પાટનગર દિલ્હીમાં ખેડૂતોનું હલ્લા બોલ, કેટલાક માર્ગો ટ્રાફિક માટે બંધ કરવા પડ્યા
- પોલીસ ડ્રોન દ્વારા નજર રાખી રહી હતી
નવી દિલ્હી તા.26 નવેંબર 2020 ગુરૂવાર
કેન્દ્ર સરકારે ઘડેલા ખેતીને લગતા ત્રણ નવા કાયદાની વિરુદ્ધ પંજાબ, હરિયાણા અને ચંડીગઢ ખેડૂતો દ્વારા છેલ્લા મહિના દોઢ મહિનાથી ચાલી રહેલા આંદોલનનો હજુ અંત આવ્યો નથી.
આજે કારતકી એકાદશી એટલે કે દેવદિવાળીના સપરમા દિવસે દિલ્હીમાં હજારો ખેડૂતોએ હલ્લા બોલ કર્યું હતું. વહેલી સવારથી ખેડૂતો દિલ્હીમાં આવવા લાગ્યા હતા. હાડ ધ્રૂજાવે એવી ઠંડી અને ભારે પ્રદૂષણ પણ એમને અટકાવી શક્યા નહોતાં.
ભીડ એટલી બધી હતી કે પોલીસે કેટલાક માર્ગો ટ્રાફિક માટે બંધ કરી દેવા પડ્યા હતા. પરિસ્થિતિ કાબુ બનહાર ન જાય એટલા માટે પોલીસ ડ્રોન દ્વારા આ વિશાળ મોરચા પર નજર રાખી રહી હતી. મોદી સરકારે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરી દીધું હતું કે આ કાયદા પાછા નહીં ખેંચાય. આ કાયદા ખેડૂતોના હિતમાં ઘડવામાં આવ્યા છે.
રસપ્રદ વાત એ છે કે પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાંજ વિરોધી સૂર બોલકો છે. અગાઉ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા પરંતુ હાલ એ લોકો આંદોલનથી દૂર હોય એવી છાપ પડતી હતી.
વધુ લોકોને દિલ્હી તરફ આવતાં રોકવા પોલીસે દિલ્હીમાં પ્રવેશવાના તમામ માર્ગો પર મોટી પોલીસ ટુકડીઓ ગોઠવી દીધી હતી. આખુંય દિલ્હી એક જોતાં પોલીસ છાવણી જેવું લાગતું હતું.
Comments
Post a Comment