દિલ્હીની વાત : મોદી એનએસસીની બેઠક કેમ નથી બોલાવતા ?


મોદી એનએસસીની બેઠક કેમ નથી બોલાવતા ?

નવી દિલ્હી, તા.29 જૂન 2020, સોમવાર

ચીન સાથે તણાવ વધતો જાય છે છતાં નરેન્દ્ર મોદી નેશનલ સીક્યુરિટી કાઉન્સિલ (એનએસસી)ની ખાસ બેઠક કેમ બોલાવતા નથી એવો સવાલ ઉભો થયો છે. એનએસસી દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક મુદ્દે પીએમઓને સલાહ આપવા માટે સર્વોચ્ચ સંસ્થા છે. ચીન સાથે યુધ્ધ જેવો માહોલ છે ત્યારે એનએસસીની ભૂમિકા અત્યંત મહત્વની છે પણ મોદી તેની બેઠક બોલાવવાનું ગમે તે કારણોસર ટાળી રહ્યા છે.

સંરક્ષણ નિષ્ણાતો મોદીના આ વલણ સામે આઘાત વ્યક્ત કરી રહ્યા છે. પુલવામામાં આતંકવાદી હુમલાના કારણે દેશની સુરક્ષા સામે સીધો કોઈ ખતરો નહોતો છતાં મોદીએ એનએસસીની બેઠક બોલાવી હતી. ચીનની હરકતોના કારણે તો દેશની સુરક્ષા સામે સીધો ખતરો હોવા છતાં મોદી ચૂપ છે એ આશ્ચર્યજનક છે.  મોદીએ એનએસસીને મોદીએ શોભાના ગાંઠિયા જેવી બનાવી દીધી છે એવી ટીકાઓ થઈ રહી છે.

નિષ્ણાતોના મતે, મોદી ચીન મુદ્દે ગણતરીના લોકોની સલાહને અનુસરીને ચાલી રહ્યા છે એ દેશ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

ગડકરી-નિર્મલા વચ્ચે ચીનથી આયાત મુદ્દે ચકમક

નીતિન ગડકરી અને નિર્મલા સીતારામન ફરી સામસામે આવી ગયાં છે. ચીને ગલવાન ખીણમાં કરેલા હુમલાના પગલે દેશભરમાં ચીન સામે આક્રોશ છે. ચીન સામે આથક પગલાંની માગ જોરશોરથી થઈ રહી છે. લોકોના આક્રોશને કારણે ભારત સરકારે ચીનનાં બંદરોથી થતી આયાતને રોકી દીધી છે. તેના કારણે ભારત આવનારાં સંખ્યાબંધ જહાજ ચીનનાં બંદર પર ભરેલા સામાન સાથે પડી રહ્યાં છે.

ગડકરીએ આ સામાનને ભારત આવવાની મંજૂરી આપવા નિર્મલા અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલને પત્ર લખ્યો છે. ગડકરીએ ચીમકી પણ આપી છે કે, આ રીતે સામાન રોકી રાખવાથી ભારતને જ નુકસાન થઈ રહ્યું છે કેમ કે ભારતના નાના-મધ્યમ ઉદ્યોગોમાં કાચા માલની અછત વર્તાઈ રહી છે.

સત્તાવાર સૂત્રોના મતે, નિર્મલાએ ગડકરીને આ મુદ્દે મોદી સાથે વાત કરવા કહેતાં ગડકરી ભડક્યા છે. નિર્મલાને તેમણે સત્તાવાર રીતે ચીનથી આયાત થતા માલ પર પ્રતિબંધ મૂકી દેવા પડકાર ફેંક્યો છે. હવે પછીની કેબિનેટની બેઠકમાં ગડકરી આ મુદ્દો મોદી સામે ઉઠાવશે. 

ભાજપ નેતાની કેજરીવાલ સામે અશ્લીલ ટીપ્પણી

અમિત શાહે કોરોનાના મુદ્દે દેશમાં કોઈ રાજકારણ નથી રમાતું એવું કહ્યું તેના એક દિવસ પછી જ ભાજપના બિહારના સાંસદ ગોપીલજી ઠાકુરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઠાકુર, અરવિંદ કેજરીવાલ માટે અત્યંત અશ્લીલ અને અપમાનજનક ભાષા વાપરતા સંભળાય છે.

કેજરીવાલે દિલ્હીની હોસ્પિટલોમાં બહારનાં રાજ્યોનાં લોકોને સારવાર નહી મળે એવો આદેશ આપ્યો હતો. ઠાકુરે ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વર્ચ્યુઅલ રેલીમાં આ ટીપ્પણીઓ કરી હતી છતાં ભાજપના કોઈ નેતાએ તેમને રોક્યા પણ નહીં કે ટોક્યા પણ નહીં. વાયરલ થયેલા આ વીડિયોને પગલે લોકો ભાજપ સામે આક્રોશ ઠાલવી રહ્યા છે.

ચીફ જસ્ટિસે પોતે જ કાયદો ના પાળતાં ટીકા

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરના કારણે વિવાદમાં સપડાયા છે. આ તસવીરમાં ચીફ જસ્ટિસ મોંઘીદાટ હાર્લી ડેવિડસન બાઈક પર બેઠેલા દેખાય છે પણ ચીફ જસ્ટિસે ના તો મોંઢે માસ્ક પહેર્યો છે કે ના તો હેલ્મેટ પહેરી છે. ચીફ જસ્ટિસની આસપાસ ઉભેલા તેમના સુરક્ષા કર્મચારીઓ અને પોલીસ મોંઢે માસ્ક પહેરીને ઉભા છે ત્યારે ચીફ જસ્ટિસ માસ્ક પહેર્યા વિના સ્ટાઈલમાં બાઈક પર બેઠા છે.

ચીફ જસ્ટિસના આ 'કૂલ લૂક'ને લોકોએ વખાણ્યો પણ સાથે સાથે એવી ટીકાઓનો મારો પણ ચાલ્યો છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની જવાબદારી સામાન્ય લોકોની જ છે ? દેશમાં કાયદો માત્ર સામાન્ય પ્રજાજનો માટે જ છે, ચીફ જસ્ટિસ માટે નહીં ? કેટલાકે એવી કોમેન્ટ પણ કરી કે, ચીફ જસ્ટિસનો આ અંદાજ ભલે 'કૂલ' હોય પણ તેના કારણે 'કૂલ મેસેજ' નથી જતો. ચીફ જસ્ટિસ નાગપુરમાં પોતાના નિવાસસ્થાને હતા ત્યારની આ તસવીર છે.

શિવરાજને ખસેડવાની વાતો, ખોદ્યો ડુંગર નિકળ્યો ઉંદર

મધ્ય પ્રદેશના ગૃહ અને આરોગ્ય મંત્રી નરોત્તમ મિશ્રાને સોમવારે બપોર પછી અચાનક જ દિલ્હી બોલાવાતાં એવી અટકળો તેજ બની કે, ભાજપ નેતૃત્વ પરિવર્તન કરશે. અમિત શાહ શિવરાજસિંહને ખસેડીને મિશ્રાને મુખ્યમંત્રીપદે બેસાડવા માગે છે એવી વાતો જોરશોરથી શરૂ થતાં ભાજપના નેતાઓનો ફોન રણકવા માંડયા હતા.

જો કે સાંજે ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવી હાલત થઈ ગઈ. વાસ્તવમાં મિશ્રાને કોરોનાની સ્થિતી અંગે ચર્ચા કરવા દિલ્હી બોલાવાયા હતા. શિવરાજસિંહ અને પ્રદેશ પ્રમુખ વી.ડી. શર્મા કેબિનેટ વિસ્તરણની ચર્ચા કરવા રવિવારથી દિલ્હીમાં જ છે. શિવરાજ સાંજે મોદીને મળવાના હતા. મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે તેથી ચિંતામાં પડેલા મોદીએ કોરોના અંગે ચર્ચા કરવાનો મુદ્દો બેઠકમાં ઉમેર્યો. શિવરાજે મિશ્રાને તાબડતોબ દિલ્હી બોલાવી લીધા કે જેથી આરોગ્ય વિભાગની કામગીરી અંગે સંપૂર્ણ રીપોર્ટ આપી શકાય. આ ઉપરાંત બુધવારથી અનલોક ૨ અમલમાં આવશે ત્યારે મધ્ય પ્રદેશની વ્યૂહરચના શું હશે તેની માહિતી પણ મોદીને આપી શકાય એ માટે મિશ્રાને બોલાવાયા હતા પણ વાતનું વતેસર થઈ ગયું.

બારૂને ઓનલાઈન દારૂ ખરીદવા જતાં ચૂનો લાગી ગયો

દિલ્હીના સ્પીકર પછી હવે ડો. મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા સંજય બારૂ ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે. બારૂએ ઓનલાઈન દારૂ મંગાવવા માટે સર્ચ કરતાં એક વેબસાઈટનો નંબર મળ્યો હતો. બારૂએ ફોન કરીને ૨૪ હજાર રૂપિયાના દારૂનો ઓર્ડર આપ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું.

ફોન લેનારે કહેલા સમયે દારૂની ડીલિવરી ના મળતાં બારૂએ ફોન કરતાં ફોન બંધ આવ્યો હતો. વારંવાર ફોન કરવા છતાં ફોન બંધ આવતાં તેમને ચીટિંગ થયાનો અહેસાસ થયો હતો. તેમણે તરત પોલીસને જાણ કરતાં પોલીસે મોબાઈલ નંબરના આધારે તરત ઠગને ઝડપી લીધો. ઠગ એક ટેક્સી ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું છે. બારૂ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' બુક દ્વારા પ્રસિધ્ધિમાં આવ્યા હતા. મનમોહન સોનિયાની કઠપૂતળી તરીકે વર્તતા હતા એવા આક્ષેપો તેમણે આ પુસ્તકમાં કર્યા હતા. તેના પરથી ફિલ્મ પણ બની હતી જે બહુ ચાલી નહોતી. બારૂ મનમોહનના મિત્રના પુત્ર હોવા છતાં તેમણે લખેલા પુસ્તકે ભારે વિવાદ જગાવ્યો હતો. 

* * *

લોકડાઉનના કારણે 51 હજાર સર્જરી રદ કરવી પડી હતી

આખા ભારતની કેન્સર હોસ્પિટલોના આંકડા દર્શાવે છે કે ૨૦૧૯માં કોરોનામહામારીના કારણે કેન્સરની ૫૧,૦૦૦ સર્જરીને રદ કરવી પડી હતી.માર્ચના અંતથી લઇ મેના અંત સુધીમાં ઓછામાં ઓછા ૫૧૦૦૦ લાઇફ સેવિંગ સર્જરીને રદ કરાઇ હતી. સર્જરીના નેટવર્કના  સંશોધનના અંદાજ મુજબ,૨૦૧૬માં કેન્સરના કારણે ૮૧૩૦૦ લોકો માર્યા ગયા હતા.'કેન્સરના દર્દીઓને કોરોનાની મહામારી જલદી લાગુ પડી શકે છે, કારણ કે તેમને વહેલી સારવારની જરૂર હોય છે'એમ જાણીતા કેન્સરના સર્જન ડોકટર હરિત ચતુર્વેદીએ કહ્યું હતું.

શિમલામાં રહેતા ચીની સમુદાયે શાંતિની અપીલ કરી

પર્વતીય શહેર શિમલામાં રહેતા ચાઇનીઝ સમુદાયના લોકોએ કહે છએ કે  તેમને ભારતીય કહેવામાં ગૌરવ છે અને ભારત-ચીન વચ્ચે વહેલી તકે શાંતિની તેમણે અપીલ કરી હતી.ચીની મૂળના ભારતીય નાહરિક જોને કહ્યું હતું કે 'તેમનો પરિવાર ચીની કરતાં ભારતીય વધારે માને છે.શિમલા જેવા સુંદર શહેરનો એક નાગરિક હોવા બદલ મને ખુબ આનંદ થાય છે'જોન ખુબ જ સારી રીતે અંગ્રેજી અને હિન્દી બોલી શકે છે.

તેમના કહેવા મુજબ અહીંના ગ્રાહકો તેમને અને તેમના પરિવારને ખુબ ચાહે છે.છેક પચાસના દાયકાથી તેઓ શિમલામાં જુતા વેચવાનો ધંધો કરે છે. 'તાજેતરમાં ભારત અને ચીની સેના વચ્ચે સરહદે જે કંઇ થયું હતું તેનાથી સ્થાનિકોમાં અમારા  પ્રત્યે કોઇ જ નફરત પેદા થઇ નથી. મને લાગે છે અને આશા કરૂં છું કે ભારત અને ચીન વચ્ચે સંબધો મધુર બને અને આ મુદ્દા પર રાજકારણ ના થાય'એમ જોને કહ્યું હતું.

ભુખ કરતાં તો કોરોનાવાઇરસ સારો

ભારત કોવિડ-૧૯ની મહામારીનો સામનો કરી રહ્ય્યું છે ત્યારે લોકડાઉનના કારણે પોતાના ગામડાઓમાં પરત ફરેલા ૩૦ લાખ ઉપરાંત પ્રવાસી મજુરો હવે તેમના કામ પર પાછા ફરી રહ્યા છે.મોટા ભાગના મજુરો ગોરખપુર તરફ જઇ રહ્યા હતા જ્યાંથી ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય જગ્યા માટે ટ્રેનોની વ્યવસ્થા કરાઇ હતી.'મુંબઇના મારો જંગી સીલાઇ કારખાનામાં હજુ તાળા પડયા છે.જો ઉત્તર પ્રદેશમાં રોજી મળે તો હું ક્યારે પણ યુપીને ના છોડું.મારી કંપનીએ હજુ કામની શરૂઆત કરી નથી, પરંતુ હું તો પાછો જઇશ અને જે પણ કામ મળે તે કરીશ.

ભુખ કરતાં તો કોરોનાની બિમારી સારી. કોરોનાના કારણે મારા બાળકો મરી જાય એના કરતાં તો હું મરી જાંઉ એ જ સારૂં છે'એમ એક મજુર અન્સારીએ કહ્યું હતું.એવી જ રીતે કોલકાતાની એક કંપનીમાં ઇલેકટ્રિકનું કામ કરતા પ્રસાદ નામના મજુરે કહ્યું હતું કે તે હોળી માટે ઘરે આવ્યો હતો, પરંતુ લોકડાઉનના કારણે ફસાઇ ગયો હતો.તે જ્યાં કામ કરતો હતો તે ફેકટરી ખુલી ગઇ છે અને તે કોલકાતા પાછો જશે કે જેથી તેના પરિવાર અને પાંચ બાળકોનું ભરણપોષણ કરી શકે.' મને ડર લાગે છે, પણ અહીંયા રહેતા પણ મને ડર લાગે છે. કેવી રીતે મારા બાળકોને ખવડાવીશ'એમ પ્રસાદે કહ્યું હતું.

ઉદ્યોગપતિઓ મજુરોને પાછા બોલાવવા વિમાનની ટિકિટો મોકલે છે

લોકડાઉનના કારણે પોતાના ઘરે પહોંચી ગયેલા મજુરોની કારણે કુશળ કારીગરોની અછત સર્જાતા હરિયાણાના કેટલાક ઉદ્યોગપતિઓએ તેમને પરત બોલાવવા આકર્ષક યોજનાઓ બનાવી રહ્યા છે. 

એવી પણ અહેવાલ મળ્યા હતા કે કરનાલના કેટલાક ઉદ્યોગપતિઓએ તેમના કુશળ કારીગરોને પરત બોલાવવા એર ટિકિટોની ઓફર કરે છે.કુટેલના એક માલીક ગૌરવ ભાટિયાએ  કહ્યું હતું કે 'મારે ચોખાની નિકાસ કરવાની છે અને વધુ કારીગરો જો નહીં હોય તો હું આ કરારને પુરો કરી શકીશ નહીં.મારા કારીગરો પશ્ચિમ બંગાળ પરત ફરી ગયા હતા. પણ મેં એમને બોલાવવા માટે વિમાનની ટિકિટોની વ્યવસ્થા કરી છે'એમ ગયા મહિને જ આંશિંક રીતે ફેકટરી શરૂ કરનાર ભાટિયાએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો