દિલ્હી પર ખેડૂતોનો ઘેરાવો, આંદોલનમાં ઉગ્રતા
સરકારે ફાળવેલંુ મેદાન ખુલ્લી જેલ, ત્યાં નહીં જઇએ, વાતચીતનો શરતી પ્રસ્તાવ અમારૂં અપમાન : ખેડૂતો
સુપ્રીમના વરિષ્ઠ વકીલોનું ખેડૂતોના આંદોલનને સમર્થન, બેનરો સાથે પ્રદર્શન
ચાર મહિનાનું રાશન સાથે લઇને આવ્યા છીએ, નવા કૃષિ કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી નહીં હટીએ : ખેડૂતો
નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરૂદ્ધમાં દિલ્હીમાં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન વધુ ને વધુ ઉગ્ર બનતું જાય છે. ખેડૂતોની એક જ માગણી છે કે આ કાયદાઓને પરત લેવામાં આવે, જ્યારે સરકાર એમ કરવા તૈયાર નથી અને વાતચીત માટે ખેડૂતોને આમંત્રણ આપી રહી છે. આ સિૃથતિ વચ્ચે હવે ખેડૂતોએ ચીમકી આપી છે કે અમારી માંગો પુરી નહીં થાય તો દિલ્હીના જે પાંચ મુખ્ય પ્રવેશ પોઇન્ટ છે તેને જ બંધ કરી દેવામાં આવશે.
ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે જો ખેડૂતો અમે કહ્યું તે સૃથળ પર વિરોધ પ્રદર્શન માટે જતા રહે તો અમે વાતચીત કરવા માટે પણ તૈયાર છીએ. બીજી તરફ અમિત શાહ અને કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને ખેડૂતોએ ઠુકરાવી દીધો છે અને કહ્યું છે કે કેન્દ્ર સરકાર અમને દિલ્હીના બુરાડી મેદાનમાં જવા માટેનું કહે છે જ્યારે અમને ખ્યાલ છે કે આ બુરાડી મેદાનને સરકારે ખેડૂતો માટેની એક જેલ બનાવીને તૈયાર રાખી છે.
અમે સરકારની માગણીઓ સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતોએ સાથે એવી પણ ચીમકી આપી છે કે અમે દિલ્હીમાંથી ક્યાંય પણ જવાના નથી કેમ કે અમે ચાર મહીનાનું રાશન સાથે લઇને આવ્યા છીએ અને અમારૂ પ્રદર્શન આમ જ શરૂ રાખીશું.
ભારતીય કિસાન યુનિયન ક્રાંતિકારી (પંજાબ) અધ્યક્ષ સુરજીત એસ ફૂલે કહ્યું હતું કે મોદી સરકારે અમારી સાથે વાતચીત માટે જે શરત મુકી છે તે ખેડૂતોનું અપમાન કરનારી છે, અમે ક્યારેય બુરાડીના મેદાનમાં નહીં જઇએ કેમ કે તે મેદાન નહીં પણ એક ખુલ્લી જેલ છે.
હાલ દિલ્હીના સિંધુ અને ટિકરી સરહદ પર હરિયાણા અને પંજાબના ખેડૂતો મોટી સંખ્યામાં ધામા નાખીને પ્રદર્શનો કરી રહ્યા છે. હાલ સિંધુ બોર્ડર પર ખેડૂતો આગળની રણનીતી પર ચર્ચા કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશ ગેટ પર પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ખેડૂતો ઉગ્ર બની ગયા હતા અને બેરીકેડને હટાવી દીધા હતા.
બીજી તરફ ખેડૂતોના આંદોલનને સુપ્રીમ કોર્ટના વકીલો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલોએ દિલ્હી ચલો આંદોલનને યોગ્ય ઠેરવ્યું હતું, સાથે જ સરકારને વિનંતી કરી હતી કે તેઓ ખેડૂતોની કાયદો પરત લઇ લેવાની માગણી સ્વીકારી લે. હાથમાં બેનર સાથે વકીલોએ પ્રદર્શન પણ કર્યું હતું.
ખેડૂતો મામલે શાહ, રાજનાથ, નડ્ડાની મહત્વની બેઠક યોજાઇ
ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આવી સિૃથતિમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાના ઘરે ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ તેમજ કૃષી મંત્રી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા. ખેડૂતોના આંદોલન અને સરકારની આગામી રણનીતી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
હાલ ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટો કરવાની ના પાડી દીધી છે અને કોઇ પણ સંજોગોમાં નવા કૃષી કાયદાને પરત લેવાની માગણી કરી છે. આવી સિૃથતિમાં હાલ જે કૃષી કાયદાનો અમલ કરાયો છે તેને લઇને અને ખેડૂતોની માગણીને લઇને શું કરી શકાય તેની રણનીતી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સરકાર નવા કૃષિ કાયદા તાત્કાલિક પરત લે : કેજરીવાલ
કેન્દ્ર ખેડૂતો સાથે આતંકવાદી જેવું વર્તન કરી રહી છે : વિપક્ષ
સરકાર સત્તાના નશામાં ચુર છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા. 29
ખેડૂતોના સમર્થનમાં અનેક રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે ત્યારે શિવસેનાએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો આતંકવાદી હોય તેવા પ્રકારનું વર્તન કરી રહી છે. જ્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે તાત્કાલીક ખેડૂતોની સાથે વાતચીત કરવી જોઇએ અને તેમની માગોને સ્વીકારીને નવા કૃષી કાયદાઓને પરત લઇ લેવા જોઇએ.
સાથે તેમણે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ખેડૂતોના આંદોલનના સમર્થનમાં છે અને દરેક પ્રકારની મદદ તેમને દિલ્હીમાં કરવામાં આવશે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે દાવો કર્યો હતો કે હરિયાણાના ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં નથી જોડાયા.
જોકે તેમના આ નિવેદનનો કોંગ્રેસના નેતા ભૂપિંદરસિંહ હુડ્ડએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ખટ્ટર હળાહળ જુઠ બોલી રહ્યા છે. પંજાબની સાથે હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતો આ આંદોલનમાં સાથે છે.
હરિયાણા સરકારે ખેડૂતો પર વોટર કેનનો મારો ચલાવ્યો હતો. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે ખેડૂતોના બદલે અંબાણી, અદાણીની આવક બમણી કરી નાખી. મોદી કૃષી કાયદાઓના વખાણ કરી રહ્યા છે જે દર્શાવે છે કે આ સરકાર સંપૂર્ણપણે ઘમંડમાં આવી ગઇ છે અને સત્તાના નશામાં ચુક છે.
Comments
Post a Comment