કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું લોકડાઉન
નવી દિલ્હી, તા. 29 જુન 2020, સોમવાર
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની સ્થિતિ ભયંકર છે અને તે જોતા રાજ્ય સરકારે 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈ અને પુણેમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે લોકડાઉનની મર્યાદા વધારી છે.
ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસોને જોતા રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે, પ્રદેશમાં લોકડાઉન હાલ હટાવવામાં નહી આવે. કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેના કારણે 30 જુનના રોજ લોકડાઉન હટાવવામાં નહી આવે. લોકડાઉનમાં ધીરે-ધીરે છૂટ આપવામાં આવશે.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ જોવામાં આવે તો રાજ્યમાં સ્થિતિ ગંભીર છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 5493 નવા કેસ સામે આવ્યા છે અને 156 લોકોના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતનો આંકડો 7429 થયો છે. રાજ્યમાં કુલ 164,626 કેસ નોંધાયા છે જેમાંથી 70,607 એક્ટિવ કેસ છે. જ્યારે 86,575 દર્દીઓ સ્વસ્થ થયાં છે.
આ હશે લોકડાઉનની શરતો
- માસ્ક પહેરવું ફરજીયાત
- સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી
- મોટી ભીડ એકઠી કરવા પર પ્રતિબંધ
- લગ્નમાં 50 લોકો અને અંતિમ સંસ્કારમાં 50થી વધારે લોકો નહી ભેગા થઈ શકે
- જાહેરમાં થુંકવા પર થશે દંડ
Comments
Post a Comment