આકાશી વીજળી: નભનો ચમકારો કઈ રીતે જીવલેણ બને છે?
ચોમાસામાં આકાશમાંથી વીજળી પડે અને કોઈનું મોત થાય એ ઘટના દુનિયા માટે નવી નથી. એમાંય ભારત જેવા ખેતી આધારીત, ચોમાસા પર નિર્ભર રહેનારા દેશ માટે વીજળી પડવી અને તેનાથી મોત થવું એ સામાન્ય ઘટના છે. પરંતુ ૨૪-૨૫ જૂન દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડી તેનાથી ૧૧૩ મૃત્યુ નોંધાયા.
આખા જગતે આ સમાચારની નોંધ લીધી. કેમ કે વીજળી પડવાથી આટલા બધા લોકો મૃત્યુ પામે એવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી નથી.
ભારતમાં વધુ મોત થવાનું મુખ્ય કારણ આગોતરી ચેતવણીનો અભાવ છે. વળી લોકો ગર્જનાભર્યા વાતાવરણ વચ્ચે પણ ખેતરમાં કે ખુલ્લામાં કામ કરતા હોય છે, માટે તેમના પર વીજળીની વિશેષ અસર થવાની સંભાવના રહે છે.
વીજળીથી થતા મોતમાં દર વખતે કોઈના માથા પર ત્રાટકે અને મૃત્યુ થાય એવું નથી બનતું. વીજળીથી થતા મોતના વિવિધ પ્રકાર છે. જેમ કે..,
ડાઈરેક્ટ સ્ટ્રાઈક: ખુલ્લા મેદાનમાં કોઈ વ્યક્તિ પર વીજળીનો શેરડો ખાબકે અને મૃત્યુ થાય એ ડાઈરેક્ટ સ્ટ્રાઈક. એવી વ્યાપક માન્યતા છે કે ડાઈરેક્ટ સ્ટ્રાઈકથી વધુ મોત થતા હોય છે. પરંતુ સૌથી ઓછા મોત આ પ્રકારની વીજળી પડવાથી થાય છે. એ વખતે વીજળી કોઈ અવરોધ વગર સીધી શરીર પર પડી સમગ્ર ચામડી પર ફરી વળે છે. આ દુર્લભ પ્રકાર છે, તેનાથી મોત પણ ૫ ટકાથી વધારે થતા નથી.
ગ્રાઉન્ડ કરન્ટ: વીજળી સીધી વ્યક્તિ પર ન પડે, કોઈ ઓથ દ્વારા પણ વ્યક્તિ પર ન પડે, પરંતુ જમીનમાર્ગે પ્રવાસ કરી શરીરમાં ઉપર ચડે એટલે ગ્રાઉન્ડ કરન્ટ. વીજળી વૃક્ષ કે કોઈ ઊંચા સ્થળ પર પડી જમીનમાં ઉતરી, જમીનમાં જ આડો પ્રવાસ કરે અને એ દરમિયાન સંપર્કમાં આવેલા સજીવને વીજળીની અસર થાય છે. ઘણી વખત કોઈ ચણિયારમાં રહેલા સંખ્યાબંધ પશુ એક સાથે વીજળીથી મૃત્યુ પામવાનો કિસ્સો નોંધાય તો એમાં ગ્રાઉન્ડ કરન્ટ કારણભૂત હોવાનો. વીજળીથી થતા કુલ મોત પૈકી ૫૦-૫૫ ટકા મોત આ પ્રકારથી થાય છે. ગ્રાઉન્ડ કરન્ટ એ સૌથી ઘાતક છે. એટલે જ વીજળી સાથે કામ લેતાં કર્મચારીઓ પગમાં પણ વીજ-અવાહક જુત્તાં પહેરી રાખતા હોય છે. ખુલ્લાં પગે ખેતરમાં કામ કરતી વખતે ગ્રાઉન્ડ કરન્ટ ત્રાટકે તો બચવું મુશ્કેલ છે.
સાઈડ ફ્લેશ: સાઈડ ફ્લેશ કે સ્પ્લેશ એટલે કોઈ મોટી ચીજ પર ત્રાટકીને બાજુમાંથી પસાર થતા વ્યક્તિ ત્રાટકે.
કોઈ વ્યક્તિ વરસાદ કે વાવાઝોડાથી બચવા માટે કોઈ આશ્રય નીચે ઉભો રહે ત્યારે આ પ્રકારની વીજળીનો ભોગ બનતી હોય છે. ગ્રાઉન્ડ સ્ટ્રાઈક પછીનો આ બીજો ઘાતક પ્રકાર છે. વીજળીથી થતા કુલ મોતમાં સાઈડ ફ્લેશનો ફાળો ૩૦-૩૫ ટકા હોય છે.
કન્ડક્શન: આકાશમાંથી પડતી વીજળીને ધાતુ સીધી આકર્ષતી નથી. પરંતુ ક્યાંક વીજળી પડે ત્યાંથી ધાતુનો તાર, ફેન્સિંગ વગેરે પસાર થતું હોય તો એ આકાશી વીજળી માટે હાઈવે બને છે. કોઈ વ્યક્તિ દૂર એ તારને અડકીને ઉભી હોય તો એ કન્ડક્શનનો ભોગ બને. કોઈ વ્યક્તિ ઘરની અંદર હોય છતાં વીજળીનો ભોગ બને તો તેની પાછળ કન્ડક્શન સ્ટ્રાઈક જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત ટેલિફોન લાઈન, પાણીની પાઈપ દ્વારા કે ઘરના વાયર દ્વારા છેક અંદર સુધી વીજળી પહોંચ્યાના કિસ્સા નોંધાતા રહે છે.
મોટે ભાગે વીજળી આટલા પ્રકારથી ત્રાટકીને કોઈ વ્યક્તિને ઘાયલ કરે કે પછી મૃત્યુ નિપજાવતી હોય છે.
વીજળીની ઘાતક અસરથી સૌ વાકેફ જ હોય. કેમ કે ઘરમાં વીજ ઉપકરણો સાથે કામ લેતી વખતે ક્યારેક શોક લાગે તો શું થાય એ આપણે જાણીએ છીએ. આકાશી વીજળી પણ ઘરેલું વીજળી જેવી જ છે, પણ તેનું સ્વરૂપ મોટું છે, વ્યાપ અનેકગણો છે.
આકાશમાંથી ત્રાટકતી વીજળીમાં કરોડોથી માંડીને અબજો વોલ્ટેજ સુધીનો પાવર હોય છે.
વીજળી કોઈ વ્યક્તિ પર પડે એમાં ૯૦ ટકા કિસ્સામાં તો એ વ્યક્તિ બચી જાય, પણ ઘાતક ઈજામાં શરીરનું એકાદ અંગ ગુમાવવુ પડે એવુ બને. વીજળી શરીરમાં એક છેડેથી ઘૂસીને બીજા છેડે નીકળી જાય છે.
એ દરમિયાન તે જ્ઞાાનતંતુ અને હૃદયને ભારે નુકસાન પહોંચાડી દે. જ્ઞાાનતંતુઓ વગર શરીર ચાલે નહીં, હૃદયને ઈજા થાય તો આખા શરીરમાં લોહી પહોંચાડવાની કાર્યવાહી અટકી જાય. શરીર મોટું હોય તો વીજળીને પ્રવાસનો વિસ્તાર અને સમય વધુ મળે. એટલે નુકસાન પણ વધારે કરે.
ભારત અને વીજળીને ગાઢ સંબંધ છે. ઉત્તર પ્રદેશ-બિહારમાં સોથી વધારે જીવ લીધા એ કદાચ ભારત માટે વિક્રમ પણ હોય તો નવાઈ નહીં. પણ વિશ્વવિક્રમ ૧૯૯૪માં ઇજિપ્તમાં નોંધાયો હતો.
એ વખતે વીજળીથી ડાયરેક્ટ નહીં પણ ઈનડાયરેક્ટ ૪૬૯ મોત થયા હતા. કેમ કે વીજળી ઓઈલ ટેન્કર પર ત્રાટકી હતી. એ પછી વિસ્ફોટ પામેલા ટેન્કરે ખાના-ખરાબી સર્જી દીધી હતી. ભારતમાં જે મોત નોંધાયા એ વિવિધ જિલ્લાના, વિવિધ વિસ્તારના છે. વીજળીના એક જ કડાકે મોતનો વિક્રમ ૧૯૭૫માં ઝિમ્બાબ્વેમાં નોંધાયો હતો, જ્યારે એક જ ઝટકાભેગા ૨૧ લોકો માર્યા ગયા હતા.
ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ ૨ હજાર મોત થાય છે. ૨૦૧૭માં વીજળીથી ૨૮૮૫ અને ૨૦૧૮માં ૨૩૫૭ મોત થયા હતા. ૨૦૧૬ના વર્ષે જ બિહાર, જારખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ચાર રાજ્યમાં વીજળીથી ૯૩ વ્યક્તિના મોત થયા હતા.
આ વર્ષે પણ મૃત્યુનો વધુ વિક્રમ ત્યાં જ નોંધાઈ રહ્યો છે. ૨૦૧૯માં એકલા ઉત્તર પ્રદેશમાં વીજળીથી ૨૩૯ મોત થયા હતા.
વરસાદ, ગરમી, ઠંડીથી થતા મોતની સામાન્ય રીતે નોંધ લેવાતી હોય છે. પણ હકીકત એ છે કે ભારતમાં વિવિધ કુદરતી આફતમાં વધારે મોત વીજળી ત્રાટકવાથી થાય છે.
વીજળી એ આકાશી આફત છે, મનુષ્ય રોકી શકવાનો નથી. તેનાથી સાવધાની રાખવી, ગાજવીજના વાતારણમાં સલામત જગ્યાએ, ઘરમાં રહેવું અને સાવધાની રાખવી એ જ ઉપાય છે.
વીજળી પડવાના કેટલાક વિક્રમો
- એપ્રિલ ૨૦૧૮ દરમિયાન આંધ્ર પ્રદેશમાં ૧૩ કલાકમાં ૩૬,૭૪૯ વખત વીજળી પડી હતી. આ આંકડો સામાન્ય કરતાં અનેકગણો વધારે હતો. વીજળી ત્રાટકવાથી આખા રાજ્યમાં ૯ વ્યક્તિના મોત પણ થયા હતા. તેના આગલા વર્ષે આખા મે મહિનામાં ૩૦ હજાર વખત વીજળી પડી હતી. એક જ દિવસમાં આખા મહિના કરતા વધારે વીજળી નોંધાઈ હતી.
- સુર્યમાળાના સૌથી કદાવર ગ્રહ ગુરુ (જ્યુપીટર)ની સપાટી પર સતત લાઈટ દેખાતી રહે છે. ગેસથી બનેલા એ જાયન્ટ ગ્રહ પર કોઈ રહેતું નથી એટલે કૃત્રિમ પ્રકાશ તો ત્યાં હોવાનો કોઈ સવાલ નથી. તો પછી એ લાઈટના શેરડા છે શેના? સંશોધકોને મૂંઝવતા સવાલનો જવાબ ૪૦ વર્ષ પછી જૂનો સ્પેસક્રાફ્ટે લીધેલી તસવીરો દ્વારા મળ્યો. એ લાઈટના શેરડા ત્યાં ત્રાટકતી વીજળીના હતા!
- વિશ્વમાં સૌથી વધુ વીજળી દક્ષિણ અમેરિકા ખંડના દેશ વેનેઝુએલાના માર્સિબો તળાવમાં ખાબકે છે. નાસાએ ૧૬ વર્ષ સુધીનો ડેટા એનાલિસિસ કર્યા પછી જાહેર કર્યું કે તળાવના આકાશમાં વર્ષે દર ચોરસ કિલોમીટરે ૨૩૩ વખત વીજળી ત્રાટકે છે.
- વીજળીને ચમકારે મોતીડા પરોવો... ગંગાસતીનું એ ભજન ગુજરાતી લોકસાહિત્યમાં અમર સ્થાન ધરાવે છે. કેમ? કેમ કે તેમાં કઈ ક્ષણે શું કરવુ તેની ખબર પડવી જોઈએ એ વાતનું મહત્ત્વ દર્શાવ્યું છે. વીજળીનો ચમકારો આમેય મીલીસેકન્ડમાં અને ક્યારેક સેકન્ડમાં ખતમ થઈ જતો હોય છે. પરંતુ અત્યાર સુધીમાં નોંધાયેલો સૌથી લાંબો સમય દેખાયેલો ચમકારો ૧૬.૭૩ સેકન્ડનો હતો. માર્ચ ૪, ૨૦૧૯ના દિવસે એ ચમકારો આર્જેન્ટિનાના ગગનમાં જોવા મળ્યો હતો. એટલી વારમાં બહુ બહુ તો એકાદ મોતીડું પરોવી શકાય.
Comments
Post a Comment