દિલ્હીની વાત : મોદીનું સંબોધન બિહારની ચૂંટણી સભા જેવું
મોદીનું સંબોધન બિહારની ચૂંટણી સભા જેવું
નવીદિલ્હી, તા.30 જૂન 2020, મંગળવાર
મોદીએ મંગળવારે કરેલા રાષ્ટ્રને સંબોધને લોકોને ભારે નિરાશ કરી દીધા. અમિત શાહ સહિતના નેતાઓએ લોકોને આ સંબોધન નહીં ચૂકવા અપીલ કરી ત્યારે લાગતું હતું કે, મોદી ચીન અંગે કોઈ મોટી જાહેરાત કરશે પણ એવું કશું થયું નહીં. લોકો માટે ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થઈને ઉભો રહી ગયો. ગરીબોને મફત અનાજની યોજના પહેલાંથી અમલમાં છે. બલ્કે મોદી સરકાર પહેલાં એક વાર આ યોજના લંબાવી ચૂકી છે ત્યારે તેના માટે રાષ્ટ્રજોગ સંબોધનની જરૂર જ નહોતી. વન નેશન, વન રાશન યોજના પણ અમલમાં છે એ જોતાં મોદીએ કશું નવું કહ્યું નહીં.
મોદીનું આ સંબોધન રાષ્ટ્રને બદલે બિહારીઓ માટે હોય એવું વધારે લાગ્યું. બિહારમાં નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. નવેમ્બર સુધીમાં બીજા ઘણા તહેવારો આવશે પણ મોદીએ છઠનો જ વધારે ઉલ્લેખ કર્યો. માત્ર એક વાર દિવાળીનો ઉલ્લેખ કર્યો. મોદીએ વારંવાર છઠના ઉત્સવનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કરી દીધું કે, બિહારીઓને રીઝવવા માટે અને તેમના મત લેવા માટે આ સંબોધન છે.
મોદીના અવાજમાં થાક, ઢીલી બોડી લેંગ્વેજ
નરેન્દ્ર મોદીએ મંગળવારે કરેલા રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાનની તેમની બોડી લેંગ્વેજ અને તેમનો ઢીલો અવાજ ચર્યાનો વિષય બન્યાં છે. મોદી લોકોને જુસ્સાદાર ભાષામાં સંબોધન કરવા માટે જાણીતા છે. તેના બદલે મંગળવારે મોદીના અવાજમાં થાક વર્તાતો હોય એવું સ્પષ્ટ લાગતું હતું. તેમનો અવાજ પણ બેસી ગયો હોય અને પહેલાંનો રણકો ગાયબ હોય એવું સ્પષ્ટ રીતે દેખાતું હતું.
મોદીની બોડી લેંગ્વેજમાં પણ આક્રમકતાનો સદંતર અભાવ હતો. બલ્કે એક તબક્કે તો મોદીએ હાથ જોડીને લોકોને સતર્કતા રાખવાની અપીલ કરી. મોદીએ રાજ્ય સરકારો અને સ્થાનિક એકમો તરફ પણ આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી. મોદી સામાન્ય સંજોગોમાં પણ અડધો કલાક પ્રવચન આપતાં થાકતા નથી ત્યારે મંગળવારે પંદર મિનિટના પ્રવચનમાં થાકી ગયા હોય એવું લાગતું હતું.
રાજકીય વિશ્લેષકોના મતે, મોદી હાલમાં દબાણનો અનુભવ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાય છે. કોરોના અને ચીનની હરકતોના કારણે સતત વ્યસ્તતાની અસર તેમના પર વર્તાઈ રહી છે.
પાત્રાને છપ્પનની છાતીવાળી સરકારની ટ્વિટ ભારે પડી
મોદી સરકારે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો એ અંગે મોદીની ચાપલૂસી કરવા જતાં ભાજપના પ્રવક્તા સિંબત પાત્રાની લોકોએ ધૂળ કાઢી નાંખી. પાત્રાએ ટ્વિટ કરી હતી કે, ૫૬.....૫૯. પાત્રાએ આડકતરી રીતે એવું કહ્યું કે, આ સરકાર છપ્પનની છાતીવાળી સરકાર છે તેથી ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો.
આ ટ્વિટના પગલે સોશિયલ મીડિયા યુઝર્સ પાત્રા પર તૂટી પડયા. લોકોએ આકરો જવાબ આપ્યો કે, શરમ આવવી જોઈએ તમને. ચીને આપણા વીસ સૌનિકોની હત્યા કરી અને મોદી જવાનોની શહાદતનો બદલો લેવાના બદલે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા છે.
યુઝર્સે ભૂતકાળમાં ચીનની હરકતો સામે મોદી તથા ભાજપના અન્ય નેતાઓએ કરેલાં નિવેદનોની પણ યાદ અપાવી. ભાજપ દેશના જવાનોનાં લોહી પર રાજકારણ રમે છે એવી કોમેન્ટ્સ પણ લોકોએ કરી. લોકોનો આક્રોશ જોઈને પાત્રા ગાયબ થઈ ગયા ને આ મુદ્દે બીજી ટ્વિટ કરી નથી.
સિંધિયાની જીદે શિવરાજને વિલા મોંઢે પાછા મોકલ્યા
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ લાંબા સમયથી કેબિનેટ વિસ્તરણ કરવા માગે છે પણ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના ૧૧ સમર્થકોને પ્રધાન બનાવવાની માગણી પર અડી જતાં કેબિનેટ વિસ્તરણ ફરી ટલ્લે ચડયું છે. શિવરાજ શનિવારથી ત્રણ દિવસ દિલ્હીમાં હતા. અમિત શાહ સાથે તેમણે વારંવાર બેઠકો કરી પણ સિંધિયાની જીદના કારણે નામો નક્કી ના થતાં મંગળવારે સવારે વિલા મોંઢે પાછા ભોપાલ જતા રહ્યા. શિવરાજે ગયા સપ્તાહે પણ બે દિવસ દિલ્હીમાં ધામા નાંખ્યા હતા પણ નામો નક્કી ના થતાં પાછા જવું પડયું હતું.
સૂત્રોના મતે, ભાજપ હાઈકમાન્ડ માટે મધ્ય પ્રદેશ મોટો માથાનો દુઃખાવો બની ગયું છે. સિંધિયાને તોડીને ભાજપે સરકાર બનાવી દીધી પણ સિંધિયાની જીદે ભાજપની હાલત બગાડી દીધી છે. ભાજપ સિંધિયા સમર્થકોને સાચવવા જાય તો ભાજપના વફાદારો નારાજ થઈ જાય. સિંધિયાને નારાજ કરે તો તેની અસર પેટાચૂંટણી પર પડે ને ભાજપની સરકાર ગબડી જાય તેથી ભાજપ માટે ઈધર કુઆં, ઉધ ખાઈ જેવો ઘાટ છે.
રાહુલનો મોદીને શાયરાના અંદાજમાં સવાલ
નરેન્દ્ર મોદીએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધન પછી રાહુલ ગાંધીએ શાયરાના અંદાજમાં કરેલી ટ્વિટે સૌને ખુશ કરી દીધા. રાહુલે લખ્યું કે, તુ ઈધર ઉધ કી બાત ના કર, યે બતા કિ કાફિલા ક્યું લૂટા, મુઝે રહજનોં સે ગિલા નહીં, તેરી રાહબરી કા સવાલ હૈ. શહાબ જાફરીનો આ શેર ઉર્દૂ શાયરીના શોખીનોમાં અત્યંત લોકપ્રિય છે.
યુઝર્સે રાહુલની મજાક કરતાં સવાલ કર્યો કે, રાહુલ ગાંધી આજકાલ ઉર્દૂ વાંચે છે કે શું ?
રાહુલે એ પછી વીડિયો દ્વારા સવાલ પણ કર્યો કે, મોદી બીજું બધું બાજુ પર મૂકીને દેશનાં લોકોને એક જ વાત કહે કરે, ચીનના લશ્કરને ભારતની સરહદમાંથી ક્યારે અને કેવી રીતે હટાવશો ?
રાહુલ ચીન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મોદી પર સતત પ્રહારો કર્યા કરે છે. પોતાની ટવિટમાં એ ઘણા સમયથી શેરો-શાયરીનો ઉપયોગ પણ છૂટથી કરે છે.
કોરોના સામેની લડતે જાણીતા કરેલા ગંગાખેડકર નિવૃત્ત
કોરોનાના કારણે દેશભરમાં જાણીતા થઈ ગયેલા આઈસીએમઆરના સીનિયર સાયન્ટિસ્ટ રમણ ગંગાખેડકર મંગળવારે નિવૃત્ત થઈ ગયા. લોકડાઉન સમયે કોરોના અંગેની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા યોજાતી પત્રકાર પરિષદમાં ગંગાખેડકર અને લવ અગ્રવાલ દરરોજ લોકોને માહિતી આપતા હતા. તેના કારણે ગંગાખેડકર દેશભરમાં જાણીતો ચહેરો બની ગયા હતા.
ગંગાખેડકરે કોરોના સામેની લડતમાં ભજવેલી ભૂમિકા જોતાં તેમને છ મહિનાનું એક્સટેન્સ અપાય તેવી શક્યતા હતી. મોદીની કોર ટીમમાં પણ ગંગાખેડકર હતા. આઈસીએમઆરનો સ્ટાફ પણ માનતો હતો કે, હમણાં તેમને નિવૃત્ત નહીં થવા દેવાય પણ આ આશા ના ફળી.
સરકારી સૂત્રોના મતે, મોદી ગંગાખેડકરની સેવાઓનો લાભ પીએમઓમાં લે તેવી શક્યતા છે. કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી ત્યારે મોદીને કોરોના સામે લડવા માટે અસરકારક વ્યૂહરચના ઘડી શકે એવા મેડિકલ નિષ્ણાતોની જરૂર છે જ. દિલ્હીમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે અમિત શાહ દ્વારા ગંગાખેડકરને દિલ્હીમાં વિશેષ ભૂમિકા સોંપવામાં આવે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
***
મોદી સરકાર ચારે તરફથી ઘેરાઇ છતાં સફળ થઇ શકે છે
મોદી સરકાર કોવિડ-૧૯,અર્થતંત્રની મંદી અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા અનેક મુદ્દોઓથી ઘેરાયેલી છે. એમાં શંકાને સ્થાન નથી કે આ ત્રણે મુદ્દાની ખુબ ઉંડી રાજકીય અસર પડશે.પરંતુ રાજકીય નિષ્ણાંતો કહે છે કે આ તમામ બાબતોએ એવું વિચારવાની ફરજ પાડી છે કે હવે ભાજપના આધિપત્યના અંતની આ શરૂઆત છે.પરંતુ ભાજપ એમ માને છે કે એન્ય પક્ષો કરતાં અમે આગળ છીએ.
પ્રશાસની નિષ્ફળતા અને કસૌટી રાજતીય કટોકટી સર્જશે એમ માનવું ભુલ હશે. લોકોએ ભાજપ અને મોદી પર ભરોસો કરવાનું છોડી દીધું છે એવું નથી. આગામી મહિનાઓમાં યોજાનારી બિહારની ચુંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષ જદયુનો ઘોડો આગળ છે.બંગાળમાં મમતા બેનર્જી અને તેમના પક્ષ માટો ભાજપ સૌથી મોટો પડકાર હશે. તેમનું કહેવું હતું કે કોંગ્રેસ હજુ પણ નેતૃત્વની કટોકટીનો સામનો કરી રહી છે. ક્ષેત્રિય પક્ષ ચીનની બાબતે મોદી સામે પડવા ઇચ્છતા નથી. ઉપરાંત રાજકીય પ્રચારમાં પરિવર્તનની જરૂર છે એ વાત ભાજપને સમજાઇ ગઇ છે.
ગૃહ મંત્રી ગુન્ડાઓની ભાષામાં વાત કરે છે
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રના ગૃહ મંત્રી અમીત શાહે જે રીતે જવાબ વાળ્યો હતો તેની પર જોરદાર પ્રહાર કર્યો હતો.બઘેલે શાહે કહ્યું હતું કે ૧૯૬૨ પછીની ભારત-ચીન લડાઇ પછીથી સંસદમાં ચર્ચા કરવા રાહુલગાંધી મેદાનામાં આવે. બઘેલે કહ્યું હતું કે આ પ્રકારની ભાષા તો માત્ર ગુન્ડાઓઅને અપરાધીઓ જ વાપરે છે. '૧૯૬૨ સે આજ તક દો દો હાથ હોજા એ' એમ શાહે કહેતા બઘેલે કહ્યું હતું કે 'આવી ભાષાનો માત્ર ગુન્ડાઓ અને બદમાશોની જ હોઇ શકે. લોકશાહીમાં આવી ભાષાને કોઇ જ સ્થાન નહોય.દો દો હાથ તો અખાડામાં કહેવાય છે.૨૦ મે,૨૦૨૦ના અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીને ૯૬૭૮ કરોડ રૂપિયા પીએમ કેર્સ ફંડમાં આપ્યા હતા.આઘાતજનક વાત તો એ છે કે ચીની દળો આપણી ભૂમીમાં ઘુસી ગયા હતા, છતાં મોદીએ ચીની કંપનીઓના પૈસા લીધા હતા. શા માટે?
ચીનમાંથી મળેલા પૈસા પરત કરોઃ અમરિન્દર સિંહની મોદીને હાકલ
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દ્ર સિંહે પણ નરેન્દ્ર મોદીને પીએમ કેરસ ફંડમાં ચીની કંપનીઓ અથવા તો જેમાં ચીનું રોકાણ વધુ હોય તેવી કંપનીઓ તરફથી મળેલી રકમ પાછી આપવા હાકલ કરી હતી.'એક એક પૈસો પાછો આપી દેવો જોઇએ.ચીન આપણી સરહદ પર કબજો કરવા ઇચ્છે છે ત્યારે કેન્દ્રે સખ્ત પગલાં ભરવા જોઇએ'
અનેક મીડિયા હાઉસીસ પીટીઆઇની સાથે
પ્રસાર ભારતીયએ અગ્રણી સમાચાર સંસ્થા પીટીઆઇ વિરૂધ્ધસખત વલણ અપનાવતા ભારતના મોટા ભાગના માધ્યમો પીટીઆઇની પડખે ઊભા હતા. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓના એક પછી એક ઇન્ટરવ્યુના કારણેપ્રસાર ભારતીયએ પીટીઆઇને ઠપકારી હતી. ત્યાર પછી જેની તાજેતરમાં રચના કરવામાં આવી હતી તે પ્રસાર ભારતી સમાચાર સેવાએ પણ પીટીઆઇને પત્ર લખી કહ્યું હતું કે તમારા કવરેજના કારણે હવે અમે સમાચાર સંસ્થાના પેટ્રોન બની રહીએ એ તર્કસંગત નથી.પીટીઆઇએ તેના વર્ષીક લવાજમને પણ રેશનલાઇઝ કરવો જોઇએ એમ પણ પત્રમાં લખવામાં આવ્યું હતું.
ઇન્ડિયન વુમન્સ પ્રેસ કોર્પ્સ અને પ્રેસ એસોસિએશને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતુ ંકે 'જ્યારે પ્રેસ પર સખ્તાઇથી સેન્સર કરવામાં આવતું હતું તેવા કટોકટી કાળની ૪૫મી જયંતીની ઉજવણી પછીના થોડા કલાકોમાં જ પીટીઆઇ જેવી સમાચાર સંસ્થા પર પ્રહાર કરવાનું સરકારે પસંદ કર્યું એ ખુબજ કરૂણ બાબત છે'.ઇન્ડિયન એસોસિએશન ઓફ ફોરેન કોરસ્પોન્ડન્ટસે પણ કહ્યું હતું કે અમે પત્રકારત્વની ફરજ બજાવનાર પીટીઆઇની સાથે જ છીએ.હૈદરાબાદ અને ચંદીગઢની સંયુક્ત રીતે જારી કરેલા નિવેદનમાં ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયને પણ પ્રસાર ભારતીની ધમકીને વખોડી કાઢી હતી.
-ઇન્દર સાહની
Comments
Post a Comment