શકે : સોનિયા ગાંધી
પક્ષ વિપક્ષ ભૂલી દરેક નેતાઓએ અહેમદ પટેલને સ્મર્ણાંજલિ અર્પી
અહેમદ ભાઇએ કોંગ્રેસને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું જે ક્યારેય નહીં ભુલાય : વડાપ્રધાન મોદી
કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની ભૂમિકામાં અહેમદ પટેલનું જે યોગદાન છે તે હંમેશા યાદ રખાશે, અહેમદ પટેલના નિધનથી હું બહુ જ દુઃખી છું. તેઓએ જાહેર જીવનમાં એક લાંબા સમય સુધી લોકોની સેવા કરી. તેજ દિમાગને કારણે પોતાની વિશેષ ઓળખ ધરાવતા અહેમદ પટેલે કોંગ્રેસને મજબૂત બનાવવામાં જે ભૂમિકા નિભાવી છે તેને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પુત્રની સાથે વાત કરી અને મારી સંવેદનાઓ વ્યક્ત કરી. અહેમદ ભાઇની આત્માને શાંતિ મળે. - નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાની સાથે જ જાહેર જીવનમાં પણ તેમણે મોટુ યોગદાન આપ્યું, અહેમદ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. અહેમદ પટેલજીનું કોંગ્રેસ પાર્ટી અને જાહેર જીવનમાં બહુ જ મોટુ યોગદાન રહ્યું છે. હું દુઃખના આ સમયમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે. -અમિત શાહ (ગૃહ પ્રધાન)
કોંગ્રેસના નેતા અહેમદ પટેલજીના નિધનથી ભારે દુઃખ થયું છે. આ દુઃખદ સમયમાં હું કામના કરું છું કે ઇશ્વર તેમના પરિવારજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. - જે.પી. નડ્ડા
અહેમદ પટેલ એક એવા કોમરેડ, નિષ્ઠાવાન સહયોગી અને મિત્ર હતા કે જેનું સ્થાન કોઇ ન લઇ શકે. શ્રી અહેમદ પટેલના જવાથી મે એક એવા સહિયોગીનો ખોઇ દીધા છે કે જેનું આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતું. તેમની નિષ્ઠા, સમર્પણ, પોતાના કર્તવ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, મદદ માટે હંમેશા હાજર રહેવું અને તેમની શાલીનતા કેટલીક એવી ખુબીઓ હતી કે જે તેમને અન્યોથી અલગ રાખતી હતી. તેમનું સ્થાન કોઇ ન લઇ શકે તેવા કોમરેડ, મિત્ર ખોયા છે. - સોનિયા ગાંધી (કોંગ્રેસ અધ્યક્ષા)
Comments
Post a Comment