'ડ્રેગન'ની નજર છે હવે ભૂતાન પર, આ ભાગ પર દર્શાવ્યો પોતાનો દાવો
થિમ્પુ, તા. 30 જૂન 2020, મંગળવાર
ચૂંચા ચીનની નજર હવે ભૂતાન પર છે અને તેણે ભૂતાનની એક નવી જમીન પર પોતાનો દાવો કર્યો છે. ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી બેઠક દરમિયાન બેઈજિંગે ભૂતાનના સાકતેંગ વન્યજીવ અભયારણ્યની જમીનને વિવાદિત ગણાવીને તેના ફન્ડિંગનો વિરોધ કર્યો હતો. જો કે ભૂતાને ચીનની આ ચાલ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. ભૂતાનના કહેવા પ્રમાણે અભયારણ્યની જમીન હંમેશા તેની હતી અને તેની જ રહેશે.
ચીન ભલે તે જમીન વિવાદિત હોવાનો દાવો કરે પરંતુ વાસ્તવિકતા એ છે કે સાકતેંગ વન્યજીવ અભયારણ્યની જમીનને લઈ કદી કોઈ વિવાદ નથી થયેલો. હકીકતે ભૂતાન અને ચીન વચ્ચે સીમાંકન નથી થયેલું જેથી બેઈજિંગ તેનો ફાયદો ઉઠાવવાની ફિરાકમાં છે.
ભૂતાને ચીનની આ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. તેણે ચીની પ્રતિનિધિને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે સાકતેંગ વન્યજીવ અભયારણ્ય ભૂતાનનો અભિન્ન અને સાર્વભૌમિક હિસ્સો છે. નોંધમાં લેવા જેવી વાત એ છે કે સાકતેંગ અભયારણ્ય કદી ગ્લોબલ ફન્ડિંગનો હિસ્સો નથી રહ્યું.
પહેલી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આ અભયારણ્ય જ્યારે એક પરિયોજના સ્વરૂપે સામે આવ્યું તો ચીને આ મોકાનો ફાયદો ઉઠાવવા જમીન હડપવા પોતાનો દાવો ઠોકી દીધો હતો. જો કે ચીનના વિરોધ છતા કાઉન્સિલના મોટા ભાગના સદસ્યો દ્વારા આ પરિયોજનાને મંજૂરી મળી ગઈ છે.
કાઉન્સિલમાં ચીનનો પ્રતિનિધિ છે પરંતુ ભૂતાનનો પોતાનો કોઈ પ્રત્યક્ષ પ્રતિનિધિ નથી. ભારતના વરિષ્ઠ IAS અધિકારી અપર્ણા સુબ્રમણિએ તેનું નેતૃત્વ કર્યું હતું જે વિશ્વબેંકમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ અને શ્રીલંકાના પ્રભારી છે.
અગાઉ બે જૂનના રોજ જ્યારે પરિયોજનાઓ અંગે ચર્ચા થઈ રહી હતી ત્યારે કાઉન્સિલના ચીની પ્રતિનિધિ ઝોંગજિંગ વાંગે ભૂતાનની પરિયોજના અંગે આપત્તિ દર્શાવી હતી. તે સમયે અપર્ણા સુબ્રમણિએ આ દાવાને પડકારી શકાય છે તથા ભૂતાનના સ્પષ્ટીકરણ વગર તેના અંગે આગળ વધવું ઉચિત નથી તેમ કહ્યું હતું. બેઠકમાં તે મુદ્દે ચર્ચા થઈ હતી અને મોટા ભાગના સદસ્યોએ ચીનના વિરોધ છતા ભૂતાનની પરિયોજનાને મંજૂરી આપી હતી.
Comments
Post a Comment