રાજ્યમાં ભરતી પ્રતિબંધ ?


રાજ્યમાં જાહેર કર્યા વિનાનો ભરતી પ્રતિબંધ લાગુ કરવામાં ભાજપ સરકારની ચાલાકી અને ચતુરાઈ મહત્ અંશે કારગત નીવડી છે. કોરોનાના નવા પાલવ પાછળ ભાજપ સરકારે ભલે પોતાનું મુખારવિંદ છુપાવી રાખ્યું હોય પણ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ત્રણ વરસથી ગુજરાત સરકાર દ્વારા એક પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરવામાં આવી નથી. કોરોના તો છેલ્લા ત્રણ ચાર મહિનાથી હાથ લાગેલું બહાનું છે. 

રાજ્ય સરકાર દ્વારા અત્યારે કુલ પચાસથી વધારે જાહેર થઈ ગયેલી અને વિવિધ આગળના તબક્કા સુધી પહોંચી ગયેલી ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે. એમાંય જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની તો તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને માત્ર નિમણૂક પત્રો જ આપવાના છે જેને કોઈ પણ કાનૂની વિવાદ ન હોવા છતાં ચાર વરસથી સરકારે અટકાવી રાખ્યા છે. એની પાછળનું કોઈ તાર્કિક કારણ નથી.

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ થોડા સમય પહેલા મૌખિક રીતે એવું કહ્યું હતું કે જ્યાં સુધી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના જીઆરનું સોલ્યુશન નહિ લાવી શકાય ત્યાં સુધી તમામ ભરતીઓ મોકૂફ રાખવામાં આવે છે. આ પ્રકારની મોકૂફીનો કોઈ લિખિત હુકમ સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.

હવે આ જે જીઆરની આડશ લેવામાં આવે છે તે જીઆર એટલે તા. ૧/૮/૧૮ના રોજ સામાન્ય વહીવટ વિભાગે કરેલો એક ઠરાવ છે જેમાં મુદ્દા નંબર બાર અને તેરમાં મહિલાઓની ભરતી સંબંધે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ સ્પષ્ટતા મહિલાઓને તેત્રીસ ટકા અનામતનો મહિલા તરીકે લાભ મળે તો પછી એમાં એમને જ્ઞાાતિ જાતિ આધારિત અનામતનો લાભ મળે કે નહિ તે અંગે સરકારે પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરેલું છે. ઉપરાંત આ જીઆરને કોઈ પણ રીતે અદાલતમાં પડકારવામાં આવ્યો નથી.

છતાં સરકાર જે પોતાના જ ઠરાવને વિવાદાસ્પદ માનતી હોય તો બંધારણને ધ્યાનમાં રાખીને એને પોતે જ સુધારી શકે છે. કેટલાક વિરલ કિસ્સામાં સરકાર સ્વયં પણ સામે ચાલીને અદાલતનું માર્ગદર્શન મેળવી શકે છે.

પરંતુ તા. ૧/૮/૧૮ ના ઠરાવ સંબંધિત રાજ્ય સરકાર નિષ્ક્રિય રહેવા ચાહે છે જેથી હજુ પણ લાંબા ગાળા સુધી ભરતી પ્રક્રિયા અટકાવી શકાય. રાજ્ય સરકારની આ પદ્ધતિ રાજ્યમાં એક રીતે અઘોષિત ભરતી પ્રતિબંધની સ્થિતિ સર્જે છે. જેમાં નવી પેઢીના અનેક ઉમેદવારો અટવાઇ ગયેલા છે.

હજારો નિમણૂકો, પસંદગીની તમામ પ્રક્રિયા પૂરી થયા પછી પણ પેન્ડિંગ છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં સરકારી તંત્રની લાપરવાહીથી કૌભાંડ થયા જેને છાવરવાનો તે સમયે સરકારે બહુ પ્રયત્ન કર્યો. છેવટે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ આંદોલન કર્યું ત્યારે રાજ્ય સરકારે એ પરીક્ષા રદ કરી. એને પણ આજે ત્રણ વરસ થવા આવ્યા તો પણ એ કસોટીની કોઈ નવી તારીખ સરકારે હજુ સુધી આપી નથી. ઉપરાંત એમાં તો ઉક્ત જીઆર પણ નડતો નથી કારણ કે એ ભરતી તો ઈ. સ, ૨૦૧૪ના જીઆર પ્રમાણે થયેલી છે.

હજારો ભરતીઓ વધુ ને વધુ અટવાય તેવા ઈરાદા સરકારના છે. સરકારની દાનત કે ઇચ્છાશક્તિ ભરતી કરવા તરફની નથી એ સ્પષ્ટ દેખાય છે. એક તરફ સરકાર કહે છે કે કોરોના સંબંધિત સંયોગો સાથે કામ કરતા શીખી જાઓ અને બીજી તરફ પોતે જે કામ કરવા જ નથી ત્યાં કોરોનાનું બહાનું આગળ ધરે છે.

જીપીએસસીની પરીક્ષામાં સફળ થવા માટે ઉમેદવારો ચાર-પાંચ વરસથી મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓની મહેનત અટકાવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગ પર પણ પ્રતિબંધ છે. સરકાર ધારે તો ચોક્કસ ગાઈડલાઈન સાથે એ શરૂ કરાવી શકે છે.

હજારો વિવિધ જગ્યાઓ એવી છે જેમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાઈ ગયા છે પરંતુ એની પ્રાથમિક પરીક્ષાની તારીખ કે કોલલેટરનું કામ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પાટનગરમાં તમામ સરકારી વિભાગો ધમધમાટ સાથે કામમાં પરોવાયેલા છે અને બધા જ વહીવટીય કામકાજ ચાલે જ છે ત્યારે સરકારે વિવિધ ભરતી બોર્ડને સ્પષ્ટ મૌખિક સૂચના આપી છે કે ભરતી સંબંધિત કોઈ જ હલચલ કરવાની નથી.

રાજ્ય સરકારે ત્રણેક વરસ પહેલા એક વખત આ સ્થગિતતાને પુનઃ સામાન્ય કે પ્રવાહિત કરવા માટે પ્રયત્ન કર્યો હતો. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદમાં ભરતી પ્રક્રિયા પુનઃ સામાન્ય કરવાની વાત કરી હતી અને જરૂર જણાય ત્યાં ન્યાયિક રીતે તા. ૧/૮/૧૮ના ઠરાવને સુધારવાની વાત કરી હતી. પરંતુ અનામત વર્ગના અને બિન અનામત વર્ગના એમ બન્ને મહિલા સમુદાયોને સાંભળ્યા પછી સરકાર મુંઝવણમાં મૂકાઈ ગઈ હતી.

જો કે તો પણ સરકારે તત્કાલીન તો પોતાના સુપર ન્યૂમેરિક પાવરનો ઉપયોગ કરીને મહિલાઓ માટે બેઠકોમાં એવી રીતે વધારો કરી આપ્યો હતો કે જે સર્વસ્વીકૃત નીવડે. પણ પછીથી ખુદ સરકારે જ નવયુવાનોની ભરતી સંબંધિત તમામ ફાઈલો અભરાઈ પર અલબત્ત, સાચવીને મૂકી દીધી છે. રાજ્ય સરકારના સંખ્યાબંધ ખાતાઓની અનેક નાનીમોટી પોસ્ટ માટેની ભરતીઓ ચોક્કસ રીતે કુનેહપૂર્વક ખોરંભે ચડાવવામાં આવી છે. હવે એની સાથે કોરોનાને સિવીને બેચાર નવા ટાંકા લઈ પૂંછડું લાંબુ કરવાનો પ્રયાસ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે