હિમલર: યોગપ્રેમી અને ગીતાપ્રેમી રાક્ષસ
- જર્મનીમાં સૌપ્રથમ યોગશાળા એક રશિયને શરૂ કરેલી, જે બીજા વિશ્વયુદ્ધ સુધી કાર્યરત હતી
- રાવણ અને દૂર્યોધનની જેમ હિમલર પણ ધર્મ જાણતો હતો અને તેણે જ લાખો યહૂદીઓની કતલ કરાવી
- નાઝીઓને યોગ તરફ વાળવા એવી વાર્તા ઘડાયેલી કે યોગ મૂળે યુરોપનો છે અને ત્યાંથી ભારત પહોંચેલો
નાસ્તિક હોય એ બધા ખરાબ અને આસ્તિક હોય એ બધા સારા એવું અર્થઘટન ક્યારેય કરી શકાય નહીં. ધર્મમાં ગળાડૂબ રહેનારા લોકો પણ દુષ્ટ હોય શકે છે. રાવણ અને દુર્યોધન તેના પ્રાચીન ઉદાહરણ છે તો હિમલર તેનું આધુનિક ઉદાહરણ. હીટલરના શાસનમાં તેના પછી સૌથી શક્તિશાળી નેતા રહેલો હીમલર યોગનો સમર્થક હતો, ભગવદ્ ગીતા વાંચતો. તેમ છતાં લાખો યહૂદીઓની કતલમાં ભાગીદાર બન્યો. ઘોર પાપ આચરવામાં તેનું રુવાડુંય ફરક્યું નહીં. આપણી આસપાસ આવા કેટલાય કથિત ધાર્મિકો હોય શકે છે. તેમને ઓળખવા માટે હિમલરને ઓળખવો જરૂરી છે.
ભગવદ્ ગીતાનો જર્મન ભાષામાં સૌ પ્રથમ અનુવાદ સાલ ૧૮૨૩માં થયેલો. બોન વિશ્વ વિદ્યાલયમાં ઇન્ડોલોજી ભણાવતા પ્રોફેસર આઉગુસ્ત વિલહેલ્મ સ્લેગલે આ સાહસ ખેડેલું. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગ સાધના પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેના થકી જર્મનીના વિદ્વાનો, ચિંતકો અને ધર્મશાસ્ત્રીઓ યોગ શબ્દથી પરિચિત બન્યા. યોગ શબ્દ વિશે જાણ્યા બાદ યોગાભ્યાસથી પરિચિત થવામાં જર્મનોને પૂરી એક સદી લાગી. સાલ ૧૯૨૧માં રાજધાની બર્લિનમાં પહેલી યોગ શાળા ઊઘડી. બોરિસ સખારોવ નામના ૨૨ વર્ષના યુવાને બર્લિનના બુમ્બોલ્ટ રોડ પર શાળા શરૂ કરી. તે મૂળ રશિયાનો હતો. બર્લિનની કોલેજમાં ગણિત અને ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યો હતો. ઓક્ટોબર ક્રાંતિ દરમિયાન રશિયન કમ્યુનિસ્ટોએ તેની સંપત્તિ જપ્ત કરી તેના માતાપિતાની હત્યા કરી નાખેલી. ૧૯૧૯માં તે ભાગીને જર્મની આવી ગયો.
ત્યાં તેણે શરૂ કરેલી સ્કૂલ આખા યુરોપની સૌથી પહેલી યોગશાળા હતી. સ્કૂલનું નામ રાખેલું ભારતીય શારીરિક વ્યાયામ સ્કૂલ. નામમાં ક્યાંય યોગ શબ્દનો પ્રયોગ કરેલો નહોતો. કારણ કે યોગ એટલે શું તેની આમ જર્મનને ખબર જ નહોતી. તે પુસ્તકો અને તેમાં છપાયેલા ચિત્રોની મદદથી યોગાસન શીખેલો. બાદમાં હોલેન્ડની યાત્રા પર આવેલા ભારતીય દાર્શનિક જીદ્દુ કૃષ્ણમૂર્તિને મળ્યો. એ જ જમાનાના સુખ્યાત યોગગુરુ સ્વામી શિવાનંદ સરસ્વતીનો શિષ્ય બન્યો.
૧૯૩૩માં હીટલર સત્તારૂઢ બન્યા બાદ જર્મનીમાં અંધરાષ્ટ્રવાદનું વાવાઝોડું ફુંકાયું. સદ્દભાગ્યે સખારોવની સ્કૂલને વાંધો આવ્યો નહીં. કદાચ એટલા માટે કેમ કે હીટલરની સરકારનું યોગ પ્રત્યે કૂણું વલણ હતું. ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પરાસ્ત થયું ત્યાં સુધી તેની સ્કૂલ ચાલતી રહી. ભારત વિશે હીટલરના વિચાર બહુ જ બકવાસ હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝને તેણે એવું કહેલું, ભારતના લોકો માખી પણ મારી શકતા નથી. આથી તેમને આઝાદી લાયક બનવામાં હજી કમસેકમ ૧૫૦ વર્ષ લાગશે. હીટલરના ડેપ્યુટી હિમલર હાઇનરીશને યોગમાં ખૂબ રુચિ હતી. તે નાઝી સરકારની સુરક્ષા સ્કોડ્રનનો વડો હતો. તમે તેને હોમ મિનિસ્ટર પણ કહી શકો. હીટલરનું અંગરક્ષક દળ નાઝી પોલીસ ગેસ્ટાપો વાપન (હથિયારબંધ સુરક્ષા કર્મીઓ) યાતના શિબિરો, દેશની ભઠ્ઠીવાળી મૃત્યુ શિબિરો આ બધું તેની અંતર્ગત આવતું હતું. તે કેથલિક ખ્રીસ્તી હતો. રહસ્યવાદ અને તંત્ર-મંત્રમાં પણ ઊંડો રસ ધરાવતો હતો. તે સમયના જર્મન ચિંતકો અને સાહિત્યકારોને ભારતીય દર્શનમાં ભારે રસ પડયો હતો. તેમની રચનાઓમાં પણ ભારતીય દર્શન ઝીલાયું. ૨૦મી સદીના જર્મન ચિંતકો ભગવદ્ ગીતા, તેના ઉપદેશો અને ભારતીય તત્ત્વ દર્શન પર જાહેર ચર્ચાઓ કરવા લાગ્યા. ૨૦૧૧માં એક પુસ્તક પ્રકાશિત થયું હતું નાઝી કાળમાં યોગ. તેના લેખક મથિયાસ ટીટકે જણાવે છે કે, હાઇનરીશ હિમલર જર્મન સાહિત્યકારો અને ચિંતકોમાં યોગ વિશે ચાલતી ચર્ચાઓથી સુપેરે પરિચિત હતો. નાદયોગની સાધનાથી જ્ઞાાન પ્રાપ્તિના વિષયમાં તેને વિશેષ રુચિ હતી. અનેક જર્મનો હતા જે યોગસાધના કરીને તન અને મનને ઉન્નત કરવા માગતા હતા. જર્મનીના દક્ષિણપંથી રાષ્ટ્રવાદી નેતાઓ પણ યોગાભ્યાસના સમર્થક હતા. જો કે આ વિશેના તેમના વિચારો બાલિશ હતા. તેઓ યોગ દ્વારા જર્મન રાષ્ટ્રને ઔર ઊંચી નસલનું રાષ્ટ્ર બનાવવા માગતા હતા. યોગાભ્યાસમાં અને નસલ અપગ્રેડેશનમાં જો કોઇ અવરોધ હોય તો તે યોગનું ભારતીય હોવું. જર્મન શ્રેષ્ઠતાના પૂજારીઓની ફરિયાદ હતી કે તેમના પરંપરાગત રીતિરિવાજોનો યોગ સાથે મેળ બેસતો નથી. વળી ભારતનો યોગ શીખવામાં તેમનો અહમ ઘવાતો હતો. એકબાજુ તેઓ શ્રેષ્ઠતાનો દાવો કરે અને બીજીબાજુ ભારત પાસેથી યોગ શીખે આ વિરોધાભાસ તેને કઠતો હતો. આથી તેમણે નવો રસ્તો શોધ્યો. તેઓ એવો દાવો કરવા લાગ્યા કે યોગનું ઉદ્ગમસ્થાન ઉત્તર યુરોપ છે. ઉત્તર યુરોપના નિવાસીઓએ યોગની શોધ કરી છે ત્યાંથી તે ભારત ગયો અને ત્યાંથી ફરી યુરોપ આવી રહ્યો છે. આથી યોગ શીખવામાં કશું ખોટું નથી. તે ફરી પાછો ત્યાં જ આવ્યો છે જ્યાં ઉત્પન્ન થયો હતો.
પ્રોફેસર વિલહેલ્મ જેવા ભ્રષ્ટ બૌદ્ધિકો યોગનો ઉદ્દભવ યુરોપમાં થયો હોવાની વાર્તાઓ બનાવવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે વેદની રચના ભારોપીય લોકોએ કરી છે. ભારોપીય એટલે ભારતીય યુરોપીયન. મૂળે યુરોપથી ભારત આવેલા આર્યો. તેઓ એવો દાવો કરવા લાગ્યા કે યોગનો ઉદ્દભવ સ્કેન્ડેનેવિયન રાષ્ટ્રોમાં થયો છે. આવી ખોટી વાર્તા સંભળાવાયા પછી યોગ શીખવામાં જર્મનોના અહંકારને ઠેસ પહોંચવાપણું રહ્યું નહીં. તેમ છતાં તેઓ શીખી શક્યા નહીં એ અલગ વાત છે.
અનેક ખોટી બાળાગોળી પીવડાવ્યા બાદ પણ જર્મનીની આમજનતાને યોગમાં રસ પડયો નહીં. (આજની વાત નથી, ત્યારની વાત છે.) તેનાથી વિપરીત હિમલરને રસ પડવાનું બીજું જ કારણ છે. તેને કાયમ પેટમાં દુ:ખાવો રહેતો હતો. વારંવાર આંટી પડી જતી હતી. અનેક દવા કરાવી પણ કોઇ રાહત થઇ નહીં. ૧૯૩૯માં તેનો ભેટો ફિઝિયોથેરાપીસ્ટ ફેલીક્સ કેસ્ટર્ન સાથે થયો. ફેલિક્સ મૂળે જર્મનીના પણ વર્ષોથી ફિનલેન્ડમાં વસતા હતા. ત્યાંના જ નાગરિક બની ગયેલા. ૧૯૫૦ના દાયકામાં એક રેડિયો કાર્યક્રમમાં તેમણે સંસ્મરણો વાગોળ્યાં. ૧૯૧૭થી ૧૯૧૯ દરમ્યાન હું ફિનલેન્ડનો સ્વાતંત્ર્ય સંગ્રામ લડેલો. તેમાં ગંભીરરૂપે ઘાયલ થયેલો.
ચાલવા માટે કાંખઘોડીનો સહારો લેવો પડતો. ૧૯૨૨માં બર્લિન આવી ગયો. અહીં મારો પરિચય ચીનના એક ડોકટર સાથે થયો. તેમણે મને પૂર્વની ચિકિત્સા પદ્ધતિની સમજણ આપી, તાલિમ પણ આપી. તેમણે મને શીખવ્યું કે ઉપચાર જ્યાં દુ:ખાવો થતો હોય ત્યાં નહીં, જ્યાં સ્નાયુકેન્દ્ર હોય ત્યાં કરવાનો હોય છે. તેને એક્યુપ્રેશર કહે છે. કેસ્ટર્ને એક્યુપ્રેશરથી સારવાર શરૂ કરતાં તેની પાસે દર્દીઓનું કિડીયારું ઉભરાવા લાગ્યું. આ વાત માર્ચ ૧૯૩૯માં હિમલરના કાન સુધી પહોંચી. જે ગતિથી કેસ્ટર્નની ખ્યાતિ તેની પાસે પહોંચી હતી એ જ ગતિથી તે કેસ્ટર્ન પાસે પહોંચ્યો. તેના માલિશથી બહુ જ રાહત થઇ. બંને એકબીજાની નજીક આવી ગયા.
બીજીબાજુ હીમલરે નવેમ્બર ૧૯૩૮થી યહૂદીઓને યાતના શિબિરમાં ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ. ૧ ડીસેમ્બર ૧૯૩૯ના રોજ હીટલરે પોલેન્ડ પર અચાનક આક્રમણ કરી દેતા બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. આ પરિસ્થિતિમાં હિમલરને કેસ્ટર્નની વધારે જરૂર પડવા લાગી. કેસ્ટર્ને જોયું કે હિમલર નિયમિત ગીતા અભ્યાસ કરતો. આ વિશે તેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે, હિમલરની અંતરાત્મા તેને ડંખવા લાગી હતી. પોતાના પાપને જસ્ટીફાય કરવા તે કોઇ આધ્યાત્મિક આધાર શોધવા લાગ્યો હતો. પોતે જે કરી રહ્યો હતો તેના અપરાધ બોધમાંથી તેને મુક્ત થવું હતું.
તે જર્મન પ્રજાને ક્ષત્રિય જેવી શૂરવીર બનાવવા માગતો હતો પણ તેના જેવી નીતિવાન અને અન્ય માટે મરી ફીટવાની ભાવના રાખનારી બનાવવાનું ભૂલી ગયો. તેણે ૪ ઓકટોબર ૧૯૪૩ના રોજ સુરક્ષા સ્ક્વોડ્રનના અફસરોને કહ્યું આપણને મારી નાખવા માગતી પોલીશ જનતાને મારવાનો આપણને નૈતિક અધિકાર છે અને આપણું કર્તવ્ય પણ છે. ધર્મની ઓથ લઇને કત્લેઆમ કરનારા ઓસામા બિન લાદેન કે અબુ બકર અલ બગદાદીથી તે જરાય અલગ નહોતો. તે હીટલરની નાઝીવાદી વિચારધારાનું સૌથી નિર્દય અને સૌથી નૃશંસ રૂપ હતો. સુરક્ષા સ્ક્વોડ્રનના યોદ્ધાઓને તે ક્ષત્રિય કહેતો. તે એ ભૂલી ગયેલો કે ક્ષત્રિયો ક્યારેય નિર્દોષને મારતા નથી, તેમની રક્ષા કરે છે અને જરૂર પડે તો તેમની રક્ષા કાજે પોતાના પ્રાણ પણ ન્યોચ્છાવર કરી દે છે.
હીટલરના અન્ય અધિકારીઓમાં તેનો છુપો વિરોધ હતો. આથી જ તે પોતાના કથિત ગીતાપ્રેમ અને યોગપ્રેમને જાહેરમાં વ્યક્ત કરી શકતો નહોતો. જે વાત તે જાહેરમાં વ્યક્ત ન કરી શકતો તે ફેલીક્સને કહેતો. સ્વસ્થ થયા બાદ તે ફેલીક્સને કશું કહેતો નહીં. માત્ર બીમાર હોય ત્યારે જ ઊભરો ઠાલવતો. તેના ચરિત્રનો વિરોધાભાસ જુઓ, એકબાજુ ગીતાપ્રેમ અને બીજીબાજુ યહૂદીઓની હત્યા. હિમલર વિશેની કેટલીક બાતમી કેસ્ટર્ને વિશ્વ યહૂદી કોંગ્રેસના કાન સુધી પહોંચાડી, બીજા વિશ્વ યુદ્ધના અંતિમ દિવસોમાં અંદાજે ૬૦ હજાર યહૂદીઓનો જીવ બચાવેલો.
જર્મનીનો પરાજ્ય નિશ્ચિત થઇ જતાં હિમલર હીટલર વિરોધી પશ્ચિમી રાષ્ટ્રોના સંગઠનનો સંપર્ક કરવા માંડયો. તે કોઇ સમજૂતિ કરીને પોતાનો જીવ બચાવવા માગતો હતો. હીટલરને આ વિશે જાણ થતાં તેણે હિમલરને દેશદ્રોહી ઘોષિત કરી પોતાના પક્ષમાંથી હાંકી કાઢ્યો અને બીજા દિવસે એટલે કે ૩૦મી એપ્રિલ ૧૯૪૫ના રોજ અન્ડરગ્રાઉન્ડ બંકરમાં આત્મહત્યા કરી લીધી. આ બાજુ સુરક્ષા સ્ક્વોડ્રન કમાન્ડર હિમલરને છોડીને જતા રહ્યા. મિત્ર રાષ્ટ્રના સૈનિકો તેની ભાળ મેળવવા આકાશપાતાળ એક કરી રહ્યા હતા. ૨૧મી મે ૧૯૪૫ના રોજ તે કેટલાક રશિયનોની ઝપટે ચડી ગયો. તેમણે ૨૩મી મેએ તેને જર્મન શહેર લ્યુઇનેબુર્ગ પાસે બ્રિટનની સેનાના એક કેમ્પને સોંપી દીધો. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકારી લીધું કે પોતે જ હાઇનરીશ હિમલર છે. આ સાથે તરત ખીસામાંથી એક ટીકડી કાઢીને ગળી ગયો ને માત્ર ૧૫ મિનિટમાં તેનું શરીર નિષ્પ્રાણ બની ગયું.
આજની નવી જોક
છગન (લલ્લુ): તારા માટે જૂતા લાવ્યો છું.
લલ્લુ: આ મોટા છે. મને નહીં થાય.
છગન: પહેરવાના તો મારે જ છે. તારે ખાલી ખાવાના છે.
લલ્લુ: હેં!?
Comments
Post a Comment