દિલ્હીની વાત : મોદી યોગીને વખાણવા જતાં ગૌરવ ચૂકી ગયા


મોદી યોગીને વખાણવા જતાં ગૌરવ ચૂકી ગયા

નવીદિલ્હી, તા.26 જૂન 2020, શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં આત્મનિર્ભર રોજગાર યોજના લોંચ કરતી વખતે યોગી આદિત્યનાથનાં વખાણ કરવાના ઉત્સાહમાં મોદી ગૌરવ ચૂકી ગયા. મોદીએ યોગીને વખાણવા માટે ઉત્તર પ્રદેશમાં કોરોનાના કારણે થયેલાં મોતની સરખામણી અમેરિકા અને યુરોપના ચાર દેશો ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, ઈંગ્લેન્ડ સાથે કરી.

આ દેશો જેટલી જ વસતી હોવા છતાં ઉત્તર પ્રદેશમાં મોતનો આંકડો સાવ ઓછો છે એ યોગીની કાર્યક્ષમતા દર્શાવે છે એવું મોદીનું નિવેદન ઘણાંને આઘાત આપી ગયું. મોતના આંકડાના આધારે કોઈને સક્ષમ સાબિત કરવા એ તંદુરસ્ત માનસિકતા ના કહેવાય એવી ટીપ્પણી રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે.

મોદી કોરોના મુદ્દે રાજકારણ નહીં રમવાની સૂફિયાણી સલાહ સૌને આપે છે પણ તેમણે પોતે જ હલકી રાજકીય કોમેન્ટ આ પ્રવચનમાં કરી. મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પહેલાંની સરકારો ઓછી હોસ્પિટલો, ઓછા બેડ હોવાનાં બહાના બતાવીને પડકાર લેવાના બદલે ભાગી ગઈ હોત પણ યોગીએ સ્થિતીને સમજીને યુધ્ધના ધોરણે કામ કર્યું. મોદીએ નહેરૂના શાસન વખતે કુંભ મેળામાં થયેલાં મોત અંગે કરેલી કોમેન્ટની પણ ટીકા થઈ રહી છે.

ચીનની ઘૂસણખોરી મુદ્દે મોદી સરકારનું ભેદી મૌન

ચીન સરહદે ચાલી રહેલા સંઘર્ષ મુદ્દે મોદી સરકાર હજુ ચૂપ છે ત્યારે હવે એવા અહેવાલ આવ્યા છે કે, ચીનનું લશ્કર ભારતની સરહદમાં ૧૮ કિલોમીટર અંદર સુઘી ધૂસી ગયું છે. ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી અને કોંગ્રેસના નેતા પલ્લમ રાજુએ ગ્રાઉન્ડ રીપોર્ટના આધારે આક્ષેપ કર્યો છે કે, ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વના વાય-જંક્શનમાં છેક અંદર સુધી ઘૂસી આવ્યું છે. આ પ્રકારના અહેવાલ કેટલાંક અખબારોમાં પણ છપાયા છે.

બીજી તરફ ગલવાન ઘાટીની નવી સેટેલાઈટ તસવીરો બહાર આવી છે તેમાં ચીને ભારતના વિસ્તાર તરફ પાકો રોડ બનાવી દીધો હોવાનું દેખાય છે. આ તસવીરો ૨૨ જૂનની જ છે એ બાબત વધારે ચોંકાવનારી છે.

ચીન સરહદે ચાલી રહેલી આ બધી હિલચાલ અને આક્ષેપો અંગે મોદી સરકાર પોતે સત્તાવાર રીતે કશું બોલતી નથી. તેના બદલે કેટલીક ચેનલોમાં સરહદે કરાયેલાં બાંધકામ ભારતે કર્યાં છે એવી સ્ટોરી  ચાલે છે. મોદી સરકારની ચૂપકીદી અને મીડિયાના સમાચારોના કારણે લોકોના મનમાં શંકાઓ ઘેરી બની રહી છે.

વાજપેયીએ ચીનને ભણાવેલા પાઠનો કિસ્સો વાયરલ

ચીન મુદ્દે મોદી સરકાર નબળી સાબિત થઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે અટલ બિહારી વાજપેયીનો ચીનને લગતો કિસ્સો વાયરલ થયો છે. ૧૯૬૨ના યુધ્ધ પછી ૧૯૬૫માં ચીને ફરી ભારતની જમીન હડપ કરવા કાવાદાવા શરૂ કર્યા હતા. ચીને ભારતના સૈનિકો દ્વારા ઘેટાં અને યાકની ચોરી કરવાના આક્ષેપો કરીને યુધ્ધનાં બહાનાં શોધવા માંડયાં હતાં.

વાજપેયી એ વખતે જનસંઘના સાંસદ હતા. વાજપેયીએ ૮૦૦ જેટલાં ઘેટાં ભેગાં કરીને દિલ્હીના ચીનના દૂતાવાસમાં ઘૂસાડી દીધાં હતાં. દરેક ઘેટાના ગળામાં પ્લેકાર્ડ લગાવેલું હતું કે, મને મારીને ખાઈ લો પણ દુનિયાને બચાવી લો.

તમતમી ગયેલા ચીને લાલ બહાદુર શાસ્ત્રીને પત્ર લખીને આ હરકતને પોતાનું અપમાન ગણાવીને વાજપેયી સામે પગલાંની માગણી કરી હતી. શાસ્ત્રી સરકારના ઈશારે આ પ્રકારનો વિરોધ થયો હોવાનો આક્ષેપ પણ ચીને કર્યો હતો.

વાજપેયી સત્તામાં નહોતા છતાં ચીન સામે ભિડાવાની હિંમત બતાવી હતી. મોદી સત્તામાં છે છતાં કશું કરતા નથી એવી કોમેન્ટ્સ થઈ રહી છે.

કેન્દ્ર નહેરૂ-ગાંધી સામે પગલાં કેમ નથી ભરતી ?

નહેરૂ-ગાંધી પરિવારના રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનના દૂતાવાસ પાસેથી દાન મળ્યાના આક્ષેપ પછી હવે ભાજપે આક્ષેપ કર્યો છે કે, આ ફાઉન્ડેશનને પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રીલીફ ફંડમાંથી પણ ત્રણ વાર દાનના નામે નાણાં અપાયાં હતાં. ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ સરકારના આ કૃત્યને દેશના નાગરિકો સાથે વિશ્વાસઘાત અને મોટી છેતરપિંડી ગણાવીને કોંગ્રેસ માફી માંગે એવી માગણી કરી. નડ્ડાના આક્ષેપો પછી ભાજપના બીજા નેતા પણ આ કોરસમાં જોડાઈ ગયા.

ભાજપે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દાને ચગાવવાની કોશિશ કરી પણ તેના પાસા અવળા પડી ગયા. આ આક્ષેપોને સમર્થન આપવાના બદલે લોકો ઉલટા સવાલો કરી રહ્યા છે કે, કોંગ્રેસ શાસનમાં આટલો ભ્રષ્ટાચાર થયો તો કોઈની સામે મોદી સરકાર પગલાં કેમ લેતી નથી ? કેન્દ્રમાં છ વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે નહેરૂ-ગાંધી ખાનદાનના કહેવાતા ભ્રષ્ટાચાર સામે ભાજપ ક્યારે પગલાં ભરશે ? લોકોના સવાલો પછી ભાજપના નેતાઓની બોલતી બંધ છે.

કમલનાથને પેટાચૂંટણી પહેલાં અંદર કરી દેવાશે

સીબીઆઈએ શુક્રવારે કમલનાથના ભાણિયા રતુલ પુરીને ત્યાં દરોડા પાડયા એ સાથે જ એવી અટકળો તેજ બની છે કે,મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ૨૪ બેઠકોની પેટાચૂંટણી પહેલા કમલનાથને અંદર કરી દેવાશે. રતુલની માતા નીતા પુરી કમલનાથનાં બહેન છે.  પુરી પરિવાર પર ૭૮૭ કરોડના બેંક કૌભાંડના સંદર્ભમાં દરોડા પડયા છે.

રતુલ પુરીના બહાને મોદી સરકાર કોંગ્રેસના બીજા કેટલાક નેતાઓ ફરતે પણ ગાળિયો કસશે. પુરી અગસ્ટા વેસ્ટલેન્ડ સોદાને લગતા મની લોન્ડરિંગ કેસમાં પણ આરોપી છે. આ કેસમાં તેની સામે ચાર્જશીટ પણ દાખલ થઈ ગયું છે અને જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે.  આ કેસમાં કોંગ્રેસના ઘણા નેતાઓનાં નામ ઉછળ્યાં છે ને તેમનો પણ વારો પડી જશે એવું સૂત્રો કહે છે.

મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરતાં ભાજપ ડરેલો છે. કમલનાથ જૂના ખેલાડી છે તેથી મોટો દાવ ખેલીને ફરી સત્તા કબજે કરી શકે એવો ભાજપને ડર છે. આ ડર ના રહે એટલે કમલનાથને ફિટ કરી દેવાની ભાજપની યોજના છે.

કોરોના ટેસ્ટમાં ઉછાળા પાછળ કેજરીવાલની ચાલાકી

દિલ્હીમાં અચાનક જ કોરોના ટેસ્ટની સંખ્યામાં આવેલા ઉછળાએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પહેલાં રોજના ૬૫૦૦ જેટલા ટેસ્ટ થતા હતા ત્યાર હવે રોજ ૧૮ હજારની આસપાસ ટેસ્ટ થાય છે. દિલ્હી હાઈકોર્ટે ઓછા ટેસ્ટના મુદ્દે કેજરીવાલ સરકારને ખરાબ રીતે તતડાવી પણ હતી.

આ ઉછાળા પાછળ કેજરીવાલ સરકારની ચાલાકી જવાબદાર છે. કોરોના માટે આરટી-પીસીઆર ટેસ્ટ સૌથી એક્યુરેટ મનાય છે. પહેલાં દિલ્હીમાં આ જ ટેસ્ટ થતા હતા પણ હાઈકોર્ટે ખખડાવતાં રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરી દેવાયા છે. કેજરીવાલ સરકારે પોતે હાઈકોર્ટમાં આ માહિતી આપી છે.

રેન્ટિજન ટેસ્ટ ઝડપથી થાય છે અને સાવ સસ્તામાં પણ થાય છે પણ એક્યુરેટ નથી. દિલ્હી સરકાર ધીરે ધીરે એન્ટિજન ટેસ્ટ વધારી રહી છે કે જેથી ટેસ્ટનો આંકડો મોટો લાગે પણ તેના કારણે દિલ્હીવાસીના રોગનું સાચું નિદાન નહીં થઈ રહી હોવાનો ખતરો પણ વધતો જાય છે.  

***

ચીન સાથેની વાટાઘાટો 20-20 નથી ટેસ્ટ મેચ, સમય લાગશે

ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે જેની હજુ શરૂઆત થઇ નથી તે અંકુશ રેખા પાસે ભારતીય અને ચીની ફોર્વર્ડ પોસ્ટને ખસેડવી  આટલી સરળ પ્રક્રિયા નથી.આ એક ખુબ લાંબી પ્રક્રિયા છે.'તમે કહી શકો છો કે આ ક્રિકેટની ટેસ્ટ મેચ છે, ૨૦-૨૦ મેચ નથી'એમ પોતાનું નામ નહીં આપવાની શરતે એક નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું.૨૨ જૂને આયોજીત ૧૧ કલાકની બેઠકમાં ચીની અને ભારતીય સેનાના કમાન્ડરો એ વાતે સંમંત થયા હતા.પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ત્યાંની સ્થિતીમાં જરાય ફેર પડવાનો નથી.પરિવર્તનમાં સપ્તાહો અથવા મહિનાઓ પણ લાગી શકે છે, એમ એક એન્ય અધિકારીએ કહ્યું હતું. ત્યાંથી ખસવાની પ્રકિયા લાંબી અને ખુબ ગુંચવાયેલી છે, એમ ઉત્તરીય કમાન્ડના પૂર્વ કમાન્ડર ડી.એસ.હુડ્ડાએ કહ્યું હતું. લદ્દખા સેકટરની સુરક્ષાની સ્થિતીનું નિરિક્ષણ કર્યા પછી દિલ્હી પાછા ફરેલા સેનાના વડા મનોજ નરવાણે એ પણ આ  અંગે કોઇ વાત કરી ન હતી.તો આ તરફ સરકારે પણ પહેલી જ વાર કબુલાત કરી હતી કે અંકુશ રેખા પાસેની સ્થિતી આપણે ઘારીએ એના કરતાં પણ ખરાબ છે.

કેટલાક સવાલોના જવાબ જ નથી

અંકુશ રેખાની બંને બાજુએ પોતપોતાની ટુકડીઓનો ખડકલો કર્યો હતો તેવા અચોક્કસ અને મુઝવી નાંખે એવા સં સંકેતોના બે મહિનાના મોન પછી વિદેશ મંત્રાલયે ગઇ કાલે કહ્યું હતું કે  અનેક સવાલોના કોઇ જવાબ નથી.પહેલું તો એ કે શા માટે ચીની ઘુસણખોરી કરવા આ સમય જ પસંદ કર્યો? લશ્કરી અને રાજદ્વારી કક્ષાએ અનેક રોઉન્ડની મંત્રણા પછી પણ શું ભારત પાસે પુરતી માહિતી છે?અન્ય સવાલોમાં શું અંકુશ રેખા પાસે ટેન્શન ઓછું તશે એ સહિતનો એક સવાલ એ છે કે શું ખરેખર એની શરૂઆત થઇ હતી? શું બંને દેશના વિદેશ મંત્રીઓ અથવા તો વિદેશ સચિવો વચ્ચે સંપર્ક થયો હતો કે કેમ? ભારતની બાબતમાં સુરક્ષા સલાહકાર અજીત ડોવલ સાથે કોઇ વાતચીત થઇ હતી કે કેમ। ૨૦૧૩માં જ્યાં ચીને ઘુસણખોરી કરી હતી તે દેપસંગમાંથી ચીની પીછેહટ કરી હતી?

લોકડાઉન આજના સમયનો સૌથી મોટો ફિઆસ્કો

કોરોનાવાઇરસની મહામારીને રોકવા ૨૫ જૂને શરૂ કરાયેલા ૨૧ દિવસનો લોકડાઉન માત્ર ચાર કલાકની નોટીસ આપી  અને કોઇ પણ મુખ્યમંત્રીને પૂછ્યા વગર કરાયેલી જોહેરાત વડા પ્રધાન મોદી માટે આપણા સમયનો સૌથી મોટો ફિઆસ્કો સાબીત થયો હતો.રાજ્યસભામાં તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રિયાને એક લેખમાં કહ્યું હતું કે 'ચાલો મને આ રીતે કહેવા દો, અભિપ્રાય નહીં, બલકે ભારે આંકડા. લોકડાઉની શરૂઆતમાં૨૫ માર્ચે ભારતમાં માત્ર ૮૬ કેસ હતા, પરંતુ ૨૬ જૂને એટલે કે અનલોક-વનની તારીખે દરરોજ નવા ૭૭૨૩ કેસ બનતા હતા. ત્રણ સપ્તાહ પછી કેસની સંખ્યા ૧૫૧૪૦  ઉપર પહોંચી હતી અને હજુ વધારો થતો હતો.મેના અંત સુધીમાં ઘટાડાને બદલે સંખ્યા વધતી જતી હતી.કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા કરાતી પત્રકાર પરિષદમાં પણ માહિતી અપાઇ હતી.હવે તો ેએમ મનાય છે કે જુલાઇના અંત અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં  ભારતમાં કોવિડ-૧૯ના દર્દીઓની સંખ્યા વધવાની છે, એમ તેમણે કહ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના આઇજીપીને તેના બોસ તરફથી જીવ પર જોખમ

 જમ્મુના ગાંધીનગર પોલીસ સ્ટેશમાં નોંધવામાં ઓવેલી એક ફરીયાદ અનુસાર, આઇજીપી બસતસ રથને તેમના જ બોસ અને રાજ્યના પોલીસ વડા દિલબાગ સિંહ તરફથી જીવ પર  જોખમ ઊભો થયો હતો. રથે ફરીયાદ કરી હતી કે 'મારા જીવન, મારી સ્વતંત્રતા અને ટાલ પર મને જોખમ દેખાય છે તેની નોંધ લેજો.તેનું કારણ છે ૧૯૮૭ બેચના  હાલના રાજ્યના પોલીસ વડા દિલબાગ સિંહની કેટલીક હરકતો.૨૦૦૦ની બેચના ઓડિશા કેડરના રથ બિન લોકપ્રિય વહીવટીમાં પણ લોકોમાં ખુબ લોકપ્રિય બન્યા છે.તેઓ તેમની ટાલના કારણે મજાક મસ્તી કરતાં લોકોમાં લોકપ્રિય બન્યા છે.શ્રીનગરમાં વીઆઇપી ની કારના કાફલાને રોકવા બદલ બે વર્ષ પહેંલા ટ્રાફિક શાખામાંથી દૂર કરાયેલા રથ ત્યાર પછી તો લોકોમાં વધુ લોકપ્રિય બન્યા હતા.શ્રીનગરમાં મેયર જુનેદ મટ્ટુ સાથે થયેલી માથાકુટ પછી તેમની બદલી કરી દેવામાં આવી હતી.

ચીનના બહિષ્કારમાં દિલ્હીની રોસ્ટોરન્ટ અને હોટલો પણ જોડાયા

દિલ્હીના હોટલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સને પત્ર લખી ચીની વસ્તુઓના બહિષ્કારમાં પોતાના સભ્યો પણ જોડાશે તેવી જાહેરાત કરી હતી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે એક પણ ચીની નાગરિકને તેઓ પોતાની હોટલમાં ઉતારો આપશે નહીં.'દિલ્હીના એક પણ ગેસ્ટહાઉસમાં ચીની ગ્રાહકોને જગ્યા આપવામાં આવશે નહીં.દિલ્હીમાં આશરે ૩૦૦૦ બજેટ હોટલ અને ગેસ્ટ હાઉસ છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો