દિલ્હીની વાત : મોદી ચીનનો મુદ્દે વૈશ્વિક સ્તરે કેમ નથી ગજવતા ?
મોદી ચીનનો મુદ્દે વૈશ્વિક સ્તરે કેમ નથી ગજવતા ?
નવીદિલ્હી, તા.27 જૂન 2020, શનિવાર
ચીને લડાખ વિસ્તારમાં મોટા પાયે લશ્કરનો ખડકલો કરી દીધો છે તેના કારણે તણાવની સ્થિતી છે. ચીન લશ્કરી જમાવટ દ્વારા યુધ્ધની સ્થિતિ પેદા કરી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે મોદી સરકારમાં કોઈ સળવળાટ કેમ દેખાતો નથી એવો સવાલ જોરશોરથી પૂછાવા માંડયો છે. લશ્કરી વડા જનરલ નારવણેએ લડાખ સરહદની મુલાકાત લીધા પછી ચીન કોઈ અટકચાળું ના કરે એ માટે પચાસ હજાર સૈનિકો ખડકી દીધા. લશ્કરે પોતાની તૈયારી કરી દીધી પણ મોદી સરકાર બીજા કોઈ મોરચે લડયા વિના હાથ પર હાથ મૂકીને બેસી રહી છે.
મોદી સરકાર ચીન સામે બીજાં પગલાં ના ભરે તો કંઈ નહીં પણ ચીનની હરકતો સામે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ કેમ ફરિયાદ કરતી નથી તેનું પણ નિષ્ણાતોને આશ્ચર્ય છે. ભારતે યુનાઈટેડ નેશન્સ સહિતની સંસ્થાઓમાં આ મુદ્દો ગજવવો જોઈએ પણ તેના બદલે મોદી સરકાર કશું કર્યા વિના ચીન કશુંક કરે તેની રાહ જોઈને બેસી રહી હોય એ રીતે વર્તી રહી છે.
મોદીએ લશ્કરના વખાણમાં પણ રાજકારણ ઘૂસાડયું
ચીન સાથેની અથડામણમાં બિહાર રેજિમેન્ટની બહાદુરીને નરેન્દ્ર મોદીએ વખાણી એ મુદ્દે અઠવાડિયા પછી રાજકારણ શરૂ થયું છે. મોદીએ કહેલું કે, બિહાર રેજિમેન્ટના પરાક્રમ બદલ દરેક બિહારીને ગર્વ છે.
બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદીએ બિહાર રેજિમેન્ટનાં વખાણ કર્યાં હોવાનો આક્ષેપ શિવેનાએ કર્યો હતો. મોદી લશ્કરી કામગીરીમાં પણ જ્ઞાાતિવાદ અને પ્રદેશવાદ ઘૂસાડી રહ્યા હોવાનો આક્ષેપ શિવસેનાએ કર્યો. સંજય રાઉતે સવાલ પણ કર્યો કે, ભારતીય લશ્કરની મહાર, મરાઠા, રાજપૂત, શીખ, ડોગરા અને ગોરખા રેજિમેન્ટના જવાનો દેશન સરહદે કટોકટી આવી ત્યારે ઉંઘી રહેલા કે તમાકુ ચોળતા હતા ?
બિહારમાં એનડીએના પક્ષોએ આ નિવેદન મુદ્દે શિવસેનાની ઝાટકણી કાઢી છે પણ રાજકીય વિશ્લેષકો શિવસેનાના મુદ્દાને યોગ્ય ગણાવે છે. તેમના મતે, મોદીએ બિહાર રેજિમેન્ટના વખાણ કરવા પસંદ કરેલો સમય શંકાસ્પદ છે જ. બીજું એ કે, ભારતીય લશ્કરની કામગીરી માટે આખો દેશ ગર્વ અનુભવે, માત્ર બિહારીઓ શું કરવા અનુભવે ? બધા જવાન ભારતીય લશ્કરના ગણાય છે, ચોક્કસ રેજિમેન્ટ કે પ્રદેશના નહીં.
પવારે રાહુલ પર કટાક્ષ કરતાં કોંગ્રેસ સ્તબ્ધ
ચીન મુદ્દે કોંગ્રેસ મોદીને નિશાન બનાવીને આકરા પ્રહારો કરી રહી છે ત્યારે આશ્ચર્યજનક રીતે શરદ પવાર મોદીની વહારે આવ્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે આક્ષેપ મૂક્યો હતો કે, ચીને ત્રણ જગાએ ઘૂસણખોરી કરીને ભારતની જમીન પચાવી પાડી છે. સોનિયાએ પણ મોદીની કામગીરી સામે સવોલા ઉઠાવ્યો છે ત્યારે શરદ પવારે સલાહ આપી છે કે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોને રાજકીય રંગ ના આપવો જોઈએ.
રાહુલે મોદી પર ચીન સામે શરણાગતિ સ્વીકારી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. પવારે તેના જવાબમાં કહ્યું કે, લોકોએ એ ના ભૂલવું જોઈએ કે ૧૯૬૨ના યુધ્ધ પછી ચીને આપણો ૪૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર પડાવી લીધો હતો. પવારે કોંગ્રેસ પર સીધો પ્રહાર કરતાં કોંગ્રેસીઓ સ્તબ્ધ થઈ ગયા છે. એ વખતે કેન્દ્રમાં જવાહરલાલ નહેરૂની સરકાર હતી. પવારે આ વાત રાહુલ-સોનિયાને યાદ રાખવાનું કહ્યું છે એ કહેવાની જરૂર નથી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને પવારની પાર્ટી સત્તામાં ભાગીદાર છે છતાં પવારે કોંગ્રેસ પર પ્રહાર કરીને ભાજપને રાહત આપી દીધી છે.
ભાજપ આસામમાં સોનોવાલને બદલે સર્માને આગળ કરશે
આસામમાં ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલને બાજુ પર મૂકીને હેમંત બિશ્વ સર્માને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવશે એવી અટકળો તેજ બની છે. આસામમાં આવતા વર્ષે મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી છે. સર્મા પાસે અત્યારે નાણાં, શિક્ષણ, આરોગ્ય અને પીડબલ્યુડી જેવાં અત્યંત મહત્વનાં ખાતાં છે જ પણ ભાજપ તેમને પ્રમોશન આપશે એવું લાગે છે.
છેલ્લા કેટલાક દિવસોથી આસામને લગતા નિર્ણયો અંગે અમિત શાહ સોનોવાલને બાજુ પર મૂકીને સર્માને સીધા આદેશો આપે છે તેના કારણે આ અટકળો ચાલી રહી છે. મણિપુરની રાજકીય કટોકટી ઉકેલવામાં સર્માએ હકારાત્મક ભૂમિકા ભજવીને ભાજપ સરકારને બચાવી લીધી પછી શાહ સર્મા પર વધારે ખુશ છે.
સર્માએ કોંગ્રેસમાંથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી પણ અમિત શાહ તેમને ભાજપમાં ખેચી લાવ્યા. સર્મા ઉત્તર-પૂર્વમાં ભાજપ માટે કામના માણસ સાબિત થયા છે. સર્માએ નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (નેડા)ની રચના કરાવીને પ્રાદેશિક પક્ષોને જોડીને ઉત્તર-પૂર્વમાં ભાજપને અત્યંત મજબૂત કર્યો છે. ભાજપ તેના ઈનામરૂપે સર્માને આગળ કરશે એવું મનાય છે.
અહમદ પટેલ પર દબાણ લાવવા ઈડીની પૂછપરછ
સીબીઆઈએ શુક્રવારે કમલનાથના ભાણેજ રતુલ પુરીને ત્યાં દરોડા પાડયા પછી શનિવારે ઈડીના ત્રણ અધિકારી અહમદ પટેલના ઘરે પહોંચી ગયા. ઈડી સાંડેસરા બ્રધર્સને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા પટેલના ઘરે ગઈ હતી. ઈડીએ આ પહેલાં બે વાર આ કેસમાં પટેલની પૂછપરછ માટે સમન્સ આપેલું પણ કોરોનાના કારણે પટેલ હાજર નહોતા થયા. સીનિયર સિટિઝન્સને ઘરોમાં જ રહેવાની સલાહ અપાઈ હોવાથી તેમણે પૂછપરછ માટે અધિકારીને પોતાના ઘરે મોકલવા વિનંતી કરી હતી. આ વિનંતીને માન્ય રાખીને ઈ.ડી.એ તેમનું નિવેદન નોંધ્યું છે.
સૂત્રોના મતે, ઈડીની આ પૂછપરછ કેન્દ્રની પ્રેશર ટેક્ટિક્સનો ભાગ છે. મોદી સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કોંગ્રેસના નેતાઓ અને ખાસ તો નહેરૂ-ગાંધી ખાનદાનની નજીકના નેતાઓમાં ડર પેદા કરવા કરી રહી છે. તેના ભાગરૂપે આ કેસ ઉખેળાયો છે. આ કેસની તપાસ લાંબા સમયથી ચાલે છે પણ પટેલ વિરૂધ્ધ કશું નક્કર મળ્યું નથી. સૂત્રોના મતે, પટેલ પર દબાણ ઉભું કરવા હજુ અગસ્ટા વેસ્ટલેન્ડને લગતા કેસમાં પણ ઈડી તેમની પૂછપરછ કરી શકે છે.
વિજયવર્ગીયના વીડિયોથી ભાજપની હાલત શરમજનક
અમિત શાહની નજીક મનાતા ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયના એક વાયરલ વીડિયોએ ભાજપને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. આ વીડિયોમાં વિજયવર્ગીય એવું કહે છે કે, ભાજપના કાર્યકરો રાત્રે બે વાગ્યે પત્તાં-જુગાર રમતાં ઝડપાય પછી મને ફોન કરે છે. હું કોલકાત્તા હોઉં કે મધ્ય પ્રદેશમાં હોઉં, રાત્રે પણ તેમના ફોન લેવા પડે છે ને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને તેમને છોડાવવા પડે છે. કાર્યકરો માટે આ બધું પણ કરવું પડે છે.
શાહ પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રભારી છે અને વરિષ્ઠ નેતા ગણાય છે. વિજયવર્ગીય આ પહેલાં પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે. ભાજપ કાર્યકરો વિશેની તેમની ટીપ્પણીના પગલે સોશિયલ મીડિયા પર ભાજપની જોરદાર મજાક ઉડી રહી છે. ભાજપના કાર્યકરો પાસે પત્તાં રમવા સિવાય કામ નથી ને ભાજપના નેતાઓ પાસે જુગારીઓને છોડાવવા સિવાય ધંધો નથી કે શું એવા સવાલ લોકો કરી રહ્યા છે.
***
ભાજપ-કોંગ્રેસના આક્ષેપોનો પ્રકાર ચિંતાનું કારણ
સરકારે જે રીતે ચીનનો મુદ્દો હાથ ધર્યો હતો અથવા તો સરકાર તરફથી ભૂતકાળની દુહાઇ દેવી એ બંને બાબતો અંગે કોંગ્રેસ અને ભાજપ તરફથી કરાતા આક્ષેપો અને પ્રતિ અક્ષેપોનો પ્ર કાર ચિંતાનું ખાસ કારણ બન્યું છે, એમ જાણકારો કહે છે.કમનસીબ વાત તો એ છે કે બંને એક બીજાની દેશભક્તિ પર સવાલો કરે છે.ભાજપ કહે છે કે ચીને રાજીવ ગાંધીના ફાઉન્ડેશન પર દાન લેવાનો આરોપ મૂક્યો હતો એ કારણસર કોંગ્રેસ ચીનની તરફેણ કરે છે.
જાણકારો કહે છે કે દાન સ્વીકારવું તો ઠીક છે પરંતુ તેના કારણે ભારતના અર્થતંત્રને ખોરવવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો ખરાબ બાબત છે.તો કોંગ્રેસે પણ ભાજપ પર ચીનની સામ્યવદી પાર્ટી સાથે નીકટના સબંધો હોવાનો આરોપ કર્યો હતો.પરંતુ ભાજપના પ્રતિનીધી મંડળે ચીનની મુલાકાત લીધી હતી અથવા તો સામ્યવાદી પક્ષના નેતાઓ સાથે મંત્રણા કરી ભારતના હિતને નુકસાન પહોંચાડયું હતું એ બંને આક્ષેપો ખરાબ છે. આ સમય રાજકારણ રમવાનો નથી. ખરી વાત તો એ છે કે બહારી જોખમ એ વખતે આપણી ઉપર થોપી દેવામાં આવ્યું છે જ્યારે આપણે ઘર આંગણે કોરોનાની મહામારી સામે લડી રહ્યા છીએ, એમ રાજકીય પંડિતો કહે છે.
ચીન ભારતનો સૌથી મોટો દુશ્મન..
વાત સાચી છે કે ચીન ભારતનો સૌથી મોટો દુશ્મન છે તેનો સામનો કરો,પરંતુ કોવિડ-૧૯, અર્થતંત્ર, સામાજીક સૌહાર્દ પર પણ ધ્યાન આપો, એમ જાણકારો કહે છે. ચીનના મુદ્દા ઉપરાંત,ભારતના હાલ વિદેશી કાર્યક્રમો ઉપર પણ અસર કરે છે તેવા ઘરેલુ,આર્થિક, સામાજીક અને રાજકીય વાસ્તવિકતાઓ આપણને નબળી ના પાડી દે એ પણ જોવું રહ્યું.બે દાયકામાં આર્થિક વિસ્તરણ અને તેના પરિમામે વધતા જતા બજારના કારણે દેશની વિશ્વ કક્ષાએ એક શાખ ઉભી થઇ છે.
કોવિડ-૧૯ના કારણે દેેશના અર્થતંત્ર પર ફટકો જરૂર પડયો છે જે આ મહામારી પહેલાં જ દેખાતો હતો.કેટલાક ઉદ્યોગપતિએ પોતાના ઉદ્યોગો ચીનની બહાર ખસેડવા વિચારી રહ્યા છે ત્યારે તેઓ ભારત અંગે પણ ગંભીરતાથી વિચારે છે. ભારતના નજીકના ભવિષ્ય અને મધ્ય-સત્રીય પ્ પ્રગતિ તરફ પણ સવાલો પૂછાશે.જો દેશની કોમી એકતા નબળી પડતી દેખાશે અથવા તો તેના રાજકીય પક્ષોમાં તિરાડ જોવા મળશે તો વિશ્વના લોકોનો આપણી પરથી વિશ્વાસ ઘટતો જશે.દેશના વિદેશી નીતિના નિર્ધારકોએ ચોક્કસ રીતે આ બાબત પર પણ ધ્યાન આપવું પડશે. ભારત અંગે ભવિષ્યનો વૈશ્વિક વિચાર કેવો હશે તે અંગે પણ તેમણે વિચાર કરવો પડશે.
ભારતના ખાસ દુતના ઇન્ટરવ્યુએ શંકા ઊભી કરી
ગઇ કાલે રાત્રે ૮ઃ૫૬ મિનિટે સમાચાર એજન્સી પીટીઆઇના ન્યુઝરૂમમાં એક સમાચાર ફલેશ થયા કે ભારતને આશા છે કે ચીન તેની જવાબદારીને સમજશે અને એંકુશ રેખા પાસેથી પોતાના દળોને પાછા ખેંચી તંગદીલી ઓછી કરશે તેમજ ચીન પોતાની જગ્યાએ પરત ફરશે.ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિશ્રીને ટાંકતા આ સમાચારે ભારતના વિવાદમાં વણાંકનો સંકેત આપ્યો હોત.ખાસ તો એટલા માટે કં વડા પ્રધાન મોદીએ ૧૯જૂને કહ્યું હતું કે ચીની સૈનિકો ભારતની સરહદે ઘુસ્યા જ નથી, ત્યારે તો આ નિવેદન ખુબ મહત્ત્વનું બની જાય છે.
જો કે પીટીઆઇએ લગભગ એક કલાક પછી રાત્રે ૧૦-૨૬ વાગે આ સમાચાર પ્રસારિત કર્યા ત્યારે હાલમાં ચાલી રહેલી માથાકુટમાં ચીની સૈનિકો ભારતની સીમામાં ઘુસ્યા નહતા અને ચીની સૈનિકો તેમની જગ્યા એ પરત ફરી ર્હાય છે એવા મિશ્રીના નિવેદનને ટાંક્યું નહતું.૯૪૦ શબ્દોના ઇન્ટરવ્યુમાં પીટીઆઇએ કહ્યું હતું કે 'સૈનિક કક્ષા સહિતની હાલની ચાલી રહેલી મંત્રણાઓમાં 'અમને આશા છે કે ચીનને તેની જવાબદારી સમજાશે અને ત્યાંથી પાછા જતા રહેશે. મિશ્રીએ કહ્યું હતું કે મધ્ય રાત્રે ભારતની સૌથી એગ્રણી સમાચાર સંસ્થાએ આ સમાચારને 'કિલ' કર્યા નહતા.આશરે ૧૦-૪૦ એટલે કે ચીનમાં રાત્રે૧.૧૨ મિનિટે મિશ્રીએ જાતે ઇન્ટરવ્યુની કેટલીક બાબતો વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર મૂકવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ સમાચારમાં ક્યા પણ તેમને કહેતા ટાંકવામાં આવ્યા નહતા.
કોંગ્રેસે રાહુલ ગાંધીની વાપસીની તૈયારીઓ શરૂ કરી
કોંગ્રેસમાં રાહુલ ગાંધીની વાપસીની તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.ખુબ સારી રીતે અને સુનિયોજીત રીતે તેમની વાપસીની તૈયારીઓના માગ ઊભી કરવામાં આવી રહી છે. પરિણામે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીને પદ છોડી દેવા દબાણ વધતું જાય છે.રાહુલ ગાંધીની પ્રમુખપદે વાપસી કોઇ નવી બાબત નથી કે કોઇ કાલ્પનિક છે. ગયા વર્ષે કોંગ્રેસના બીજા પરાજયની જવાબદારી સ્વીકાર જ્યારે રાહુલ પદ છોડયો હતો ત્યારે ખરા નેતાઓએ કહ્યું હતું તેઓ ક્યારે પદથી દૂર હતા જ નહીં.
- ઇન્દર સાહની
Comments
Post a Comment