શા માટે દેશમાં ભૂકંપનું પ્રમાણ વધી રહ્યું છે?

- ભૂકંપ શા માટે આવે છે એ તો વૈજ્ઞાાનિકો જાણી ચૂક્યાં છે પરંતુ ભૂકંપ ક્યાં આવશે અને ક્યારે આવશે એ વિશે હજુ પણ કોઇ આગાહી થઇ શકતી નથી કે ભૂકંપ આવવાથી કોઇ રોકી શકવાનું નથી એ સંજોગોમાં બચાવની તૈયારી કરવી એ જ એકમાત્ર ઉપાય છે


છેલ્લા થોડા સમયથી દેશના જુદાં જુદાં ભાગોમાં આવી રહેલા ભૂકંપના કારણે લોકોમાં ભયનો માહોલ છે. શુક્રવારે એક પછી એક દેશના ત્રણ પ્રદેશોમાં ભૂકંપના આંચકા આવ્યાં. બપોરે હરિયાણાના રોહતકમાં ભૂકંપનો હળવો આંચકો આવ્યો એ પછી મેઘાલયમાં ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને સાંજે લદ્દાખમાં ૪.૩ના રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો. પૂર્વોત્તરમાં છેલ્લા એક મહિનામાં જ ૧૦ જેટલાં ભૂકંપના આંચકા આવી ગયા છે. તો રોહતકમાં છેલ્લા એક મહિમાં નવ વખત ભૂકંપ આવી ચૂક્યો છે. ગુજરાતમાં પણ ગયા અઠવાડિયે ભૂકંપના આંચકા આવ્યાં હતાં જેનું કેન્દ્રબિંદુ તો કચ્છ હતું પરંતુ આંચકા છેક અમદાવાદ સુધી અનુભવાયા હતાં. 

ભૂકંપ શા માટે આવે છે એ તો વૈજ્ઞાાનિકો જાણી ચૂક્યાં છે પરંતુ ભૂકંપ ક્યાં આવશે અને ક્યારે આવશે એ વિશે હજુ પણ કોઇ આગાહી થઇ શકતી નથી. ધરતી શા માટે ડોલે છે એ સમજવા માટે પહેલાં તો પૃથ્વીની સંરચના સમજવી પડે.

 હકીકતમાં આખી ધરતી ૧૨ ટેક્ટોનિક પ્લેટ્સ પર સ્થિત છે જેની નીચે ધગધગતો લાવારસ ખદબદે છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ પ્રવાહી લાવા પર તરતી રહે છે અને તેમના પરસ્પર ટકરાવાના કારણે ભૂકંપ આવે છે. 

ધરતી મુખ્યત્ત્વે ચાર સ્તરોની બનેલી છે જેમને ઇનર કોર, આઉટર કોર, મેન્ટલ અને ક્રસ્ટ કહેવામાં આવે છે. ક્રસ્ટ અને ઉપલા મેન્ટલ સ્તરને લિથોસ્ફીયર કહેવામાં આવે છે જે ૫૦ કિલોમીટર જેટલી જાડી હોઇ શકે છે અને તેમને ટેક્ટોનિક પ્લેટ્સ કહે છે. આ ટેક્ટોનિક પ્લેટ્સ પોતાના સ્થાને હલતી રહે છે, ફરતી રહે છે અને ખસતી રહે છે. સામાન્ય રીતે આ ટેક્ટોનિક પ્લેટ્સ દર વર્ષે આશરે ચારથી પાંચ કિલોમીટર જેટલી ખસતી હોય છે. આ ક્રમમાં કોઇ પ્લેટ બીજી પ્લેટથી દૂર સરી જાય છે અથવા તો નિકટ આવી જાય છે. આ દરમિયાન પ્લેટ્સ એકબીજા સાથે ટકરાઇ પણ જાય છે. જેના કારણે ભૂકંપ આવે છે. 

આ પ્લેટ્સ ધરતીની સપાટીથી આશરે ૩૦થી પ૦ કિલોમીટર જેટલી નીચે હોય છે. ભૂકંપનું કેન્દ્ર એ સ્થાન હોય છે જ્યાં નીચે પ્લેટ્સમાં હલચલથી ભૂગર્ભીય ઊર્જા નીકળે છે. ભૂકંપના કેન્દ્રથી દૂર જતાં કંપનની તીવ્રતા ઓછી થતી જાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર ૭ કે તેથી વધારે તીવ્રતાનો ભૂકંપ આવે તો આસપાસના ૪૦ કિલોમીટરના વ્યાપમાં તેજ આંચકા આવે છે. પરંતુ ભૂકંપની તીવ્રતા એ બાબત ઉપર પણ આધાર રાખે છે કે તેનું કેન્દ્ર ધરતીથી કેટલી ઊંડાઇએ આવેલું છે. 

ભૂકંપના તરંગોને રિક્ટર સ્કેલ પર ૧થી ૧૨ સુધીના આંક પર માપવામાં આવે છે. ૧૯૩૫માં કેલિફોર્નિયા ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાાનિક ચાર્લ્સ રિકટરે બેનો ગુટેનબર્ગના સહયોગથી રિક્ટર સ્કેલની રચના કરી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા સમજવી હોય તો એ વાતે અંદાજ લગાવી શકાય કે રિક્ટર સ્કેલ પર ૮ની તીવ્રતાનો ભૂંકપ ૬૦ લાખ ટન વિસ્ફોટક જેટલી ઉર્જા પેદા કરી શકે છે. રિક્ટર સ્કેલ પર પાંચથી ઓછી તીવ્રતાવાળા ભૂકંપોને હળવા ગણવામાં આવે છે. વર્ષમાં આશરે પાંચ હજાર આવા ભૂકંપો આવતા રહે છે.

 જોકે આમાંના મોટા ભાગના ખતરનાક નથી હોતા. જોકે ભૂકંપની વિનાશકતાનો મોટો આધાર જે-તે ક્ષેત્રની સંરચના ઉપર પણ આધાર રાખે છે. 

ભૂકંપની તાકાત એટલે કે મેગ્નિટયૂડ ટેક્ટોનિક પ્લેટ્સના અથડાવાથી મુક્ત થતી ઉર્જા છે તો તીવ્રતા ભૂંકપનો પ્રભાવ દર્શાવે છે. આમ તો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તાકાતની કોઇ મર્યાદા નથી પરંતુ આજદિન સુધી ૯.૫થી વધારે તીવ્રતાનો ભૂકંપ માપવામાં આવ્યો નથી. ૧૯૬૦માં દક્ષિણ અમેરિકાના ચીલીમાં આટલી પ્રચંડ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

 વળી, રિક્ટર સ્કેલની ખાસિયત એ છે કે તે ભૂકંપની તાકાતને લઘુગણક સ્કેલ પર માપે છે. મતલબ કે રિક્ટર સ્કેલ પર ૭ની તીવ્રતાનો ભૂકંપ ૬ની તીવ્રતાના ભૂકંપ કરતા ૩૨ ગણો વધારે શક્તિશાળી હોય છે. અને રિક્ટર સ્કેલ પર ૮ની તીવ્રતાનો ભૂકંપ ૬ની તીવ્રતાના ભૂકંપ કરતા આશરે એક હજાર ગણો વધારે શક્તિશાળી હોય છે. 

દુનિયાના સૌથી સક્રિય ભૂકંપીય ક્ષેત્રોમાં એશિયાના ભારત, અફઘાનિસ્તાન અને તૂર્કી, ઉત્તર આફ્રિકાના દેશો, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. ભૂકંપના જોખમના હિસાબે ભારતને ચાર ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ઝોન-૨માં ભૂકંપની દૃષ્ટિએ સૌથી ઓછા સક્રિય પ્રદેશોને રાખવામાં આવ્યાં છે. એમાં દક્ષિણ ભારતના વિસ્તારો સામેલ છે. 

ઝોન-૩માં કેરળ, ગોવા, લક્ષદ્વીપ ટાપુઓ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. 

ઝોન-૪માં જમ્મુ-કાશ્મીર અને હિમાચલના નીચલા વિસ્તારો, દિલ્હી, સિક્કિમ, ઉત્તરપ્રદેશનો ઉત્તર ભાગ, સિંધુ-ગંગા પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય વિસ્તારોનો સમાવેશ થાય છે. ભૂકંપની દૃષ્ટિએ સૌથી ખતરનાક ઝોન-૫ ગણાય છે જ્યાં વિનાશક ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે છે. આમાં સમગ્ર પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીરનો ઉત્તરનો વિસ્તાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તર બિહાર તેમજ આંદામાન-નિકોબાર દ્વીપસમૂહનો સમાવેશ થાય છે. 

છેલ્લા થોડા સમયથી જે રીતે ભૂકંપના હળવા આંચકાનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં લોકોને ડર છે કે નજીકના ભવિષ્યમાં કોઇ મોટો ભૂકંપ આવી શકે છે. જોકે વૈજ્ઞાાનિકોના મતે આવી માન્યતાને કોઇ વૈજ્ઞાાનિક આધાર નથી. ઉદાહરણ તરીકે ગુજરાતમાં આવેલા ભૂકંપના આંચકાને દિલ્હીમાં આવેલા ભૂકંપ સાથે ન જોડી શકાય કારણ કે ગુજરાત સાવ અલગ જ પ્રકારનો ભૌગોલિક પ્રદેશ છે જે અલગ ફોલ્ટ લાઇન પર છે અને તેનું રોક ફોર્મેશન પણ અલગ છે અને ભૌગોલિક સંરચના પણ જુદી છે. એ જ રીતે હિમાલયન આર્ક કાશ્મીરથી લઇને ઉત્તરપૂર્વ સુધી ફેલાયેલો છે જે ૨૫૦૦ કિલોમીટર લાંબી એક જ ફોલ્ટલાઇન છે. એમાં કાશ્મીરમાં થયેલી ભૂકંપીય હલચલ છેક અરુણાચલ પ્રદેશ સુધી અસર કરી શકે છે.

વૈજ્ઞાાનિકોના મતે કોઇ પણ ક્ષેત્રમાં એકાદ બે વર્ષમાં આવેલા ભૂકંપોના આધારે મોટા ભૂકંપની આગાહી ન કરી શકાય, એ માટે તો ૨૦થી ૩૦ વર્ષ સુધી અભ્યાસ કરવો પડે છે. 

દર વર્ષે ભૂકંપના આંચકાની સંખ્યામાં વધઘટ થતી રહે છે એવામાં કોઇક સમયે ભૂકંપની સંખ્યા વધી જાય તો એ સ્થિતિ અસામાન્ય ન કહી શકાય. જોકે ગુજરાતમાં ૨૦૦૧માં આવેલા ભૂકંપને વેરેલા વિનાશની યાદના કારણે લોકો ભૂકંપના મધ્યમ કે હળવા આંચકા બાદ પણ દહેશતમાં આવી જાય છે.

ભૂકંપ વૈજ્ઞાાનિકોના મતે મેઇન શોક્સ એટલે કે ભૂકંપ વખતે આવતા આંચકા અને આફ્ટર શોક્સ એટલે કે ભૂકંપ પછી આવતા ઝાટકા વિશે તો ઘણો અભ્યાસ થઇ ચૂક્યો છે પરંતુ હજુ સુધી કોઇ પણ ભૂકંપના ફોરશોક્સ એટલે કે અગાઉના આંચકા વિશે બહુ મર્યાદિત જાણકારી છે.

એટલા માટે જ ભૂકંપના કોઇ પણ નાના કે મોટા આંચકા પછી વિજ્ઞાાન એવી ચેતવણી આપી શકતું નથી કે હવે કોઇ મોટો ભૂકંપ આવવાનો છે કે નહીં. જાણકારોના મતે ભૂકંપથી બચવા માટે તૈયારી જ એકમાત્ર ઉપાય છે. સૌ જાણે છે કે ધરતીના પેટાળમાં પ્લેટ્સ વચ્ચે ઉર્જા એકઠી થઇ રહી છે અને એ ભૂકંપના સ્વરૂપમાં બહાર નીકળશે. સૌ એ પણ જાણે છે કે ભૂકંપ આવવાથી કોઇ રોકી શકવાનું નથી કે તેનું પૂર્વાનુમાન થઇ શકે એમ પણ નથી, તો પછી બચાવની તૈયારી કરવી એ જ એકમાત્ર ઉપાય છે. 

ઉદાહરણરૂપે જાપાનનો દાખલો લઇ શકાય એમ છે જ્યાં છાશવારે ભૂકંપ આવ્યા કરે છે. જાપાનમાં તમામ ઇમારતો ભૂકંપને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે અને સંપૂર્ણ ગંભીરતાથી તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. 

વળી, નિયમિત સમયે મૉક ડ્રીલ કરવામાં આવે છે જેથી કરીને તમામ લોકોને ખ્યાલ હોય છે કે ભૂકંપ આવે ત્યારે બચાવના કેવા પગલાં લેવાના છે. ભારતની વાત કરીએ તો અહીંયા પહેલેથી જ અનેક પ્લાનિંગ વગરની ઇમારતો બની ચૂકી છે અને ઘણા મકાનો ભૂકંપના આંચકા સહી શકવાની હાલતમાં નથી. વૈજ્ઞાાનિકોના મકાનો બાંધવામાં નિયમોનું કડકાઇથી પાલન થવું જોઇએ. એ સાથે જ લોકોને પણ ભૂકંપ આવે તો બચવા માટે શું કરવું જોઇએ એ વિશે મૉક ડ્રીલ યોજીને જાણકારી આપવી જોઇએ.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો