બહિષ્કાર... બચ્ચો સી બાતે...

- ભાવનાઓથી ફેસબુક પોસ્ટ લખી શકાય, અર્થતંત્ર ચલાવવા માટે ધરાતલનું જ્ઞાાન જરૂરી


યુ દ્ધ અને વેપાર સહસ્ત્રાબ્દીઓથી હાથમાં હાથ નાખીને ચાલે છે. આધુનિક વિશ્વમાં જેટલા યુદ્ધ થયા તેમાંથી મોટાભાગના યુદ્ધોમાં વેપારી લાલસા કારણભૂત હતી. આ સનાતન સત્ય છે કે નહીં તે તો ખબર નથી પણ આજ સુધીનું પ્રસ્તુત સત્ય જરૂર છે. ગલવાન ઘાટીમાં જે ઘટનાક્રમ ઘટયો તે પછી ભારત સરકાર આ સત્યને જરાક જુદી રીતે તપાસવાનું વિચારી રહી છે. વેપાર માટે થનગનતા ચીનને આર્થિક ફટકો મારવો. ચીની ઉત્પાદનોના બહિષ્કારની  માગણી બુલંદ બની છે. માત્ર માગણી નહીં, અમલીકરણ પણ શરૂ થઇ ગયું છે. વાત તો સાચી છે, આ થવું જોઇએ. પણ શું આ માટે આપણે તૈયાર છીએ ખરા? 

રીટેલ વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા ચીની વસ્તુઓના બહિષ્કારનું આહ્વાન કરવામાં આવ્યું છે. જુદી-જુદી ૩ હજાર ચીજોની સૂચિ તૈયાર કરાઇ છે. કેટે લક્ષ્યાંક મૂક્યો છે કે ચાઇનીઝ ચીજોની આયાતમાં કમસેકમ એક લાખ કરોડ રૂપિયાનો કાપ મૂકવો. ભારતીય રેલવેએ એક ચાઇનીઝ કંપની સાથે થયેલો રૂા. ૪૭૧ કરોડનો કોન્ટ્રાક્ટ રદ કરી નાખ્યો. ભારતના ટેલિકોમ મંત્રાલયે બીએસએનએલને આદેશ આપ્યો છે કે તેમના કામમાં ચીની કંપનીઓની સેવાઓ શક્ય એટલી ઘટાડી નાખવામાં આવે. ફોર-જી ટેકનિક મામલે ફાળવી દેવામાં આવેલા ટેન્ડર્સ પર પણ નવેસરથી વિચાર કરવામાં આવી રહ્યો છે. અર્થજગતના નિષ્ણાતોના મગજમાં આ ગણિત બેસતું નથી. તેઓ કહે છે ચાઇનીઝ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાથી ચીન કરતાં વધારે નુકસાન ભારતને થશે. 

વર્લ્ડ ઇન્ટીગ્રેટેડ ટ્રેડ સોલ્યુશનના આંકડા અનુસાર ચીન ભારતમાં મહત્તમ નિકાસ કેપિટલ ગુડ્ઝની કરે છે. ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન ભારતમાં આવેલી ચાઇનીઝ વસ્તુઓમાંથી ૪૦ ટકા કેપિટલ ગુડ્ઝ છે. ભારતમાં કેપિટલ ગુડ્ઝની નિકાસમાં ચીન બીજા નંબર પર આવે છે. માર્ચ ૨૦૧૯થી ફેબુ્રઆરી ૨૦૨૦ દરમિયાન ચીને ભારતમાં ૧૨.૭૮ અબજ ડોલરની મૂડીગત ચીજવસ્તુઓ મોકલી છે. ચીનથી મંગાવાતા  કેપિટલ ગુડ્ઝમાં ઇલેક્ટ્રિકલ મશીનરી, સેમી કન્ડકટર આધારિત મશીનરી, થર્મલ પાવર પ્લાન્ટસની મશીનરી અને હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી મશીનરીનો સમાવેશ થાય છે. કેપિટલ ગુડ્ઝ એટલે એવી વસ્તુઓ જેનો કોઇ ડાયરેક્ટ યુઝ ન હોય. જેનો ઉપયોગ બીજી વસ્તુઓ બનાવવા માટે થતો હોય. આ પ્રમાણે જો આ વસ્તુઓની આયાત બંધ કરી દેવામાં આવે તો તેમાંથી બીજી ચીજવસ્તુઓ બનાવતા ભારતના ઉદ્યોગો ઠપ્પ થઇ જાય. આમ જ્યાં સુધી સક્ષમ વિકલ્પ પ્રાપ્ય ન હોય ત્યાં સુધી ચાઇનીઝ પ્રોડકટ્સ પર પ્રતિબંધ મૂકવાનું કામ પોતાના પગ પર કુહાડો મારવા જેવું છે. 

ભારતમાં વપરાશી ચીજોમાં પણ ચીનની જ બોલબાલા છે. મોબાઇલ ફોન હોય કે લેપટોપ, બધામાં ચાઇનીઝ પ્રોડક્ટ્સનો પગપેસારો છે. ભારતના ગ્રાહકો ચાઇનીઝ પ્રોડક્ટ્સને પ્રાયોરિટી આપે છે. એક સમય એવો હતો જ્યારે ચાઇનાના ઉત્પાદનો સસ્તા તો રહેતા, પરંતુ તેની ગુણવત્તા અત્યંત નબળી રહેતી. આજે સ્થિતિ બદલાઇ ચૂકી છે. આજના ચાઇનીઝ ઉત્પાદનો સસ્તા પણ છે અને સારી ગુણવત્તાવાળા પણ. તેની સામે ભારતીય અથવા અન્ય વિદેશી બ્રાન્ડ્સના ઉત્પાદનો બે કે ત્રણ ગણા મોંઘા હોય છે. આમ ચાઇનીઝ પ્રોડક્ટ્સ બંધ કરી દો તો સૌથી પહેલો ફટકો સરેરાશ ભારતીયના ગજવા પર પડે. 

કેપિટલ ગુડ્સમાં પણ એવું છે. ભારત સરકાર ચીનની પુંજીગત વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકી દે તો ભારતના ઉદ્યોગકારોને તેનો વિકલ્પ શોધવો પડે. અલબત્ત  તેના વિકલ્પ તો છે પણ તે મોંઘા છે. તે અજમાવવાથી ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓની પડતર કિંમત વધી જાય. પડતર કિંમત વધે એટલે ભાવ વધે. પરિણામે જે ભારતીય પ્રોડક્ટ્સ અત્યાર સુધી સસ્તામાં પ્રાપ્ય હતી તે પણ મોંઘી થઇ જાય. આમ હરી-ફરીને ગાળિયો તો આપણા જ ગળામાં આવે. 

ઘણાં બધા કેપિટલ ગુડ્સ એવા હોય છે કે જેમાં મેન્ટેનન્સની જવાબદારી પણ ચીનની કંપનીએ જ સંભાળેલી હોય છે. તેમાં જો ખરાબી આવે તો તેના સ્પેરપાર્ટ્સ પણ ચાઇનીઝ કંપની સિવાય બીજી કોઇ કંપની પાસેથી મળતા નથી. આવામાં જો તેમની સાથેનો કરાર રદ કરી દેવાય તો કરોડો રૂપિયાના મશીન ઠોઠિયાં બની જાય. ભારતીય કંપનીઓને  નુકસાની સહન કરવી પડે. ટીવી હોય, મોબાઇલ હોય, રેફ્રીજરેટર હોય કે એસી. ભારતમાં દરેક ચીજમાં ચાઇનાની બોલબાલા છે. વાણિજ્ય મંત્રાલય તથા ક્રેડીટ રેટીંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા પ્રમાણે ૨૦૧૯-૨૦માં ભારતમાં ૪૫ ટકા ઘરેલુ ઉત્પાદનો ચાઇનાથી આવેલા છે. 

ભારતનો ગરીબ અને મધ્યમ વર્ગીય ગ્રાહક ચીની વસ્તુઓ પર વધારે નિર્ભર છે. પૈસાદાર હોય તે ભારતીય બ્રાન્ડની અથવા તો અન્ય વિદેશી કંપનીની ચીજો મોંઘા ભાવે ખરીદી લે પણ બાંધી આવકમાં જીવતા મિડલ કલાસ અને નિમ્ન મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઇ જાય. ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી શકાય. ન મૂકી શકાય એવું નથી પણ તેના માટે તૈયારી કરવી પડે. લાંબા ગાળાની તૈયારી કરવી પડે. ચીની પ્રોડક્ટ્સની સમકક્ષ એટલા જ વાજબી અને એટલા જ ગુણવત્તાપ્રદ વિકલ્પ ઊભા કરવા પડે. ચીનની વસ્તુઓ પર રાતોરાત પ્રતિબંધ મૂકવામાં આવે તો એ વેપારીઓનું શું જેમણે ચાઇનાથી માલ મગાવીને પોતાના ગોડાઉન ભરી રાખ્યા છે? પાડાના વાંકે પખાલીને ડામ દેવાય એ મુજબ ચીનને સજા આપવા જતાં આપણા વેપારીઓ દંડાઈ જાય. 

ભારતમાં ઘણી વપરાશી ચીજોનો કાચો માલ ચીનથી મંગાવવામાં આવે છે. તેમાં દવા અને ખાતરમાં વપરાતા કેમિકલ્સ, ઓટો પાર્ટ્સ, ઇલેકટ્રોનિકસ પાર્ટ્સ, ચામડાના ઉત્પાદનો અને સૌર ઉપકરણો સામેલ છે. ક્રીસીલના આંકડા પ્રમાણે ભારતમાં બનતી ૭૦ ટકા દવાઓમાં વપરાતા રસાયણો ચીનથી આવે છે. ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મુકાય તો સૌથી મોટો ફટકો-ઝટકો ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને લાગે, જેની આજે કોરોના કળિકાળમાં આપણે સૌથી વધારે જરૂર છે. 

કોઇ કહેશે, આ રસાયણો આપણે ભારતમાં બનાવવા જોઇએ, બિલકુલ બનાવવા જોઇએ. તેમાં વાંધો નથી, બટ તેના માઇનસ પોઇન્ટ પણ સમજી લેવા જરૂરી છે. એક, આ રસાયણો રાતોરાત ભારતમાં બની શકે તેમ નથી. બે, તેનું કોસ્ટિંગ ચીન કરતાં નીચું લાવી શકાય તેમ નથી. ત્રણ, તેના ઉત્પાદન દરમિયાન ભયંકર વાયુ પ્રદુષણ થાય છે. 

૭૦ ટકા ઇલેકટ્રોનિક પાર્ટ્સ, ૨૭ ટકા ઓટો પાર્ટ્સ અને ૪૦ ટકા ચામડાની પ્રોડક્ટ્સ ચીનથી મગાવવામાં આવે છે. જે લોકો ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધની માગણી કરી રહ્યા છે તેઓ એ પણ જણાવી દે કે આ બધા ઉત્પાદનોના સસ્તા અને ગુણવત્તાસભર વિકલ્પો ક્યા? ઊર્જા ક્ષેત્રમાં પણ ચીનની જ બોલબાલા છે. વડાપ્રધાન મોદી સૌર ઊર્જાને ખૂબ મહત્ત્વ આપે છે તો એ પણ જાણી લેવું જોઇએ કે સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે જરૂરી ૮૦ ટકા માલ સામાન આપણે ચીનથી મગાવીએ છીએ. જો આ બધો માલસામાન બંધ કરી દેવામાં આવે તો ભારતમાં સૌર ઊર્જાનું નામું નખાઇ જાય. 

ભારતમાંથી કુલ જેટલી નિકાસ થાય છે તેમાંથી પાંચ ટકા નિકાસ આપણે ચીનને કરીએ છીએ. સામે જેટલી આયાત કરીએ છીએ તેમાંથી ૧૪ ટકા માલસામાન ચીનથી મગાવીએ છીએ. ચીન ભારતને જેટલો સામાન વેચે છે તે તેની કુલ નિકાસના માત્ર ૩ ટકા છે. આના પરથી સમજી શકાય કે આપણે ચીન પર જેટલા નિર્ભર છીએ તેટલું તે આપણા પર નિર્ભર નથી. ચાઇનીઝ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાથી આપણને જેટલો ફટકો પડશે તેટલો ચીનને પડવાનો નથી. 

ભારતની જે મોટી-મોટી કંપનીઓ છે તેમાં પણ ચીનનું તોતીંગ રોકાણ છે. જેમ કે બિગ બાસ્કેટ, બાયજૂ, ડેલ્હી, ડ્રીમ ઇલેવન, ફ્લિપકાર્ટ, હાઇક, મેક માય ટ્રીપ, ઓલા, ઓયો, પેટીએમ, પેટીએમ મોલ, પોલીસી બજાર, ક્વીકર, રીવીગો, સ્નેપડીલ, સ્વીગી, ઉડાન અને ઝોમેટો. આ સિવાય પણ અનેક કંપનીઓમાં ચીનનું રોકાણ છે. ચીન સાથેના વેપાર પર પ્રતિબંધની આ કંપનીઓને પણ નકારાત્મક અસર થશે. ભારતની ઘણી કંપનીઓ તો એવી છે કે ચીનથી માલ મગાવે અને તેના પર પોતાનું લેબલ લગાવી વેચે. તે કંપનીઓ બંધ પડી જશે. 

આપણે ચીન પર આટલા બધા નિર્ભર એટલા માટે છીએ કેમ કે ચીન જ્યારે જાગતું હતુ ત્યારે આપણે ઊંઘતા હતા. ચીન રાતોરાત વર્લ્ડ ફેકટરી બન્યું નથી, વર્ષોની મહેનત કરી છે.  ભાવનાત્મક નારેબાજી કરવાને બદલે પ્રેક્ટિકલી વિચારીને તેનું પદ્ધતિસર અમલીકરણ કર્યું છે. આપણે પાછળ છીએ તેના માટે આપણી શિક્ષણ વ્યવસ્થા જવાબદાર છે. આપણા સંતાનો એન્જિનિયર બન્યા પછી પણ ૧૦-૧૫ હજારના પગારથી વધુ કશું મેળવી શકતા નથી. તેમાં તેમનો દોષ નથી, દોષ છે આપણી એન્જિનિયરિંગ કોલેજોનો. તેના લાલચુ સંચાલકોનો, જે લાખોની ફી તોડી લીધા પછી પણ સાચું અને પ્રેક્ટિકલ શિક્ષણ આપતા નથી. કાં તો થિઅરીટીકલ શિક્ષણ આપે છે અથવા એવું ભણાવે છે, જે માર્કેટમાં આઉટડેટેડ છે. સરકાર મેક ઇન ઇંડિયા જેવા રોમેન્ટિક સૂત્રો આપીને, મોટા મોટા દાવા કરીને ચૂંટણી જીતી લે છે. ગ્રાઉન્ડ પર કશું જ થતંન નથી.

એક તો ઓલરેડી કોરોનાનો માર ખાધો છે. હવે શું ચીની ઉત્પાદનોના પ્રતિબંધથી અર્થતંત્રને પડનારો ફટકો સહેવા આપણે તૈયાર છીએ?

આજની નવી જોક

લીલી (છગનને): હું બે કલાક માટે બહાર જાવ છું. તમારા માટે કંઈ લેતી આવું?

છગન: ના, આટલું બહુ છે.

લીલી: હેં!?


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો