આજે બેનઝીર ભુટ્ટો જીવતાં હોત તો પાકિસ્તાન આટલું ધર્માંધ અને પછાત ન હોત

- બેનઝીરે વડા પ્રધાનપદ સંભાળતી વખતે એક પણ રજા લીધા વિના બે સંતાનોને જન્મ આપ્યો


આધુનિક સમયે સૌથી મહાન કાર્ય કર્યું હોય તો તે સ્ત્રીને સ્વતંત્ર બનાવવાનું કર્યું છે. છેલ્લાં ૧૦૦-૧૫૦ વર્ષમાં આપણને જોવા મળ્યું કે વાસણ માંજતી સ્ત્રી ઓફિસની ફાઇલો ઉકેલતી હોય, રસોડાની રાણી કંપનીની સીઇઓ હોય, બાળકો સાથે ઘર-ઘર રમનારી માતા રમત જગતની સામ્રાજ્ઞાી હોય. રાષ્ટ્રાધ્યક્ષ તરીકે બ્રિટનની મહારાણીની મોનોપોલી તૂટી જવાની ઘટના સુખદ આશ્ચર્ય આપનારી છે. આ ક્રાંતિ વહેલી સવારે કળી ઊઘડવાની સહજતાથી નથી ઘટી, આ ક્રાંતિની કથા લખવા માટે સેંકડો મહામાનુનીઓએ વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે. 

ગત જૂનમાં ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જસીંદા આર્ડેને ઓકલેન્ડની એક હૉસ્પિટલમાં  દીકરીને જન્મ આપ્યો. દુનિયાભરમાંથી તેના પર શુભેચ્છાનો વરસાદ વરસ્યો. વડાપ્રધાન જેવા સર્વોચ્ચ પદ પર હોવા દરમિયાન મા બનવું એ અપ્રતિમ સાહસનો પરિચય આપનારી ઘટના છે. ચારેકોર ચર્ચા થઇ. દરમિયાન એ પણ ઉલ્લેખ થયો કે પાકિસ્તાનના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો ચાલુ કાર્યકાળ દરમિયાન માતા બનનારા વિશ્વના પ્રથમ પ્રધાનમંત્રી હતા.

બેનઝીર બહુ જ આધુનિક અને ક્રાંતિકારી મહિલા હતા. કમનસીબે પાકિસ્તાની જનતા તેનો લાભ ઉઠાવી શકી નહીં. યા કહો કે પાકિસ્તાનના ભ્રષ્ટ, ધર્મઝનૂની અને તાનાશાહી સૈન્ય વડાઓએ લાભ લેવા ન દીધો. જો બેનઝીરને લાંબા સમય સુધી લોકશાહી ઢબે પાકિસ્તાન ચલાવવા દેવામાં આવ્યું હોત તો આજે તેની શકલ બિલકુલ જુદી હોત. તેમણે વડાપ્રધાન પદ સંભાળતી વખતે માતૃત્વ ધારણ કરવામાં કેવા-કેવા સંઘર્ષનો સામનો કર્યો તેની કહાની જાણવા જેવી છે. 

જોબ કરતી અથવા બીઝનેસ કરતી ૨૧મી સદીની યુવતીઓ માટે પણ બાળકોને જન્મ આપવાનું કામ પડકારરૂપ છે. બેનઝીરે દેશનું સર્વોચ્ચ પદ સંભાળતા-સંભાળતા અને એક પણ રજા લીધા વિના આ પડકાર પાર પાડયો. ઉપરથી પાકિસ્તાન જેવા સંકુચિત માનસવાળા દેશમાં. તેના પરથી સમજી શકાય છે કે તેમણે કેટલું મોટું સાહસ ખેડયું હશે! તેમણે આત્મકથામાં લખ્યું છે... 

હું જેટલી પણ રાજકીય લડાઇ લડી તેનો કંઇક ને કંઇક ઉદ્દેશ હતો. એ ઉદ્દેશ સામાજિક ન્યાય અને ઉદારવાદનો હતો. આ એવા મુદ્દા છે જેના માટે લડવું જ જોઇએ. મારી લડાઇ વધારે પડકારજનક એટલા માટે રહી કે હું એક સ્ત્રી છું. એક વાત સ્પષ્ટ છે કે આજના સમયમાં મેં જે કર્યું તે ક્યાંય પણ રહેતી સ્ત્રી માટે સહેલું નથી. તેમ છતાં આપણે તનતોડ મહેનત કરીને પુરવાર કરી દેવાનું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ જરાય કમ નથી.

આપણે વધારે મોડે સુધી કામ કરવું પડશે, વધારે બલિદાન આપવા પડશે, કોઇપણ પ્રકારના ભાવનાત્મક આક્રમણથી બચવું પડશે, સૌથી વધારે ભાવનાત્મક આક્રમણ આપણા પર પરિવારજનો દ્વારા જ કરવામાં આવશે અને એ પણ બિલકુલ લાગણીહીન બનીને. ઘણાં બધા લોકો આજે પણ એવું માને છે કે મહિલાઓની જિંદગી પુરુષોના અંકુશમાં હોવી જોઇએ. આ બહુ જ દુ:ખની વાત છે. 

આ રીતે તેઓ પુરુષો પર દબાણ વધારીને પરોક્ષ રીતે સ્ત્રીઓ સુધી પહોંચે છે.  આપણે સમાજના બેવડા માપદંડો વિશે ફરિયાદ કરવાને બદલે તેને ઓળંગી જવાની તૈયારી કરવી જોઇએ. તેના માટે મર્દો કરતા બમણી મહેનત અને બમણા સમય સુધી કામ કરવુ પડે તો પણ કરવું જોઇએ. 

મારી માએ મને શીખવ્યું કે મા બનવાની તૈયારી એક શારીરિક ક્રિયા છે. તેને રોજીંદા કામકાજમાં અંતરાયરૂપ બનવા દેવી જોઇએ નહીં. હું મારી માની અપેક્ષા પર ખરી ઊતરી. માતૃત્વ ધારણ કરતી વખતે મેં ક્યારેય એકપણ શારીરિક અથવા ભાવનાત્મક લક્ષણને મારા કામમાં અવરોધરૂપ બનવા દીધું નહીં.

હું નસીબદાર હતી કે મને ડોકટર ફ્રેડી સેતના જેવાં તબીબની દેખરેખ મળી. તેમણે પણ મેં માતૃત્વ ધારણ કર્યું હોવાના સમાચાર ગુપ્ત રાખ્યાં. આજે મારે ત્રણ સંતાન છે. બિલાવલ, બખ્તાવર અને આસીફા. તે મને ખુશી અને ગૌરવનો અહેસાસ  આપે છે.

૧૯૮૮માં જ્યારે હું પહેલાં સંતાનને જન્મ આપવાની હતી ત્યારે ફૌજી તાનાશાહે સંસદ ભંગ કરી ચૂંટણીની ઘોષણા કરી દીધી. ટોચના સૈન્ય અધિકારીઓ વિચારતા હતા કે એક ગર્ભવતી મહિલા ચૂંટણી સભાઓ માટે જઇ શકશે નહીં. તેઓ ખોટા સાબિત થયા. હું ઘરની બહાર નીકળી, ચૂંટણી અભિયાનોમાં જોડાઇ.

મારા કામને વળગી રહી અને ચૂંટણી જીતી. ૨૧ સપ્ટેમ્બર ૧૯૮૮ના રોજ બિલાવલનો જન્મ થયો તેના થોડા જ દિવસોમાં ચૂંટણી યોજાઇ. બિલાવલનો જન્મ મારા માટે ખુશીનો અવસર હતો અને ચૂંટણીમાં વિજેતા બનવું પણ. બંને ખુશીઓ એક સાથે મળી. 

હું પ્રધાનમંત્રી બન્યા બાદ મારી માતાએ ઉતાવળ કરી કે જલ્દી બીજી વખત મા બનું. તેમનું કહેવું હતું કે સંતાનો જલ્દી પેદા કરી લેવા જોઇએ જેથી તેમના ઉછેર માટે પૂરતો સમય મળે. મેં તેમની સલાહ માની લીધી. હું ગર્ભવતી બની. એ સમાચાર પણ હજુ ગુપ્ત જ હતા.

દરમિયાન સૈૈન્ય વડાએ નક્કી કર્યું કે મારે સૈનિકો સાથે વાતચીત કરવા અને તેમનો ઉત્સાહ વધારવા સિઆચેન જવું જોઇએ. ભારત અને પાકિસ્તાન ૧૯૮૭માં સિઆચેન સરહદ પર ટકરાઇ ચૂક્યા હતા. ઉંચાઇ પર ઓક્સિજનનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે. 

મને ભય લાગ્યો કે ક્યાંક ઓક્સિજનની ઉણપને કારણે મારા ગર્ભસ્થ શિશુને નુકસાન ન થાય. મારા ડોકટરે મને સમજાવ્યું કે એવું કશું થશે નહીં. ઓક્સિજનની ઉણપ માને થતી હોય છે.

જે ઓક્સિજન માસ્ક પહેરીને દૂર કરી શકાય છે. ગર્ભસ્થ શિશુ પર તેની કોઇ અસર થતી નથી. અનેક આશંકાઓ વચ્ચે પણ હું ત્યાં ગઇ. પ્રધાનમંત્રી તેમનો ઉત્સાહ વધારવા માટે હિમ શિખર પર આવ્યા હોવાનું જોઇને સૈનિકોનો ખુશખુશાલ થઈ ગયા.

વિપક્ષને જ્યારે ખબર પડી કે હું મા બનવાની છું ત્યારે હો-ગોકીરો શરૂ કરી દીધો. તેમણે રાષ્ટ્રપતિ પર દબાણ કર્યું કે તેઓ સરકાર બરખાસ્ત કરે, વચગાળાની ચૂંટણી યોજે અને નવી સરકાર રચે. તેમણે દલીલ કરી કે પાકિસ્તાનના કાયદામાં એવી કોઇ જોગવાઇ નથી કે વડાપ્રધાન મેટરનિટી લીવ પર જઇ શકે.

વળી લીવ પર જવાથી સરકારી કામકાજમાં વિક્ષેપ ઊભો થશે. રાષ્ટ્રપતિ પર ગેરબંધારણીય રીતે સરકારને બરખાસ્ત કરવાનું દબાણ વધ્યું. વિપક્ષની માગણી મેં ફગાવી દીધી. મેં તેમને દેખાડયું કે, પાકિસ્તાનમાં કોઇપણ વર્કિંગ વુમન માટે મેટરનિટી લીવની જોગવાઇ છે, આ વ્યવસ્થા મારા પિતાના સમયમાં લાગુ કરવામાં આવી છે. આ નિયમ પ્રધાનમંત્રી પર પણ લાગુ પડે છે. 

મારી સરકારના લોકો મારી સાથે હતા. તેમણે કહ્યું કે જે રીતે પુરુષ વડાપ્રધાનને હટાવી શકાય નહીં તેવી રીતે મહિલા વડાપ્રધાનને પણ હટાવવાનો સવાલ ઊભો થતો નથી. વિપક્ષે રાજહઠ પકડી લીધી.

તેમણે દેશભરમાં હડતાળ પાડવાની યોજના બનાવી. હવે મારે યોજના ઘડવાનો વારો હતો. મારા પિતાએ મને શીખવ્યું હતું કે રાજનીતિમાં સમયનું ખૂબ મહત્ત્વ છે.  મેં નક્કી કર્યું કે જે દિવસે હડતાળ શરૂ થવાની છે એ જ દિવસે હું ઓપરેશન દ્વારા બાળકને જન્મ આપી દઇશ. 

હું નહોતી ઇચ્છતી કે કોઇ પરંપરા મારા કામમાં બાધક બને, આથી વિસમ સ્થિતિમાં પણ મેં કોઇપણ પુરૂષ વડાપ્રધાન કરતાં ઝાઝું કામ કર્યું. સાંસદો સાથે બેઠક કરી, ને તરત જ કરાંચી રવાના થઇ ગઇ. વહેલી સવારે ઊઠી મારી એક મિત્ર સાથે કારમાં ઊપડી. સામાન્ય રીતે હું કાળી મર્સીડીઝમાં બહાર જતી, પણ તે દિવસે અમે એક નાની કારમાં રવાના થયા. ડયુટી પર હાજર પોલીસવાળાઓનું તેના પર ધ્યાન ગયું નહીં. 

તેમનું ધ્યાન મારા ઘરે આવનારી કાર પર વધારે રહેતું હતું. અમે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોકટર સેતના મારી રાહ જોઇ રહ્યા હતા. મારા ધબકારા વધી ગયા. જેવી હું હૉસ્પિટલમાં પ્રવેશી કે ત્યાં ઉપસ્થિત લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા. મને ખબર હતી કે થોડી જ મિનિટોમાં મોબાઇલ ફોન દ્વારા આખા દેશમાં સમાચાર ફેલાઇ જશે. ત્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ શરૂ થઇ ચૂક્યો હતો. 

હું હોલમાં ઝડપભેર ચાલીને ઓપરેશન થિયેટર સુધી પહોંચી. મારી મા અને મારા  પતિ આગોતરી યોજના પ્રમાણે પાછળ-પાછળ આવી રહ્યા હતા. જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં જોયું કે મને  સ્ટ્રેચરમાં ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢી પ્રાઇવેટ રૂમમાં લઇ જવાઇ રહી છે. મારા પતિ હરખથી બોલ્યા, આપણે દીકરી થઇ છે.

મારી મા પણ પ્રસન્ન હતી. દીકરીનું નામ રાખ્યું બખ્તાવર. તેનો અર્થ થાય છે ભાગ્યશાળી. તે ખરેખર ભાગ્ય લઇને આવી. હડતાળનો ફિયાસ્કો થઇ ગયો. વિપક્ષના મનસુબા પર પાણી ફરી વળ્યું. દુનિયાભરમાંથી મારા પર શુભેચ્છા સંદેશનો વરસાદ થયો.

વડાપ્રધાનથી માંડીને આમ નાગરિકોની શુભકામના મળી. ખાસ કરીને યુવતીઓ માટે આ દ્રષ્ટાંતરૂપ ઘટના હતી. એક સ્ત્રી દેશની સૌથી મોટી જવાબદારી સંભાળતા-સંભાળતા પણ જન્મ આપી શકે છે તે પુરવાર થયું. બીજે જ દિવસે હું ઓફિસ પહોંચી અને ફાઇલો જોવાનું તથા સહી-સીક્કા કરવાનું શરૂ કરી દીધું.

બાદમાં મને જાણ થઇ હું એવી પહેલી રાષ્ટ્રાધ્યક્ષ છું જેણે ચાલુ કાર્યકાળ દરમ્યાન જન્મ આપ્યો છે અને એક પણ રજા લીધા વિના. આ રીતે મેં એક વડાપ્રધાનની જેમ મહિલાઓની ઉન્નતિના માર્ગમાં વચ્ચે આવતી પરંપરાની દીવાલ તોડી નાખી હતી. 

બેનઝીરની જીત માતૃત્વની જીત છે. તેઓ આજે જીવતા હોત તો પાકિસ્તાનની સિક્લ જુદી હોત. તેમની હત્યા થઇ ગઇ. પાકિસ્તાન માટે આનાથી મોટા દુર્ભાગ્ય બીજા શું હોઇ શકે?

આજની નવી જોક

છગન (લલ્લુને): મારા બૂટ લઈ આવ.

લલ્લુ: એક લઈ આવું કે બે?

છગન: આમ તો બેય જોઈતા હતા, પણ હવે એક જ લાવ.

લલ્લુ: હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો