LAC વિવાદ પર શરદ પવારે રાહુલ ગાંધીની ઝટાકણી કાઢી, અમે 1962ને ભૂલ્યા નથી, જ્યારે ચીને...
- ચીન સાથે સરહદ વિવાદ પર મોદી સરકારને મળ્યો મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સહયોગી NCPનો સાથ
મુંબઈ, તા. 28 જૂન 2020, રવિવાર
લદ્દાખ સરહદ મુદ્દે ચીન સાથે ચાલી રહેલા તણાવને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ વચ્ચે શરદ પવારે રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા મામલે રાજનીતિકરણ ના કરવાનું જણાવ્યું હતું.
નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવારે એલએસી વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા મામલે રાજનીતિકરણ ના કરવાનું જણાવ્યું ઉપરાંત 1962ના યુદ્ધની યાદ અપાવતા જણાવ્યું કે, તે સમયે ચીને ભારતની 45 હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબ્જો જમાવ્યો હતો. હાલ મને ખબર નથી કે ચીને ભારતની કેટલી જમીન પર કબ્જો મેળવ્યો છે, પરંતુ તેના પર ચર્ચા કરતી વખતે ભૂતકાળને યાદ રાખવાની જરૂર છે.
શરદ પવારની પ્રતિક્રિયા રાહુલ ગાંધીના એ આરોપ પર આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્ષેત્રને ચીનની આક્રમક્તા આગળ સરેન્ડર કરી દીધુ છે. તેમણે કહ્યું કે ગલવાન ખીણમાં થયેલી મુઠભેડને રક્ષા મંત્રીની નિષ્ફળતામાં ખપાવી ઉતાળ કહેવાય કારણકે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકો સજાગ હતા. આ સમગ્ર મામલે સંવેદનશીલ છે.
ભારત પોતાના હિતને ધ્યાનમાં રાખીને પોતાની સરહદની અંદર રસ્તાનું નિર્માણ કરી રહ્યું હતુ. ચીની સૈનિકોએ આપણા રોડ પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો અને ધક્કામૂક્કી કરી. અથડામણ થઈ એનો અર્થ છે કે, તમે એલર્ટ હતા. જો તમે ત્યાં ના હોત, તો તમને ખ્યાલ પણ ના હોત કે, ચીની સૈનિકો આવ્યા અને જતા રહ્યાં. મને નથી લાગતું આ સમય આરોપ લગાવવા માટે યોગ્ય છે.
પૂર્વ કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે, આપણે ના ભૂલવું જોઈએ કે, 1962માં શું થયું હતુ. જ્યારે ચીને ભારતીય ક્ષેત્રની 45 હજાર વર્ગ કિલોમીટર જમીન પર કબ્જો કરી લીધો હતો. આ આરોપ લગાવવાનો સમય નથી. એ પણ જોવું જોઈએ કે, ભૂતકાળમાં શું થયું હતું? આ રાષ્ટ્રહિતનો મુદ્દો છે અને તેના પર રાજનીતિ ના કરવી જોઈએ.
જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખમાં 15 જૂને ચીનની સાથે હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થઈ ગયા હતા.
Comments
Post a Comment