ચીનનો સામનો કરવા ભારતની તૈયારી, લદ્દાખમાં લગાવાશે 134 સેટેલાઈટ ફોન ટર્મિનલ


લદ્દાખ, તા. 27 જૂન 2020, શનિવાર

ભારતીય સેના લદ્દાખમાં ચીનની દરેક ચાલનો જવાબ આપવા તૈયાર છે જેથી ચીન જો કોઈ અવળચંડાઈ કરે તો તેને પાઠ ભણાવી શકાય. ભારતની તૈયારીઓ માત્ર ગોળા બારૂદ અને હથિયારોની તૈનાતી પૂરતી જ સીમિત નથી પરંતુ ભારત હવે લદ્દાખમાં સરહદના તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં સંચારના માધ્યમો ફિટ કરવામાં લાગ્યું છે. 

ભારતનું આ અભિયાન પણ સૈન્ય તૈયારીઓ જેવું જ છે. લદ્દાખના સરહદી ગામોમાં સંચાર સુવિધાઓ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે લદ્દાખમાં 134 ડિજિટલ સેટેલાઈટ ફોન ટર્મિનલ સ્થાપિત કરવાની યોજના બનાવી છે.

લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંજીએ જણાવ્યું કે લદ્દાખના 57 ગામોમાં સંચાર તંત્રને ઝડપથી મજબૂત બનાવવામાં આવશે. તે માટે આઠ વર્ષથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. હાલ લેહ માટે 24 મોબાઈલ ટાવરની મંજૂરી મળી છે પરંતુ હજુ વધુ 25 મોબાઈલ ટાવરની જરૂર છે. 

સમગ્ર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી માટે 336.89 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જો ફક્ત લદ્દાખની વાત કરીએ તો તેના માટે 57.4 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. તેનાથી જમ્મુ કાશ્મીરના અનેક ગામોમાં પણ લોકો ફોન સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.

લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઈટ ફોન કનેક્શન મળ્યું છે તેમાં ગાલવાન ઘાટી, દોલત બેગ ઓલ્ડી, હોટ સ્પ્રિંગ્સ, ચુશૂલનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારો વાસ્તવિક નિયંત્રણ રેખાને અડીને આવેલા છે. 

ગાલવાન ઘાટી ખાતે તાજેતરમાં જ ચીન સાથે સંઘર્ષ થયો હતો જ્યારે દોલત બેગ ઓલ્ડી ખાતે ભારતીય સૈન્યનું મથક આવેલું છે. ઘણાં લાંબા સમયથી આ સ્થળે સંચાર વ્યવસ્થાને દુરસ્ત કરવાની માંગ ચાલી રહી હતી. લદ્દાખના એક્ઝિક્યુટિવ કાઉન્સિલર કુનચોક સ્ટાંજીએ જણાવ્યું કે ચીને પોતાની સરહદમાં ફોન નેટવર્કનો વિસ્તાર કર્યો છે. તેમના ત્યાં નેટવર્કની સ્થિતિ સારી છે.

ભારતે પણ હવે તે દિશામાં કામ કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિના કારણે દરેક ગામમાં એક મોબાઈલ ટાવરની જરૂર પડે છે. આ કારણે અહીં હજુ વધુ ટાવરની જરૂર છે. સરહદને અડીને આવેલા અનેક ગામોમાં હજુ પણ નેટવર્કની સમસ્યા છે. આશા છે કે નવા મોબાઈલ નેટવર્કથી અહીંના લોકોની સમસ્યા દૂર થઈ શકશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો