ટેલેન્ટ અને સગાવાદ વચ્ચે ઝૂલતું લોલક
- કલાકારનું શોષણ ઘટાડવા માટેનો અક્સીર ઉપાય છે હિંદી સિને ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ
કોરોના કળીકાળમાં સંસાર નામની કોઠીનું મંથન થતાં તળિયે બેઠેલો ડહોળ સપાટી પર આવ્યો છે. વિવિધ ક્ષેત્રોથી લઇને માનવીય ચરિત્રો સુધી બધે અને બધાની ડાર્ક સાઇડ ઊડીને આંખમાં ખૂંચી રહી છે. આનાથી આપણે અજાણ હતા એવું નથી, પણ મહામારીના દોરમાં તે વધુ પીડા આપનારી બની છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી મુંબઇ સિનેમા ઉદ્યોગની કાળી બાજુ લાઇમલાઇટમાં આવી. અનેક જાણતલો કહેવા લાગ્યા કે મુંબઇ ફિલ્મ જગતમાં સગાવાદ ચાલે છે અને સગાવાદનો આ સિલસિલો સૂર્ય-ચંદ્ર જેટલો પુરાણો છે. બંને પક્ષોને વાંચતા સમજાય છે કે બંને પક્ષકારો એક્સટ્રીમની સવારી કરી રહ્યા છે. હકીકત એ છે કે બોલીવુડમાં સગાવાદ પણ ચાલે છે, અને નવી પ્રતીભાને પણ તક મળે છે. હકીકત એ છે કે બોલીવુડ સગાવાદ અને ટેલેન્ટના લોલક વચ્ચે ઝૂલી રહ્યું છે.
સમસ્ત ભારત દેશ સગાવાદ પર ચાલે છે, ભલામણ પર નભે છે. સરેરાશ ભારતીયના નૈતિક મૂલ્યો જ એટલા નિમ્ન છે તો સૌથી પહેલી ફરિયાદ જાત વિશે જ કરવી પડે. બોલીવુડ પણ ભારતનું જ અંગ છે. તો તે આ મહામારીથી બાકાત શી રીતે હોઈ શકે? હા, ત્યાં સગાવાદ વધારે ચાલે છે. કારણ કે તે ક્ષેત્ર લોકપ્રિયતા સાથે સંકળાયેલું છે.
ગોળ હોય ત્યાં મધમાખી, કીડી અને મકોડા હોવાના જ. તેનો અર્થ એવો નથી કે ટેલેન્ટ હોય એને તક મળતી જ નથી. એટલું ખરું કે બહારથી આવેલો કલાકાર અને સ્ટારકિડ બંને એકસરખી ટેલેન્ટ ધરાવતા હોય ત્યારે પ્રાથમિકતા સ્ટારકિડને મળવાની. બહારથી આવેલા કલાકારને જેટલા ચાન્સ મળે છે તેના કરતા વધારે ચાન્સ સ્ટારકિડ્સને મળવાના. આ વિશે સૌથી પહેલી ફરિયાદ ઇશ્વરને કરવાની રહે છે કે મને સ્ટારકિડ શા માટે ન બનાવ્યો? બીજી ફરિયાદ ભલામણપ્રેમી સરેરાશ ભારતીય વિશે કરવાની થાય છે.
જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પાયો નખાયો ત્યારે કલાકારોની ગંભીર અછત હોવાથી તક મેળવવી સહેલી હતી. કથિત સભ્ય પરિવારની દીકરીઓ ફિલ્મ લાઇનમાં જોડાતી નહોતી. પુરુષ કલાકારો પણ મહામુસીબતે મળતા. ફિલ્મો વિશે સમાજ નકારાત્મક હતો. અભિનયને હલકુ કામ માનવામાં આવતું. ધીમે-ધીમે રસ્તા સરળ થયા. ઇન્ડસ્ટ્રીઝ શરૂ થઇ ત્યારે સ્ટારકિડનો સવાલ જ નહોતો. કારણ કે એવી કોઇ પ્રજાતિ હજુ અસ્તિત્વમાં નહોતી. જેમ જેમ વર્ષો જતા ગયા, ઉદ્યોગ સફળ થતો રહ્યો તેમ સ્ટારકિડ, ભાઈ-ભતીજા પેદા થતા ગયા.
કેદાર શર્મા ફિલ્મોમાં ચમકવાનું સ્વપ્નુ લઇને પંજાબથી કલકત્તા પહોંચેલા. તેઓ પોતાના પ્રિય અને આદર્શ નિર્દેશક દેવકી બોઝ સાથે કામ કરવા માગતા હતા. ન્યુ થિયેટર્સના દરવાને તેને ગેટ પર જ અટકાવી દીધા. અંદર જવાની મનાઇ કરી. કેદાર શર્માએ પંજાબી કલાકાર પૃથ્વીરાજ કપુરને વિનંતી કરી કે તેઓ તેની મુલાકાત દેવકી બોઝ જોડે કરાવી દે. પૃથ્વીરાજ કપુરે નનૈયો ભણતા કહ્યું, મેં હમણાં જ મારા ભાઇ ત્રિલોક કપુરની ભલામણ કરી છે.
આથી તમારી ભલામણ કરી શકીશ નહીં. ત્રિલોક કપુરે દેવકી બોઝની ફિલ્મ સીતામાં કામ કરેલું. આ ૧૯૩૪ની વાત છે. ભલામણની બદી છેક ત્યારથી ચાલી આવે છે. સાથોસાથ એ પણ નોંધવું જોઇએ કે બહારથી આવેલા કલાકારે પણ માત્ર પોતાના ટેલેન્ટ પર શ્રદ્ધા રાખવાને બદલે છેડા લગાડવાની કોશિશ કરી જ. ભારતીય ડીએનએ ભલામણવાદી હોવાનો આ ઐતિહાસિક પુરાવો છે.
પરિવારવાદમાં સૌથી અગ્રણી હોય તો તે કપુર ખાનદાન. રાજકપુરે ઋષિકપુરને લોન્ચ કરીને બોલીવુડમાં સેલિબ્રીટી પિતા દ્વારા પુત્રને બજારમાં મૂકવાની પરંપરાનો પાયો નાખ્યો. સગા હોય તેને બોલીવુડમાં વહેલું પ્લેટફોર્મ મળી જાય એ પાકી વાત, કિન્તુ સફળતા તો તેને પોતાના દમ પર જ મેળવવી પડે. જો એવું ન હોત તો આજે અભિષેક બચ્ચન, તુષાર કપુર, રણધીર કપુર, ઉદય ચોપડા, ફરદીન ખાન ને બીજા કેટકેટલા સ્ટારકિડ્સ મેગા સ્ટાર હોત.
બહારથી આવેલાને વધારે સ્ટ્રગલ કરવી પડે છે પણ જો તેનામાં ટકી રહેવાની ક્ષમતા હોય તો નિઃસંદેહ સફળતા તેના શ્રીચરણોમાં આળોટે છે. નવાઝુદ્દીન સિદ્દિકી તેનું લેટેસ્ટ ઉદાહરણ છે. તેઓ ઉત્તરપ્રદેશના ખેડૂત પરિવારમાંથી આવે છે, આઠ ભાઇ-બહેન હતાં.
ગુજરાન ચલાવવા માટે કેમિસ્ટનું કામ કરતા. દિલ્હીની નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં પ્રવેશ મેળવતા પહેલાં ગાર્ડની નોકરી પણ કરી. સરફરોશમાં ચંદ સેકન્ડ માટે દેખા દીધા પછી વર્ષો સુધી સંઘર્ષ કર્યો અને આજે સ્ટાર છે. તેનું ઉદાહરણ સમજાવે છે કે જે પ્રયત્ન કરે છે, જે પ્રયત્ન નથી છોડતો તે જ સફળ થાય છે. માની લો કે નવાઝે આપઘાત કરી લીધો હોત તો? શું આજે જે ઇતિહાસ રચાયો છે તે રચાય શકત ખરો? આ તો એવુ છે કે સુશાંતસિંહની ચિતા પર અક્ષમ કલાકારો પોતાના રોટલા શેકવા માગે છે.
બોલીવુડમાં નવાઝ જેવા કેટલાય ઉદાહરણ છે જેમ કે બોમન ઇરાની. તેમણે વર્ષો સુધી હોટલ ઇન્ડસ્ટ્રીમાં વેઇટરથી લઇને રૂમ એટેન્ડન્ટ સુધીનું કામ કર્યું. પોતાની મા સાથે ખાનદાની બેકરી ચલાવી. ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો ને છેક ૪૪-૪૫ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવી.
પ્રિયંકા ચોપરાની બહેન હોવાના કારણે પરિણીતી ચોપરાને વહેલી તક મળી તેવું કહી શકાય પણ તેની મહેનત ઓછી છે એવું માની શકાય નહીં. તેણે માર્કેટીંગ ઇન્ટર્ન તરીકે કારકિર્દી શરૂ કરેલી. બાદમાં તે એક્ટિંગ ફિલ્ડમાં આવી અને પ્રતીભા કમ નસીબ જોગે સફળ થઇ ગઇ. માત્ર પ્રિયંકાની બહેન હોવાના નાતે તેને સફળતા મળી હોત તો આજે પેલા ત્રિલોક કપુર પણ સુપરસ્ટાર તરીકે ઇતિહાસમાં દર્જ હોત. શું આપણે ક્યારેય ત્રિલોક કપુરનું નામ સાંભળ્યું છે? સોનાક્ષી સિંહા પહેલાં કોસ્ચ્યુમ ડીઝાઇનર બની અને ત્યારબાદ અભિનેત્રી.
જે બહારથી આવ્યા હોય અને ફિલ્મ જગતમાં છવાઇ ગયા હોય એવા ઉદાહરણો પણ ઢગલાબંધ છે. હાજરજવાબ, ઉર્જાવાન અને હસમુખ અભિનેતા રણવીરસિંહની એક્ટિંગ અને એકશનનું લોઢું માનવામાં આવે છે. તેમણે કોપીરાઇટર તરીકે કારકિર્દી શરૂ કરેલી. સેંકડો જાહેરાત લખી.
ત્યારપછી અભિનયમાં હાથ અજમાવ્યો અને માટીને સોનામાં પરિવર્તિત કરી નાખી. અક્ષય કુમાર બેંગકોક ગયા, માર્શલ આર્ટ શીખ્યા. ટાઇક્વેન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો. હોટલમાં વેઇટર અને શેફની નોકરી કરી. પાછા ભારત આવ્યા. માર્શલ આર્ટ શીખવવાનો પ્રારંભ કર્યો. બાદમાં મોડલ બન્યા પછી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ્યા. બી ગ્રેડ એકટર બન્યા ને તેના વર્ષો પછી સુપરસ્ટાર બન્યા.
જહોન અબ્રાહમે મોડેલીંગથી શુભ શરૂઆત કરી. મીડિયા પ્લાનર બન્યા. એકટર બન્યા ને હવે ફિલ્મ નિર્માતા છે. અર્શદ વારસી એક જમાનામાં કોસ્મેટિક્સનું ડોર ટુ ડોર માર્કેટીંગ કરતા. નાનપણથી જ સારા ડાન્સર હતા, કિંતુ ઘર ખર્ચ કાઢવા માટે બીજા ત્રીજા કામ કરતા. તેમણે ફોટોગ્રાફી લેબમાં પણ નોકરી કરી. એક દિવસ અકબર સામી ડાન્સ ગુ્રપમાં જોડાવાની તક મળી. ત્યાંથી ફિલ્મ ડાન્સર બન્યા. કોરિયોગ્રાફર બન્યા, કોમેડિયન બન્યા ને પછી અભિનેતા.
રાકેશ ઓમપ્રકાશ મહેરાએ શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં ગ્રેજયુએશન કર્યું. ફિલ્મ બનાવવાનો એટલો મોટો કીડો હતો કે ચાન્સ મેળવવા કાજે ફિલ્મ સેટ પર ચા વેંચી. વેક્યુમ ક્લિનર વેચ્યાં. ધીમે-ધીમે તક મળતા આગળ વધ્યા. છેવટે રંગ દે બસંતી અને દિલ્હી ૬ જેવી યાદગાર પિક્ચર્સ બનાવી.
નિપોટિઝમની બદી ક્યાં નથી? ઉપર કહ્યા એ બધા કલાકારોએ તેની વચ્ચેથી પસાર થઇને કાઠુ કાઢ્યું છે. દરેક ક્ષેત્રને પોતાના માઇનસીઝ છે તે દૂર કરવા જોઇએ. પણ આપણને સફળતા ન મળે એટલે આપણે સગાવાદ પર ઠીકરું ફોડી શકીએ નહીં. સગાવાદ ન હોય તો કદાચ બે વર્ષનો સંઘર્ષ ઘટી જાય, પણ સ્ટાર તો પોતાના દમ પર જ બનવું પડે.
મુંબઇનું ફિલ્મ જગત હાલ જે બદીઓથી પીડિત છે તેના માટે બોલીવુડનું અતિકેન્દ્રીકરણ જવાબદાર છે. એક જગ્યાએ એક જ કામ માટે દસ લાખ લોકો ભેગા થઇ જાય તો સ્વાભાવિક છે પોલીટિક્સ થવાનું. જ્યારે એકની સામે બસ્સો ઓપ્શન અવેલેબલ હોય ત્યારે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકો શોષણ કરવાના.
આ દુષ્ચક્રને ઠપ કરવાનો ઉપાય છે બોલીવુડનું વિકેન્દ્રીકરણ. હિંદી ફિલ્મમાં નસીબ અજમાવવું હોય તો શા માટે મુંબઇ જવું પડે? જેમ સંગીતના અલગ-અલગ ઘરાના છે તેમ હિંદી ફિલ્મોના ન હોઇ શકે? ભારતમાં જુદા જુદા ૧૦ શહેરોમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત કરવામાં આવે તો મુંબઇમાં સ્ટ્રગલર્સનો ટ્રાફીક ઓછો થાય, રાજકારણ ઓછું થાય, શોષણ ઓછું થાય અને બધા માટે કામ કરવાની તક ખૂલે.
આખી કથાનું તાત્પર્ય એટલું છે કે સંઘર્ષવીરોએ પોતાની નિષ્ફળતા નિપોટીઝમના હેંગર પર ટીંગાડી પલાયનવાદી બનવું જોઇએ નહીં. બીજીબાજુ કલાકારોનું શોષણ ઓછું થાય અને તેમના માટે તકના દરવાજા વધારે ઊઘડે તે માટે ફિલ્મ જગતનું વિકેન્દ્રીકરણ કરવું જોઇએ.
આજની નવી જોક
છગન (મગનને) : લલ્લુના લગ્નમાં ૧૫૦ મહેમાન થાય છે અને સરકારે માત્ર ૫૦ જ લઈ જવાની છૂટ આપી છે. શું કરવું એ ખબર નથી પડતી.
મગનઃ સિમ્પલ, સરકાર પાસેથી ત્રણ વખત મંજૂરી માગી લે.
છગનઃ હેં!?
જીકે જંકશન
- દર વર્ષે ૨૩મી જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ૨૩મી જૂને સૌથી લાંબો દિવસ હોવાથી તે ભૂગોળની દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.
- ભારતીય મૂળના ગીતા પાસીને અમેરિકાએ ઇથિયોપિયામાં રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સ્વિત્ઝર્લેન્ડ, કુવૈત, ફિનલેન્ડ, રોમાનિયા, ફિલિપાઇન્સ અને બેલ્જીયમમાં પણ ભારતીય મૂળના અમેરિકનો રાજદૂત તરીકે ફરજ બજાવે છે.
- તાજેતરમાં જાણીતા ફિલ્મ નિર્માતા સ્ટીવ બીંગનું અવસાન થયું હતું. તેઓ પણ હતાશાનો શિકાર હતા. તેમણે ૨૭મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો.
- ડબલ્યુડબલ્યુઈ રેસલર અન્ડરટેકરે નિવૃત્તિની ઘોષણા કરી છે. અમેરિકાના આ કુસ્તીબાજની ઉંમર હાલ ૫૫ વર્ષ છે.
- ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારે કોવિડ-૧૯ના દર્દીઓની ઓળખ કરવા માટે પ્રતિજન પરીક્ષણ શરૂ કરવાની ઘોષણા કરી છે. તાજેતરમાં ચીને હાઇસ્પીડ મેગ્લેવ ટ્રેનનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેણે નવી ડીજીટલ કરન્સી લોંચ કરી છે તેનું નામ છે ડીસી/ઇપી.
- ઝારખંડ શહેરી ગરીબો માટે રોજગાર ગેરંટી યોજના શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. જર્મનીમાં કોવિડ વોર્ન એપ શરૂ કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ નાગરીકોને કોવિડના ચેપ સામે આગોતરી ચેતવણી આપવાનું છે.
Comments
Post a Comment