પાકિસ્તાને ઉછેરેલો આતંકવાદરૂપી ભોરિંગ તેને જ ડસી રહ્યો છે

- આઝાદી મળ્યા પછી ભારતે આજે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે અને દુનિયાની આર્થિક, લશ્કરી અને ટેકનોલોજીકલ મહાસત્તાઓમાં સ્થાન મેળવ્યું છે જ્યારે પાકિસ્તાન માત્ર આતંકવાદની ફેકટરી તરીકે કુખ્યાત થવા સિવાય કશું પામી શક્યું નથી


હાથના કર્યા હૈયે વાગ્યા કહેવતની યથાર્થતા સમજવી હોય તો પાડોશી પાકિસ્તાનનો દાખલો લેવો જોઇએ. આતંકવાદરૂપી ભોરિંગને પાળનાર પાકિસ્તાનને એ સાપ જ અવારનવાર ડંખ મારતો રહે છે.

પાકિસ્તાનના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની મનાતા કરાચી શહેર ખાતેના સ્ટોક એક્સચેન્જ પર આત્મઘાતી હુમલો થયો જેમાં ચાર આતંકવાદીઓ સહિત ૯ જણાં માર્યા ગયાં. આતંકવાદીઓ સ્ટોક એક્સચેન્જની અંદર ઘૂસવા માંગતા હતાં અને એ માટે તેમણે હેન્ડગ્રેનેડનો ઉપયોગ પણ કર્યો પરંતુ તેમનો ઇરાદો બર ન આવ્યો. હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી નામના સંગઠને લીધી છે.

સોમવારે સવારે સાડા દસ વાગ્યે કરાચી સ્ટોકએક્સચેન્જ રાબેતા મુજબ ખૂલ્યું ત્યારે પીઠ પર બેગ ભરાવેલા ચાર આતંકવાદીઓએ મેઇન ગેટથી પ્રવેશ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અફરાતફરીનો માહોલ સર્જાતા તેમણે હેન્ડગ્રેનેડથી હુમલો કર્યો.

સવારના પહોરમાં ભીડભાડનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓ સ્ટોક એક્સચેન્જમાં ઘૂસવા માંગતા હતાં પરંતુ સિક્યોરિટી ગાર્ડે તેમને ગેટ પર જ રોકી લીધા અને પોલીસને જાણ કરી દીધી. પોલીસ અને રેન્જર્સે ઘટનાસ્થળે પહોંચીને એક્શન લીધી અને એન્કાઉન્ટરમાં ચારેય આતંકવાદીઓ માર્યા ગયા. અથડામણમાં એક પોલીસ ઇન્સપેક્ટર સહિત ચાર સિક્યોરિટી ગાર્ડ્સના પણ મૃત્યુ નીપજ્યાં. 

બલુચિસ્તાન લિબરેશન આર્મીનું નામ પહેલી વખત ૧૯૭૦ના દાયકામાં તત્કાલિન વડાપ્રધાન ઝુલ્ફિકાર અલીના શાસનકાળમાં ભુટ્ટોપ્રકાશમાં આવ્યું હતું. બલોચ લોકો પોતાને પાકિસ્તાનથી અલગ માને છે અને તેઓ પોતાના ક્ષેત્રમાં પાકિસ્તાનની ઘૂસણખોરીથી નારાજ હતાં જેના પરિણામે બલોચ લિબરેશન આર્મી નામનું સંગઠન બન્યું જેણે બલુચિસ્તાનમાં પાકિસ્તાની શાસન વિરુદ્ધ સશસ્ત્ર બળવો આરંભ્યો.

આ સંગઠન અલગતાવાદી છે અને છાપામાર પદ્ધતિથી હુમલા કરવામાં કાબેલ છે. અનેક એવા બનાવો બન્યાં છે જેમાં આ સંગઠને ગેસલાઇન સહિત પોલીસ અને બહારના લોકો પર હુમલા કર્યાં હોય. મીર બાલાચ મેરી આ સંગઠનનો પહેલો કમાન્ડર હોવાનું મનાય છે જે ૨૦૦૮માં અફઘાનિસ્તાનમાં હવાઇ હુમલામાં માર્યો ગયો.

વર્તમાન સમયની વાત કરીએ તો આ સંગઠન ત્રણ મોટા હુમલા કરી ચૂક્યું છે જેમાં ૩૦થી વધારે લોકો માર્યા ગયા છે. સંગઠનમાં આશરે છ હજાર સભ્યો છે અને તેઓ પાકિસ્તાનના સૌથી ખૂંખાર આતંકવાદીઓમાં સમાવેશ પામે છે.

આ સંગઠન આઝાદ બલુચિસ્તાનની માગણી કરે છે અને તેનું માનવું છે કે બલોચ લોકોનો વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે તેમને પાકિસ્તાનથી અલગ કરી દેવામાં આવશે. કરાચી સ્ટોક એક્સચેન્જ પરના હુમલામાં મજીદ બ્રિગેડનું નામ સામે આવ્યું છે. મજીદ બ્રિગેડ બલોચ લિબરેશન આર્મીનું આત્મઘાતી યુનિટ છે અને સૌથી મહત્ત્વનો ભાગ છે. 

કરાચીનો હુમલો જોતાં સ્પષ્ટ છે કે પાકિસ્તાન જે વાવ્યું છે એ જ લણી રહ્યું છે. આજે પાકિસ્તાનમાં ભૂખમરો, ગરીબી, બેરોજગારી અને લાચારી સિવાય કશું નથી. લોકોનું ધ્યાન ભટકાવવા માટે ક્યારેક ઇસ્લામ ખતરામાં છે, તો ક્યારેક કાશ્મીર ખતરામાં છે જેવા અવાજો ઉઠાવીને આતંકવાદને યોગ્ય ઠરાવવાના પ્રયાસો થાય છે.

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ આપણી સંસદ ઉપર હુમલો કર્યો છે, મુંબઇ હુમલાને અંજામ આપ્યો છે અને આપણા આર્મી બેઝ ઉપર તો કેટલીયે વખત હુમલા કર્યાં છે. વળી ચોરી ઉપરથી શિનાજોરીનું વલણ દર્શાવીને પાકિસ્તાન ઉલટું ભારત પર સંઘર્ષવિરામનો ભંગ કરવાના આરોપ મૂકે છે. 

પાકિસ્તાની જમીન ઉપર પોષણ અને રક્ષણ મેળવતા આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં હિચકારા હુમલા કરે છે એનાથી એક બાબત તો જગજાહેર થઇ ચૂકી છે કે પાકિસ્તાન આતંકવાદને પોતાની રાજનીતિનું અભિન્ન અંગ માને છે. ભારતની માંગ છે કે તે પોતાની જમીન ઉપરથી ભારતમાં આતંકવાદ ફેલાવતા સંગઠનોને શરણ ન આપે કે ભારતવિરોધી ગતિવિધિઓને સમર્થન ન આપે. જોકે આતંકવાદને નાબૂદ કરવાની વાત તો દૂર, પાકિસ્તાન ભારતે ખાત્મો બોલાવેલા આતંકવાદીઓને શહીદ ગણાવીને તેમના માનમાં ટપાલ ટીકીટ બહાર પાડે છે.

એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદી જાહેર થયેલો હાફીઝ સઇદ પાકિસ્તાનમાં સમાજસેવાના નામે સંગઠન ચલાવે છે અને રાજકીય પાર્ટી પણ ઊભી કરે છે. પાકિસ્તાની સરકાર અને તેની સેના હાફિઝ સઇદની કામગીરીને બિરદાવે પણ છે. મસૂદ અઝહર જેવા વૈશ્વિક આતંકવાદી પાકિસ્તાનમાં જાહેરમાં ફરે છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસવાનું મુખ્ય કારણ સરહદપારથી ચાલતા આતંકવાદી કરતૂતો છે. એ તો જગજાહેર છે કે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સંગઠનો ભારતમાં અશાંતિ  ફેલાવવાના પ્રયાસોમાં રત રહે છે. જોકે જે કટ્ટરપંથીઓ અને સેનાના સમર્થનથી ઇમરાન ખાન સત્તામાં આવ્યાં હોય એમની વિરુદ્ધ જવાનું સાહસ દાખવવાની તો તેમનામાં હિંમત જ ન હોય એ સ્વાભાવિક છે.

તાજેતરમાં જ પાકિસ્તાની સંસદમાં ઇમરાન ખાને અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદની ઉપમા આપી હતી. પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. 

આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે. કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે.

એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.

કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે.

એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.

દુનિયા પણ જાણી ગઇ છે કે પાકિસ્તાન આતંકવાદીઓનું મનગમતું શરણસ્થાન છે. પાકિસ્તાન આતંકવાદીઓને બેમર્યાદ ફંડ પૂરું પાડે છે. આતંકવાદીઓ અને આતંકવાદ સપ્લાય કરતા આકાઓ પાકિસ્તાનની ધરતી ઉપર સરેઆમ ફરે છે. ભારતને નબળું પાડવા માટે પાકિસ્તાની સેના આતંકવાદીઓને ચાર હાથે મદદ કરે છે.

આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવા માટે કાયમ પ્રયાસો કર્યા કરે છે. દગાબાજી માટે જાણીતી પાકિસ્તાની સેના સરહદ પર છાશવારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતના જાબાંઝ જવાનોના જીવ લે છે. ટેરરિસ્તાનની ઉપમા મેળવી ચૂકેલું પાકિસ્તાન એવી તમામ નાપાક હરકતો કરે છે જે ભારતને નુકસાન પહોંચાડે.

આર્થિક રીતે ખસ્તાહાલ બની ચૂકેલા પાકિસ્તાનને હજુ પણ માનવતા અને શાંતિનો માર્ગ દેખાતો નથી. પાકિસ્તાની સેના અને આઇએસઆઇની છત્રછાયા હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પો ચાલી રહ્યાં છે. દુનિયાભરમાંથી ભારે દબાણ છતાં પાકિસ્તાનસ્થિત આતંકવાદીઓને ઉની આંચ પણ આવતી નથી.

પાકિસ્તાન ઉપર ટેરર ફંડિંગ પર લગામ કસવાનું આંતરરાષ્ટ્રીય દબાણ છે. તાજેતરમાં જ આતંકવાદીઓને મળતી આર્થિક સહાયના મામલે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને લપડાક લગાવી છે અને તેને ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. 

વર્ષો સુધી પાકિસ્તાન અમેરિકી ખેરાત પર નભતું આવ્યું છે પરંતુ હવે અમેરિકાએ પણ તેને પડતું મૂક્યું છે. આઝાદી મળ્યા પછી ભારતે આજે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી છે.

દુનિયાની આર્થિક, લશ્કરી અને ટેકનોલોજીકલ મહાસત્તાઓમાં ભારત ગણાવા લાગ્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતે જગતને વિશાળ બુદ્ધિધન પૂરું પાડયું છે. દુનિયાભરના લોકો ભારત સામે ભારે અહોભાવની નજરે જોતા હોય છે જ્યારે પાકિસ્તાન માત્ર આતંકવાદની ફેકટરી તરીકે કુખ્યાત થવા સિવાય કશું પામી શક્યું નથી.

ખરેખર તો પાકિસ્તાન માટે જાગવાનો વખત આવી ગયો છે. ભારતને કનડવા જતાં પાકિસ્તાને છેલ્લા ત્રણ દાયકામાં આતંકવાદના કારણે ભારે નુકસાન વેઠવું પડયું છે. જો હવે તે પોતાની નીતિઓમાં ફેરફાર નહીં કરે અને આતંકવાદને જડમૂળમાંથી નાબુદ કરવા કટિબદ્ધ નહીં બને તો પછી પાછા વળવાનો વખત નહીં રહે.

પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે પાકિસ્તાનની સરકાર કે ત્યાંના રાજકીય પક્ષોનું તેમની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને સેના આગળ ચાલતું નથી. આઇએસઆઇ અને પાકિસ્તાની સેનાની વિરુદ્ધ જઇને આતંકવાદીઓને નાબૂદ કરવામાં સરકારનો ગજ વાગતો નથી. એટલે ગમે તેટલું નુકસાન થવા છતાં પાકિસ્તાન આતંકવાદના માર્ગમાંથી પાછું વળે એ શક્યતા જ નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો